પપ્પા ધ ગ્રેટ: મુલુંડમાં પિતાએ ૧૫ વર્ષના પુત્રને પોતાની કિડની દાન કરીને નવજીવન આપ્યું

15 January, 2026 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડાયાલિસિસ પ્રેમનો એકમાત્ર ઇલાજ હતો. કાયમી ઉકેલ માટે ડૉક્ટરે તાત્કાલિક કિડની-ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી

હૉસ્પિટલમાં સારવાર લેતો પ્રેમ અને તેના પપ્પા હિરેન ચૌહાણ.

કહેવાય છે કે ‘જનીની જોડ સખી નહીં જડે રે લોલ’. જોકે પિતાનો પ્રેમ પણ સંતાન માટે કંઈ ઓછો નથી હોતો. પિતા પોતાના બાળક માટે સર્વસ્વ ન્યોછાવર કરવા હંમેશાં તત્પર
હોય છે. આ વાતને સાર્થક કરતી એક હૃદયસ્પર્શી અને સમાજ માટે પ્રેરણાદાયક ઘટના મુલુંડમાં સામે આવી છે. મૂળ કચ્છના અબડાસા તાલુકાના કોઠારા ગામના વતની અને હાલ મુલુંડના વૈશાલીનગરમાં રહેતા ચૌહાણપરિવારે જે સંઘર્ષ અને સાહસ બતાવ્યાં છે એ જોઈને આખો સમાજ ગદ્ગદિત થયો છે.

શ્રી ક્ષત્રિય કચ્છી રાજપૂત સમાજ-મુંબઈના પ્રમુખ જિતુભા મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળ કોઠારાના વતની હિરેન ચૌહાણના ૧૫ વર્ષના પુત્ર પ્રેમને આશરે ૧૪ મહિના પહેલાં અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. મધ્યમવર્ગીય પરિવાર માટે આ સામાન્ય દુખાવો હશે એમ માનીને ડૉક્ટરે અમુક ટેસ્ટ કરાવવા કહ્યું હતું. એ મુજબ પ્રેમની ટેસ્ટ કરવામાં આવી હતી. રિપોર્ટ્‍સ આવતાં જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. રિપોર્ટ્‍સમાં ખુલાસો થયો કે માત્ર ૧૫ વર્ષની નાની ઉંમરે પ્રેમની બન્ને કિડની ફેલ થઈ ગઈ હતી. હસતા-રમતા અને ભણવાની ઉંમર ધરાવતા પુત્રની આવી હાલત જોઈને હિરેનભાઈ અને સમગ્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયા હતા.’

૧૨ મહિનાનો પીડાદાયક સંઘર્ષ

છેલ્લા એક વર્ષથી માસૂમ પ્રેમ ડાયાલિસિસની અત્યંત પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો એમ જણાવીને જિતુભા મકવાણાએ વધુમાં કહ્યું હતું કે ‘ડાયાલિસિસ પ્રેમનો એકમાત્ર ઇલાજ હતો. કાયમી ઉકેલ માટે ડૉક્ટરે તાત્કાલિક કિડની-ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. જોકે વર્તમાન સમયમાં કિડની-ડોનર મળવો લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. અંતે પિતા હિરેને પોતાની કિડની આપવા માટે તૈયારી બતાવી હતી. ત્યારે હિરેનની અમુક ટેસ્ટ કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં હિરેનની કિડની પ્રેમને ચાલે એમ હોવાનું જાણવા મળતાં હિરેને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાના પુત્રને નવજીવન આપવા માટે પોતાની કિડની આપવાનો મક્કમ સંકલ્પ કર્યો હતો.’

સફળ સર્જરી અને પુનર્જન્મ

થાણેની જાણીતી જ્યુપીટર હૉસ્પિટલમાં આ મહત્ત્વપૂર્ણ ઑપરેશન ૧૩ જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ પિતા હિરેનની ડાબી કિડની કાઢીને પુત્ર પ્રેમમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી એમ જણાવીને જિતુભા મકવાણાએ વધુમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સર્જરી સફળ રહી છે અને પ્રેમને હવે ડાયાલિસિસની પીડામાંથી મુક્તિ મળી છે. પાંચેક દિવસ હિરેનને અને પ્રેમને ૧૫ દિવસ સારવાર માટે હૉસ્પિટલમાં રાખવામાં આવશે. ડૉક્ટરના કહેવા મુજબ ૬ મહિનામાં પ્રેમ પોતાનું સામાન્ય જીવન જીવી શકશે.’

સમાજની અનોખી એકતા

પિતાના આ બલિદાન પર ગર્વ અનુભવતાં જિતુભા મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મુશ્કેલ ઘડીમાં ચૌહાણપરિવાર એકલો નહોતો. શ્રી ક્ષત્રિય કચ્છી રાજપૂત સમાજ-મુંબઈ આ પરિવારના પડખે અડીખમ ઊભો રહ્યો હતો. હિરેન ઘાટકોપરની કપડાંની એક દુકાનમાં સામાન્ય નોકરી કરે છે, જ્યારે આ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ લાખો રૂપિયામાં હતો. તેના પર આ પ્રકારની આફત હોવાની માહિતી પ્રકાશમાં આવતાં સમાજના લોકોએ બની શકે એટલી તેને મદદ કરી હતી. એક તરફ અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે ત્યારે હિરેને પોતે અંગદાન કરીને પિતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે મક્કમ મનોબળ અને સમાજની હૂંફ હોય તો ગમે એવી મોટી બીમારી સામે જીત મેળવી શકાય છે.’

mumbai news mumbai kutchi community gujarati community news gujaratis of mumbai mulund