કંગનાને મુંબઈ PoK જેવું લાગતું હોય તો અહીંથી જતા રહેવું જોઈએ: અનિલ પરબ

15 September, 2020 09:43 AM IST  |  Mumbai | Agency

કંગનાને મુંબઈ PoK જેવું લાગતું હોય તો અહીંથી જતા રહેવું જોઈએ: અનિલ પરબ

અનિલ પરબ

અભિનેત્રી કંગના રનોટને જો મુંબઈ શહેર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) જેવું લાગતું હોય અને આ શહેર તેના માટે ‘ખરાબ’ હોય તો તેણે સ્થળાંતર કરી દેવું જોઈએ એમ મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અને શિવસેનાના નેતા અનિલ પરબે ગઈ કાલે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કંગનાએ જે મુજબની ટિપ્પણી કરી હતી કે તેને સતત પરેશાન કરવામાં આવી રહી છે અને તેણે મહારાષ્ટ્રના પાટનગરની સરખામણી પીઓકે સાથે કરી હતી. કંગના તેના વતન હિમાચલ પ્રદેશ જવા રવાના થઈ તેના ગણતરીના કલાકો બાદ પરબે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.

‘જો મુંબઈ એટલું જ ખરાબ હોય તો તેણે યોગ્ય જણાય તેવા સ્થળે રહેવું જોઈએ. અમે અગાઉ પણ આ કહ્યું હતું અને અમારો આ જ અભિપ્રાય છે,’ એમ પરબે પત્રકારોને જણાવ્યું હતું.

પરિવહન પ્રધાને શિવસેનાને અભિનેત્રી સાથે અંગત દુશ્મની ન હોવાની સ્પષ્ટતા કરી હતી. ‘સાથે જ જો કોઈ મુંબઈ વિશે ગમે તેમ બોલશે તો પક્ષ તે ચૂપચાપ સાંભળી નહીં શકે,’ એમ તેમણે જણાવ્યું હતું.

અનિલ પરબે વધુમાં જણાવ્યું હતું કે ‘શિવસેના ઉપરાંત જે કોઈને મુંબઈ અને મહારાષ્ટ્ર પ્રત્યે લગાવ છે તે તમામને કંગના રનોટ પ્રત્યે નારાજગી છે. તેણે નક્કી કરવું પડશે કે તે શું કરવા ઇચ્છે છે. મહારાષ્ટ્ર નક્કી કરશે કે તેણે શું કરવું છે. કંગનાને જો મુંબઈ પીઓકે જેવું લાગતું હોય તો તેણે અહીંથી જતા રહેવું જોઈએ.’

mumbai mumbai news kangana ranaut shiv sena