સાથે રહેવા સિયા અને ચેતને કેતનની હત્યા કરી, હવે એકબીજાની વિરુદ્ધ નિવેદનો આપવા માંડ્યાં

27 June, 2026 08:50 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

હત્યાના એક દિવસ પહેલાં કૅફેમાં બેસીને પ્લાનિંગ કર્યાનું ફુટેજ જુદી જ સ્ટોરી કહે છે

કેતન, સિયા, ચેતન

પુણેના ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યાનું કાવતરું ઘડ્યા બાદ બે મુખ્ય આરોપીઓ સિયા ગોયલ અને તેનો કથિત પ્રેમી ચેતન ચૌધરી પોલીસની પૂછપરછ દરમ્યાન એકબીજાની વિરુદ્ધ થઈ ગયાં છે અને બન્ને એકબીજા પર કાવતરું ઘડ્યાનો આરોપ ઢોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે ચેતન તાજનો સાક્ષી બનીને સિયાની હકીકત જણાવીને સજામાંથી બચી શકે છે.
કેતનની હત્યાના બે પ્રયાસ નિષ્ફળ ગયા બાદ ચેતને સિયાને કહ્યું હતું કે તું રહેવા દે, તારાથી આ કામ નહીં થાય. પોલીસની તપાસમાં ચેતન ચૌધરીએ એમ કહ્યું છે કે તે ફક્ત સિયા સાથે રિલેશન રાખવા માગતો હતો, જ્યારે સિયા કેતનને તેમના રસ્તામાંથી દૂર કરવા તેની હત્યા કરવા માગતી હતી. સિયાએ પોલીસને એમ કહ્યું છે કે મૂળમાં કેતનની હત્યાનો પ્લાન ચેતનનો જ હતો અને ૪ જૂને તેણે પહેલી વાર આ માટે પ્રયાસ કર્યો હતો, પણ એમાં તેને સફળતા ન મળતાં તે ભાંગી પડ્યો હતો.

બન્ને આરોપીઓ ભલે એકબીજા પર ઢોળતા હોય, પરંતુ પોલીસની તપાસમાં મળી આવેલાં ફુટેજ કંઈક જુદી જ સ્ટોરી કહે છે. ૧૭ જૂને સાંજે એટલે કે હત્યાના આગલા દિવસે સિયા અને ચેતન પુણેના એક કૅફેમાં મળ્યાં હતાં અને બન્નેએ એ જ વખતે કેતનની હત્યાનો ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હોવાની શક્યતા છે.

આરોપીઓની ચાલબાજી : પકડમાં ન આવવા માટે ઇન્ટરનેટ બંધ રાખ્યું

લોનાવલા ગ્રામીણ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘હત્યાના પ્લાનને સફળ બનાવવા માટે આરોપીઓએ અનેક ચાલબાજીઓ કરી હતી. ૧૮ જૂને ચેતન ચૌધરીએ સવારે સાતથી સાંજના ૫.૪૦ વાગ્યા સુધી પોતાના મોબાઇલનું ઇન્ટરનેટ બંધ રાખીને ફોન પોતાની દુકાને મૂકી દીધો હતો જેથી એનું લોકેશન ટ્રૅક ન થાય. જોકે તે દુકાનના એક કર્મચારીનો ફોન સાથે લઈ ગયો હતો, જેનું લોકેશન લોહગડ કિલ્લા પર મળી આવતાં તેની ચાલાકી પકડાઈ ગઈ હતી.’

ચેતન ચૌધરી અને સિયા ગોયલે એકબીજાને કરેલા બધા મેસેજ પણ ડિલીટ કર્યા હતા. એમ છતાં સિયા અને ચેતન વચ્ચેના અફેરનો પર્દાફાશ તેમના મોબાઇલના કૉલ ડીટેલ રેકૉર્ડ્સ (CDR) પરથી થયો હતો. પહેલી જાન્યુઆરીથી ૧૮ જૂન વચ્ચેના આશરે ૬ મહિનાના ગાળામાં બન્ને વચ્ચે ૨૦૦૪ વખત ફોન પર વાતચીત થઈ હતી, જેનો કુલ સમય ૨૩૮ કલાક જેટલો થાય છે. ૧૬ અને ૧૭ જૂનની મધરાતે સિયા અને ચેતને વિડિયો-કૉલ પર વાત કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.’

છેલ્લી મિનિટોમાં કાવતરું કેવી રીતે સફળ બનાવ્યું?

કેતન અને સિયા સવારે ૮ વાગ્યે ઘરેથી નીકળ્યાં હતાં અને સવારે ૯.૨૦ વાગ્યે એક લક્ઝરીમાં લોહગઢની તળેટીમાં પહોંચ્યાં હતાં.

ટિકિટ-કાઉન્ટર પરના CCTV કૅમેરાના ફુટેજમાં સિયા અને ચેતન સવારે ૯.૪૩થી ૯.૪૫ વાગ્યા વચ્ચે કેદ થયાં હતાં અને ચેતન હૂડી પહેરેલો જોવા મળ્યો હતો.

સિયા અને કેતને ટિકિટ ખરીદી, પરંતુ ચેતન ટિકિટ ખરીદ્યા વિના આગળ ચાલ્યો હતો.

સવારે ૧૦.૦૫ વાગ્યે સિયા અને કેતન કિલ્લા પર પહોંચ્યાં; કેતન ટ્રેકનો આનંદ માણી રહ્યો હતો, જ્યારે ચેતન થોડા ફુટના અંતરેથી તેમની પાછળ-પાછળ આવી રહ્યો હતો.

સિયા કેતનને કિલ્લા પર એક એકાંત, નિર્જન જગ્યાએ લઈ ગઈ.

સવારે ૧૦.૨૫ વાગ્યે ત્યાં પહોંચી. ચેતન નજીકમાં રાહ જોઈને બેઠો હતો.

ફોટો માટે પોઝ આપતાં બન્ને વચ્ચે ઝપાઝપી થઈ. જોકે અગાઉ નક્કી થયા મુજબ સિયાએ સંકેત આપ્યો અને ચેતને પાછળથી આવીને કેતનને ખીણમાં ધકેલી દીધો.

ગૂગલ સર્ચ હિસ્ટરી : ખૂનને ટ્રેકિંગ અકસ્માત કેવી રીતે દર્શાવવું એ ઑનલાઇન શોધ્યું

લોનાવલા ગ્રામીણ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સિયા ગોયલ અને ચેતન ચૌધરીના મોબાઇલ ફોનની તપાસ કરી ત્યારે સિયાની ગૂગલ સર્ચ હિસ્ટરી જોઈને ચોંકી ગયા હતા. તેણે ગુનાને અંજામ આપતાં પહેલાં ગૂગલ પર અંગ્રેજીમાં How to make a murder look like a trekking accident (હત્યાને ટ્રેકિંગ અકસ્માત જેવો કેવી રીતે બનાવવો) એવું સર્ચ કર્યું હતું. આ ઇન્ટરનેટ રિસર્ચના આધારે જ તેમણે કિલ્લાના કયા પૉઇન્ટ પરથી કેતનને ધકેલવો એનો ચોક્કસ પ્લાન એક કૅફેમાં બેસીને તૈયાર કર્યો હોવાની અમને શંકા છે. આ ટેક્નિકલ પુરાવાએ આરોપીઓનો ગુનાહિત ઇરાદો સાબિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.’

બહેનની શંકાથી ખૂલ્યું હતું કેતનની હત્યાનું રહસ્ય

લોહગડ કિલ્લા પર ટ્રેકિંગ દરમ્યાન ખીણમાં પડી જવાથી મૃત્યુ પામેલા કેતનની બહેને તેના અકસ્માતની થિયરી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. અંતિમ સંસ્કાર પછી મંગેતર સિયા ગોયલ શોક વ્યક્ત કરવા તેમના ઘરે આવી ત્યારે કેતનની બહેને તેને આ ઘટના વિશે અમુક પ્રશ્નો પૂછ્યા હતા. સિયાના જવાબોમાં જોવા મળેલી અસંગતતા અને તેની શંકાસ્પદ વર્તણૂકને કારણે પરિવારને મોટી શંકા ગઈ હતી અને તેમણે પોલીસનો સંપર્ક કરીને નવી તપાસની માગણી કરી હતી.

murder case pune pune news Crime News mumbai police lonavla lonavala mumbai mumbai news maharashtra news