શ્રેયસ ઐયર જૂના હોમ ગ્રાઉન્ડમાં જૂની ટીમ સામે પહેલી વાર ટકરાશે

27 April, 2025 07:28 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

ઈડન ગાર્ડન્સમાં કલકત્તા સામે ૧૩માંથી માત્ર ચાર મૅચ જીતી શક્યું છે પંજાબ

હેડ કોચ રિકી પૉન્ટિંગ સાથે મૅચની રણનીતિ બનાવતો પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર.

IPL 2025ની ૪૪મી મૅચ આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. ૧૫ એપ્રિલે સીઝનની પહેલી ટક્કરમાં પંજાબે ડિફેન્ડિંગ ચૅમ્પિયન કલકત્તા સામે ૧૧૧ રનનો લોએસ્ટ સ્કોર ડિફેન્ડ કરીને ઇતિહાસ રચ્યો હતો. છેલ્લી બન્ને મૅચ હારનાર કલકત્તા પર હાલ હૅટ-ટ્રિક હારનો ખતરો છે. જ્યારે પંજાબની ટીમ કલકત્તા સામેની જીતની હૅટ-ટ્રિક કરીને ફરી વિજયરથ પર સવાર થવાનો પ્રયાસ કરશે. તેમને પોતાની છેલ્લી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

કલકત્તાનો કૅપ્ટન અજિંક્ય રહાણે.

પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન કલકત્તાની ટીમનો કૅપ્ટન હતો. તેની આગેવાનીમાં આ ટીમ ૨૦૨૪માં ચૅમ્પિયન બની હતી. આજે તે પોતાના જૂના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં પોતાની જૂની ફ્રૅન્ચાઇઝી સામે પહેલી વાર ટકરાશે. ન્યુ ચંડીગઢમાં થયેલી પહેલી ટક્કરમાં તે બે બૉલ રમીને એક પણ રન બનાવ્યા વગર કૅચઆઉટ થયો હતો. કે. એલ. રાહુલે એકાના સ્ટેડિયમમાં જેમ પોતાની જૂની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે મૅચવિનિંગ ઇનિંગ્સ રમી એવી જ ધમાકેદાર ઇનિંગ્સ શ્રેયસ ઐયર આ ટીમ સામે રમશે એવી આશા ક્રિકેટફૅન્સ રાખી રહ્યા છે.

મુંબઈ અને ચેન્નઈની જેમ કલકત્તાના હોમ ગ્રાઉન્ડ પર લાગ્યાં છે તેમનાં વિનિંગ-યરનાં પોસ્ટર.

ઈડન ગાર્ડન્સમાં બન્ને ટીમ વચ્ચે ૧૩ ટક્કર થઈ છે જેમાંથી નવ મૅચ કલકત્તાએ અને ચાર મૅચ પંજાબે જીતી છે. વર્તમાન સીઝનમાં કલકત્તા પોતાના હોમ ગ્રાઉન્ડ પર સારું પ્રદર્શન કરી શક્યું નથી, એ ઈડન ગાર્ડન્સમાં ચારમાંથી માત્ર એક મૅચ જીત્યું છે.

હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૩૪

KKRની જીત

૨૧

PBKSની જીત

૧૩

 

indian premier league IPL 2025 udta punjab kolkata knight riders shreyas iyer ricky ponting ajinkya rahane eden gardens cricket news sports news sports