બેટી ગેમ રમવા લાગી એમાં ઊપડી ગયા ઑલમોસ્ટ અઢી લાખ રૂપિયા

10 November, 2025 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઇબર ગઠિયાઓએ દીકરી પાસેથી મમ્મીનું Paytm અકાઉન્ટ લિન્ક કરાવી દીધું, ત્યાર બાદ ૧૧ ટ્રાન્ઝૅક્શનમાં ૨,૪૦,૨૪૨ રૂપિયા ઊપડી ગયા

પ્રતીકાત્મક તસવીર

મમ્મીએ દીકરીને ભણવા માટે મોબાઇલ આપ્યો, બેટી ગેમ રમવા લાગી એમાં ઊપડી ગયા ઑલમોસ્ટ અઢી લાખ રૂપિયા

સાઇબર ગઠિયાઓએ દીકરી પાસેથી મમ્મીનું Paytm અકાઉન્ટ લિન્ક કરાવી દીધું, ત્યાર બાદ ૧૧ ટ્રાન્ઝૅક્શનમાં ૨,૪૦,૨૪૨ રૂપિયા ઊપડી ગયા

ખાર-વેસ્ટમાં રહેતા એક ગુજરાતી પરિવારે અભ્યાસ માટે આપેલા મોબાઇલમાં ૧૭ વર્ષની દીકરી ગેમ રમતી હતી ત્યારે તેની મમ્મીના બૅન્ક-અકાઉન્ટમાંથી ૨,૪૦,૨૪૨ રૂપિયા ઊપડી ગયા હતા. દીકરી અભ્યાસ માટે યુટ્યુબના વિડિયો જોતી હતી ત્યારે તેણે તિરંગા ઍપ્લિકેશનની જાહેરાત જોઈ હતી. એ પછી એના પર ક્લિક કરીને અવતાર નામની ગેમ રમવા માંડી હતી. દરમ્યાન તેની મમ્મીના બૅન્ક-અકાઉન્ટમાંથી ૧૧ ટ્રાન્ઝૅક્શનમાં ૨,૪૦,૨૪૨ રૂપિયા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

શું હતો ઘટનાક્રમ

 ૧૭ વર્ષની ટીનેજરે યુટ્યુબ પર અભ્યાસ માટેનો વિડિયો જોતી વખતે તિરંગા ઍપ્લિકેશનની જાહેરાત જોઈ હતી. એના પર ક્લિક કરતાં diudrean.com વેબસાઇટ ખૂલી હતી જેમાં વિવિધ ગેમ રમીને પૈસા કમાવા વિશે દર્શાવવામાં આવ્યું હતું.

 વેબસાઇટ પર રહેલી વિવિધ ગેમમાંથી ટીનેજરે અવતાર ગેમ પસંદ કરી અને એ રમવાની શરૂઆત કરી હતી. જોકે એ સમયે રમતાં પહેલાં અકાઉન્ટ લિન્ક કરવાનું કહેતાં દીકરીએ તેની મમ્મીનું Paytm અકાઉન્ટ ગેમમાં લિન્ક કરી દીધું હતું. ત્યાર બાદ આ ગેમ ટીનેજર દસથી ૧૨ દિવસ સુધી મમ્મીના મોબાઇલમાં રમતી રહી હતી.

 ટીનેજરની મમ્મીએ અન્ય કામસર પૈસા ટ્રાન્સફર કરવા જતાં અકાઉન્ટમાં બૅલૅન્સ તદ્દન ઘટી ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એ પછી બૅન્ક તરફથી સ્ટેટમેન્ટ મગાવતાં આશરે ૧૧ ટ્રાન્ઝૅક્શનમાં ૨,૪૦,૨૪૨ રૂપિયા ઊપડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

 આ તમામ પૈસા વિવિધ ખાતામાં જમા થયા હોવાની જાણ થતાં અંતે છેતરપિંડી કરીને બૅન્કમાંથી ઉપાડી લીધા હોવાની ખાતરી થઈ હતી. શરૂઆતમાં સાઇબર હેલ્પલાઇન પર ફરિયાદ કર્યા બાદ ઘટનાની ફરિયાદ ખાર પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.

 ટીનેજરની મમ્મીના બૅન્ક-અકાઉન્ટમાંથી ઊપડી ગયેલા પૈસા અલગ-અલગ અકાઉન્ટમાં જમા થયા છે તેમ જ દરેક અકાઉન્ટમાં ચેઇન દ્વારા પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે એથી પોલીસને આ કેસમાં પૈસા ફ્રીઝ કરવામાં સફળતા નથી મળી.

mumbai news mumbai khar gujaratis of mumbai gujarati community news cyber crime mumbai police