અમિત શાહના વિચારોનું સંકલન કરીને તૈયાર કરાયેલા પુસ્તક ‘વિચાર પુષ્પ’નું લોકાર્પણ

18 November, 2022 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકાર્પણ સમાંરભમાં ‘વિચાર પુષ્પ’ પુસ્તકનાં વખાણ કરતાં આવું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘અમિત શાહ એ પક્ષ માટે સમર્પિત થયેલું નેતૃત્વ છે.

અમિત શાહ (ફાઈલ ફોટો)


મુંબઈ : ‘કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહના ‘વિચાર પુષ્પ’માં કોઈનું પણ જીવન બદલી નાખવાની ક્ષમતા છે. તમે કોઈ પણ પાનું ખોલો તમને જ્ઞાન મળશે, પ્રેરણા મળશે. આચાર્ય પવન ​િત્રપાઠીના આ ‘વિચાર પુષ્પ’ પુસ્તકમાંનું દરેક વાક્ય જીવનમાં માર્ગદર્શક બની શકે એમ છે.’ 
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકાર્પણ સમાંરભમાં ‘વિચાર પુષ્પ’ પુસ્તકનાં વખાણ કરતાં આવું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘અમિત શાહ એ પક્ષ માટે સમર્પિત થયેલું નેતૃત્વ છે. ભાજપ પ્રમુખ તરીકે પણ તમે તેમના કાર્યને જોયું છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે તેમનું નૅશનલ ચીફ સેક્રેટરી તરીકેનું કાર્ય પણ આપણે બધાએ જોયું છે. બીજેપીને સૌથી વધુ બેઠકો મળી એનું શ્રેય જો કોઈને જતું હોય તો એ મોદીજીના નેતૃત્વને અને અમિતભાઈના કાર્યને જાય છે. પક્ષ મજબૂત કરવા તે મોટા ભાગે આખા દેશમાં ફર્યા અને ઘણાં રાજ્યોમાં ઘણા દિવસો સુધી રહ્યા પણ ખરા. અમિતભાઈએ એક-એક દિવસમાં ૪૦-૪૦ બેઠકો કરીને પાયાના કાર્યકરો અને ગ્રામજનો સુધી પહોંચ્યા. એ જ પ્રમાણે બેથી અઢી મહિના મહારાષ્ટ્રમાં જ રહીને તેમણે આ જ કાર્યાલયમાંથી પક્ષની ​ચૂંટણીપ્રક્રિયા પાર પાડી અને ભાજપની સરકાર લાવ્યા.’ 
દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ધાર અને અમિતભાઈના આત્મવિશ્વાસને કારણે જ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી શકાઈ અને એ કારણે જ કાશ્મીર વિકાસના પંથે ચાલી રહ્યું છે. અમિતભાઈના વિચારોમાં પ્રગલ્ભતા છે. તેઓ છત્રપતિ શિવાજી મહારાજ, વીર સાવરકર અને ચાણક્યને માનનારા નેતા છે. તેમની પાસે નેતૃત્વની ક્ષમતા તો છે જ, પણ નિર્ણય લેવાની પણ પ્રચંડ ક્ષમતા છે. મહારાષ્ટ્રમાં જે બદલાવ આવ્યા એ તમે જોયા જ હશે. શિવસેનાએ અમારી સાથે બેઈમાની કરી, એ બેઈમાનોને તેમની જગ્યા બતાવી દેવાઈ. અમિત શાહના માર્ગદર્શનને કારણે આજે રાજ્યમાં બીજેપી અને બાળાસાહેબાંચી શિવસેનાની સરકાર સત્તા પર છે.’  
મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપ કાર્યાલયમાં આયોજિત કરાયેલા આ સમારોહમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સાથે પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા, મુંબઈ ભાજપના અધ્યક્ષ વિધાનસભ્ય ઍડ્વોકેટ આશિષ શેલાર. સહકારપ્રધાન અતુલ સાવે, વિધાનસભ્ય રાજહંસ સિંહ અને માધવી નાઈક વ્યાસપીઠ પર ઉપસ્થિત રહ્યાં હતાં. 
કાર્યક્રમની પ્રસ્તાવના બાંધતાં આચાર્ય પવન ​િત્રપાઠીએ કહ્યું હતું કે અમિત શાહે સંસદમાં, કાર્યક્રમોમાં અને માધ્યમોમાં વ્યક્ત કરેલા વિચારોમાંથી કેટલાક પ્રેરણાદાયી અને માર્ગદર્શન કરે એવા વિચારોનું સંકલન કરીને મેં ‘વિચાર પુષ્પ’ તૈયાર કર્યું છે, જેનો વાંચનારાઓને નક્કી ફાયદો થશે. આ સમારંભમાં આચાર્ય પવન ​િત્રપાઠીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમના સૂત્ર-સંચાલનની જવાબદારી શ્વેતા પરુળેકરે સંભાળી હતી.

mumbai news devendra fadnavis amit shah