મફતમાં સેક્સ માણો અને પૈસા પણ મેળવો

18 August, 2022 10:22 AM IST  |  Mumbai | Mehul Jethva

આવું કહીને માટુંગાના વેપારીને ડેટિંગ ઍપના માધ્યમથી બોલાવ્યા બાદ કિડનૅપ કરી ધમકાવીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માગનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

માટુંગામાં રહેતા અને ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરતા ૩૦ વર્ષના વેપારીનો ડેટિંગ ઍપના માધ્યમથી સંપર્ક કરી મોટા ઘરની મહિલાઓ સાથે સેક્સ કર્યા પછી પૈસાની લાલચ આપવામાં આવી હતી. એ માટે વેપારીને જોગેશ્વરીમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાંથી તેને કારમાં બેસાડીને ઓશિવરા પોલીસ સ્ટેશનની બહાર લઈ આવવામાં આવ્યો હતો અને ત્યાં પોલીસ પાસે ધરપકડ કરાવવાની ધમકી આપી હતી. ત્યાર પછી મૅટર રફેદફે કરવા માટે પાંચ લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. જોકે વેપારીએ ત્યાંથી નીકળીને પોલીસ ફરિયાદ કરતાં આશરે ૧૦૦ સીસીટીવી કૅમેરાનાં ફુટેજની સ્ટડી કરીને બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પર આ પહેલાંના પણ ગુનાઓ હોવાની માહિતી પોલીસને મળી છે.

માટુંગામાં રહેતા ૩૦ વર્ષના વેપારી ચંદ્રેશ જોશી (નામ બદલ્યું છે)ને ૧૦ ઑગસ્ટે લોકેન્ટો ઍપ્લિકેશનના માધ્મયથી સંપર્ક કરીને મોટા ઘરની મહિલાઓ સાથે સેક્સ કર્યા પછી ૨૦,૦૦૦ રૂપિયા કમાવાની લાલચ એક યુવકે આપી હતી. આ લાલચમાં આવી ગયેલા વેપારીને ૧૧ ઑગસ્ટે સાંજે અંધેરીના ઇન્ફિનિટી મૉલ નજીક બોલાવવામાં આવ્યો હતો. ત્યાંથી તેને એક કારમાં બેસાડીને ઓશિવરા પોલીસ સ્ટેશનની બહાર આરોપીઓ લઈ આવ્યા હતા અને તેને ધમકાવીને કહ્યું હતું કે તું આવાં કામ કરે છે એટલે તારા પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને તારા ઘરવાળાને જાણ કરવામાં આવશે કે તું આવાં કામ કરે છે. ત્યાર પછી ડરી ગયેલા વેપારી પાસેથી ૭૦૦૦ રૂપિયા ઑનલાઇન ઍપ્લિકેશનના માધ્યમથી લેવામાં આવ્યા હતા. એ સાથે બીજા પાંચ લાખ રૂપિયા બીજા દિવસે માગવામાં આવ્યા હતા. આ ઘટના પછી ગભરાઈ ગયેલો વેપારી પોતાના ઘરે બે દિવસ પુરાઈ રહ્યો હતો. અંતે તેણે હિંમત ભેગી કરીને ઓશિવરા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની માહિતી આપી હતી.

ઓશિવરા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ એટલી હદ સુધી ફરિયાદીને ડરાવી દીધો હતો કે તે બે દિવસ પોતાના ઘરમાંથી બહાર જ નીકળ્યો નહોતો. અંતે તેણે અમારી પાસે ૧૫ ઑગસ્ટે ફરિયાદ કરી હતી. ત્યાર પછી અમે અમારા પોલીસ સ્ટેશનથી લઈ જોગેશ્વરી સુધીના ૧૦૦ કરતાં વધુ સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં, જેમાં અમને એક કાર દેખાઈ આવી હતી. એની માહિતી કાઢીને અમે આરોપી મોહન ટાંક અને બહુજલ ખાનની ધરપકડ કરી હતી. આરોપી પર આ પહેલાંના ૧૦ કરતાં વધુ કેસ હોવાની માહિતી અમને મળી છે. આરોપીઓ લોકોને મનોરંજન માટે સેક્સ અને એ પછી પૈસા કમાવાની લાલચ આપતા હતા, જેથી લોકો એમાં ફસાતા હતા.’

ઓશિવરા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મનોહર ધનાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની અમે ધરપકડ કરી છે. તેમણે ફરિયાદીને ધમકાવીને પાંચ લાખ રૂપિયા આપવા માટે કહ્યું હતું. આરોપી પર આ પહેલાંના પણ અનેક ગુના હોવાની અમને શંકા છે.’

mumbai mumbai news Crime News mumbai crime news mehul jethva matunga