09 January, 2026 08:12 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
દિલ્હીની સરહદ પર થયેલા કિસાન આંદોલન સમયે એક બુઝુર્ગ મહિલા ખેડૂત મહિન્દર કૌર પર આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ બૉલીવુડની ઍક્ટ્રેસ અને BJPની સંસદસભ્ય કંગના રનૌત પર પંજાબની ભટિંડા કોર્ટમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. કંગનાએ કહ્યું હતું કે આવી મહિલાઓ ધરણાં પર ૧૦૦-૧૦૦ રૂપિયા લઈને આવી જાય છે.
આ કેસની પાંચમી જાન્યુઆરીએ સુનાવણી હતી. એમાં કંગના રનૌત હાજર નહોતી રહી. હવે કેસની નવી તારીખ છે ૧૫ જાન્યુઆરીએ. કંગનાના વકીલે કોર્ટમાં હાજરીમાંથી છૂટ માટે અરજી દાખલ કરી હતી, પણ ભટિંડા કોર્ટ તરફથી કંગના રનૌતને મોટો ઝાટકો લાગ્યો છે. કોર્ટના આદેશ અનુસાર કંગનાએ તેના પર ચાલી રહેલા માનહાનિના કેસમાં ૧૫ જાન્યુઆરીએ કોઈ પણ સંજોગોમાં કોર્ટમાં હાજર થવું ફરજિયાત હશે. જો તે કોર્ટમાં હાજર નહીં થાય તો તેની સામે ધરપકડનું વૉરન્ટ રજૂ કરવામાં આવશે.
આ બદલાયેલા સંજોગોમાં જો કંગના રનૌત ૧૫ જાન્યુઆરીએ કોર્ટમાં હાજર નહીં થાય તો તેની વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ નીકળશે અને સાથોસાથ તેનો જામીન-આદેશ પણ રદ કરવામાં આવશે. ગઈ સુનાવણી વખતે પણ કોર્ટે કડક વલણ અપનાવીને સ્પષ્ટ કર્યું હતું કે આ વખતે તેણે કોઈ પણ રીતે હાજર થવું પડશે.
શું છે મામલો?
દિલ્હીમાં ખેડૂતો કેન્દ્ર સરકાર વિરુદ્ધ કૃષિકાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહ્યા હતા ત્યારે એમાં સામેલ થયેલાં ભટિંડાના ગામ બહાદુરગઢ જંડિયાનાં રહેવાસી મહિન્દર કૌરે કંગના રનૌત સામે કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. કંગના રનૌતે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર મહિન્દ્ર કૌરની તસવીર શૅર કરીને લખ્યું હતું કે આવી બુઝુર્ગ મહિલાઓ ધરણાંમાં ૧૦૦-૧૦૦ રૂપિયા લઈને આવે છે. મહિન્દર કૌરે આ પોસ્ટને પોતાની ગરિમા અને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડતી ગણાવીને કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કંગનાએ દાવો કર્યો હતો કે તેણે આ ટ્વીટ ભૂલથી રીટ્વીટ કર્યું હતું અને એમાં તેણે કોઈને નિશાન નહોતા બનાવ્યા.