મર્યા પછી પણ શાંતિ નહીં

26 January, 2023 10:48 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ખાલિંગખુર્દ ગામમાં રસ્તો ન હોવાથી સ્મશાનયાત્રા સાંકડા રસ્તા પરથી અને ૧૦ ફુટ ઊંચી પાઇપલાઇન પરથી લઈ જવી પડે છે : અહીંથી પસાર થતી વખતે મૃતદેહ ખભા પર નહીં, પણ હાથમાં પકડીને લઈ જવા લોકો બને છે મજબૂર

પાઇનલાઇન પરથી લઈ જવામાં આવી રહેલો મૃતદેહ

જીવતેજીવત તો લોકો અનેક સમસ્યાનો સામનો કરતા હોય છે, પણ મૃત્યુ પછીયે તેમને સમસ્યામાંથી છુટકારો મળતો નથી એનું પ્રત્યક્ષ ઉદાહરણ જોવા મળ્યું છે. ખાલિંગખુર્દ ગામમાં રસ્તા ન હોવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ગામના લોકો મુંબઈને પાણીપુરવઠા કરતી ૧૦ ફુટ ઊંચી પાઇપલાઇન પરના સાંકડા રસ્તા પરથી તેના અંતિમ સંસ્કાર કરવા અંતિમયાત્રા લઈ જતા હોવાનો વિડિયો વાઇરલ થયો છે.

ભિવંડી તાલુકામાં તાનસા પાણી યોજનાની પાઇપલાઇનને અડીને આ ગામ આવેલું છે. મુંબઈને પાણી સપ્લાય કરતી પાઇપલાઇનને કારણે કોઈ રસ્તો ન હોવાથી ગ્રામજનોએ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેની અંતિમયાત્રા લઈ જતી વખતે ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. રસપ્રદ વાત એ છે કે પાઇપલાઇનના સાંકડા રસ્તા પરથી પસાર થતી વખતે મૃતદેહ નીચે ન પડે એ માટે માત્ર બે જ ગ્રામજનો મૃતદેહને હાથમાં પકડીને જતા હોય છે. આ ગામમાં બૌદ્ધ સ્મશાનભૂમિ પાઇપલાઇનની બીજી બાજુએ હોવાથી ત્યાં જવા માટે રસ્તાની માગણી ઘણાં વર્ષોથી મુંબઈ મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ પાસે ગામલોકો કરી રહ્યા છે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગના અધિકારીઓ આ ગંભીર બાબતને જાણી જોઈને અવગણી રહ્યા છે એવું તેમનું કહેવું છે.

છેલ્લા ઘણા સમયથી સમાજના અવરોધોને સમજીને ઉત્કર્ષ માનવ સેવા સંસ્થા વતી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મુખ્ય કાર્યાલયમાં સબંધિત ખાતાના અધિકારીને રસ્તાની માગણી માટે અરજી કરવામાં આવી છે. આ અરજીમાં જણાવાયું છે કે બૌદ્ધ સ્મશાનભૂમિ અને ખેતીની જમીન પાસે જવા માટે રસ્તાના અભાવે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે ઉનાળા અને ચોમાસામાં ગ્રામજનોએ અંતિમ સંસ્કાર માટે ચારથી પાંચ પાઇપલાઇનની નીચેથી મૃતદેહ લઈ જવો પડે છે, જ્યારે કેટલીક જૂની ૧૦ ફુટ ઊંચી પાઇપલાઇન પર ચડવા અને નીચે જવા માટે માત્ર સાંકડાં પગથિયાં છે એટલે મૃતદેહને ખભા પર લઈ જવાને બદલે હાથમાં લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે.

ખાલિંગખુર્દ-પુંડાસ ગ્રામપંચાયતના ભૂતપૂર્વ સરપંચ જ્ઞાનેશ્વર પવાર હતા અને હાલમાં તેમનાં પત્ની સંરપચ છે. તેમણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ રસ્તામાં અનેક ગ્રામજનોની જમીન છે અને રસ્તા માટે કોઈ જમીન આપતું નથી. આ જગ્યા બીએમસીની પાઇપલાબઇનને લાગીને જ હોવાથી ત્યાં કામ કરવામાં ખૂબ જ તકેદારી રાખવી પડે એમ છે. આ સમસ્યા અનેક વર્ષોથી છે, પણ હવે એ દૂર થવી જોઈએ. એ માટે હું અને મારી પત્ની ફરી પત્રવ્યવહાર કરીશું. પુલ બંધાશે તો આ સમસ્યાનો ઉકેલ આવશે.’

પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે
થાણે જિલ્લા પરિષદના એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રીધર ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં પુલ બાંધવાની ખૂબ આવશ્યકતા હોવાથી પ્રશાસનને તાત્કાલિક ધોરણે પુંડાસ-ખાલિંગખુર્દ પાસે પાઇપલાઇન ઉપર પુલ બાંધવા માટે ગ્રામપંચાયત તરફથી પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. એથી આ પ્રસ્તાવને મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે અને મંજૂરી પણ મળશે એવી શક્યતા પણ છે.’

mumbai mumbai news bhiwandi thane preeti khuman-thakur