કિરીટ સોમૈયાએ મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

23 September, 2021 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફરિયાદ નોંધાવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા સોમૈયાએ કહ્યું કે “મુંબઈ પોલીસે મારી કોલ્હાપુરની મુલાકાત અટકાવવા માટે મને ખોટી રીતે કેદમાં રાખ્યો હતો અને સત્તાનો દુરુપયોગ કર્યો હતો."

કિરીટ સોમૈયા. ફાઇલ ફોટો

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા કિરીટ સોમૈયાએ બુધવારે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ વિરુદ્ધ નવઘર મુલુંડ પૂર્વ પોલીસ સ્ટેશનમાં કરાડ રેલવે સ્ટેશન પર તેમની કથિત અટકાયત બદલ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ નોંધાવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા સોમૈયાએ કહ્યું કે “મુંબઈ પોલીસે મારી કોલ્હાપુરની મુલાકાત અટકાવવા માટે મને ખોટી રીતે કેદમાં રાખ્યો હતો અને સત્તાનો દુરુપયોગ કર્યો હતો. મને ગણેશ વિસર્જનના દિવસે મારા નિવાસ સ્થાનથી બહાર નીકળવાથી રોકવામાં આવ્યો હતો. હું કરાડ તેમણે મને કરાડ રેલવે સ્ટેશન પર અટકાવ્યો હતો.”

“મેં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 149, 340, 341, 342 હેઠળ મુલુંડ અને એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં કાનૂની નોટિસ સબમિટ કરી હતી. મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારે 24 કલાકની અંદર મારી માફી માંગવી પડશે.” સોમૈયાની સોમવારે વહેલી સવારે મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના કરાડ રેલવે સ્ટેશન પર અટકાયત કરવામાં આવી હતી. તે 20 સપ્ટેમ્બરે કોહલાપુરની મુલાકાત લેશે તેવી અપેક્ષા હતી અને તે ટ્રેન મારફતે પ્રવાસ કરી રહ્યા હતા.

તેમની મુલાકાત પહેલા કોલ્હાપુર જિલ્લા કલેકટરે તેમની સામે પ્રતિબંધિત આદેશો જાહેર કર્યો હતો અને 20 અને 21 સપ્ટેમ્બરના રોજ ભેગા થવા પર પ્રતિબંધ લગાવતા કલમ 144 લાદી હતી. ભાજપના આ નેતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્ર ગ્રામીણ વિકાસ પ્રધાન હસન મુશરીફની મિલકતોની મુલાકાત લેવાના હતા, જેમાં સોમૈયાએ ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કર્યો હતો. સોમૈયાએ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી છગન ભુજબળ અને અનિલ પરબ પર મની લોન્ડરિંગના આરોપો પણ લગાવ્યા હતા.

ભાજપે સોમૈયાની અટકાયત અંગે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે નેતાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે તેઓ સરકારના ભ્રષ્ટ મંત્રીઓ સાથે સંબંધિત કૌભાંડોનો પર્દાફાશ કરી રહ્યા છે. અગાઉ મુશરીફે કહ્યું હતું કે તેઓ સોમૈયા સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કરશે.

મુશરીફે ઉમેર્યું હતું કે “કિરીટ સોમૈયા દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે ભાજપના મોટા ષડયંત્રનો ભાગ છે અને ચંદ્રકાંત પાટીલ આનો માસ્ટરમાઈન્ડ છે. હું મહા વિકાસ આઘાડી (MVA) અને પરમબીર સિંહના મુદ્દે કેન્દ્રએ જે રીતે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કર્યો તે વિશે સતત અવાજ ઉઠાવ્યો છું. આ જ કારણ છે કે ભાજપ દ્વારા મને કિરીટ સોમૈયા મારફતે ફસાવવામાં આવી રહ્યો છે.”

mumbai police mumbai news kirit somaiya nationalist congress party bharatiya janata party maharashtra