ખોટા કોવિડ રિપોર્ટને લીધે જાના થા ગુજરાત, પહોંચે પોલીસ સ્ટેશન

14 April, 2021 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉકડાઉનના ભયથી મુંબઈથી ભાગી રહેલા લોકોની થઈ આવી હાલત : ટ્રાવેલ કંપનીએ સૅમ્પલ લીધા વગર ખોટા નેગેટિવના રિપોર્ટ બનાવતાં કફોડી હાલત

પકડાયા પછી કાશીમીરા પોલીસ-સ્ટેશનમાં લઈ જવાયેલા બસના પ્રવાસીઓ

મુંબઈમાં ગમે ત્યારે લૉકડાઉન લાગી શકે એવી શક્યતા હોવાથી કેટલાક લોકો પોતાના વતન ગુજરાત ભણી જવાનો નિર્ણય કરીને પવન ટ્રાવેલ્સની બસમાં સોમવારે રાતે વતન જવા નીકળ્યા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી હાલમાં ગુજરાતમાં આરટી-પીસીઆર ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ વગર એન્ટ્રી આપવામાં આવતી નથી. પવન ટ્રાવેલ્સે જે પ્રવાસીઓ પાસે એ રિપોર્ટ નહોતા તેમની પાસેથી ૩૦૦ રૂપિયા વધારે ચાર્જ લઈને તેમના નામના બનાવટી રિપાર્ટ કઢાવ્યા હતા. જોકે આ સંદર્ભે કાશીમીરા પોલીસને જાણ થતાં તેમણે ફાઉન્ટન હોટેલ પાસે બસ રોકી રેઇડ પાડીને કાર્યવાહી કરી હતી. કાશીમીરા પોલીસે બસના બે ડ્રાઇવર અને એક ક્લીનરની ધરપકડ કરી છે તથા બસના પ્રવાસીઓને નોટિસ આપી હાલ છોડી મુકાયા છે. એને લીધે પ્રવાસીઓને વતન જવા તો ન મળ્યું, ઊલટાની પોલીસની કાર્યવાહી થઈ અને પૈસા પણ પાણીમાં ગયા. પૅસેન્જરો સાથે તો ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવો ઘાટ થયો હતો.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧ના કાશીમીરાના પોલીસ અધિકારીને મળેલી માહિતીના આધારે એ રેઇડ પાડવામાં આવી હતી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર થાણે જંક્શન રોડ પર ફાઉન્ટન હોટેલ પાસે પાવન ટ્રાવેલ્સની બસ (જીજે-૧૪-ઝેડ-૪૫૯૦)ને રોકીને તપાસ કરાઈ હતી. આ કેસ વિશે માહિતી આપતાં કાશીમીરા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંજય હઝારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાવેલ દ્વારા પૅસેન્જરો પાસેથી ટિકિટના રૂપિયા ઉપરાંત બનાવટી સર્ટિફિકેટ માટે વધારાના ૩૦૦ રૂપિયા લેવાયા હતા. ઘણા પૅસેન્જરોને તો જાણ જ નહોતી કે આવું સર્ટિફિકેટ મસ્ટ છે. ૭ જેટલા પૅસેન્જરોએ પોતાની રીતે ટેસ્ટ કરાવી હતી, જ્યારે અન્ય પૅસેન્જરોનાં બનાવટી સર્ટિફિકેટ બનાવાયાં હતાં. કુલ ૩૨ પૅસેન્જરમાંથી ૨૦ના રિપોર્ટ બનાવટી હતા. હાલ અમે ટ્રાવેલના બન્ને ડ્રાઇવર અને એક ક્લીનરની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી) સહિત અન્ય કલમો હેઠળ અને  પ્રવાસીઓ સામે ૧૮૮મી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રવાસીઓને હાલમાં નોટિસ આપીને જવા દેવાયા છે, જ્યારે ડ્રાઇવર અને ક્લીનર સામે વધુ કાર્યવાહી ચલાવાઈ રહી છે. તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ કેસમાં પવન ટ્રાવેલ્સના માલિક હિતેશભાઈ, નીતા ટ્રાવેલ્સના મૅનેજર સંદીપ અને જીજ્ઞેશ પટેલની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.’

coronavirus covid19 mumbai mumbai news mira road bhayander kashimira bakulesh trivedi