25 November, 2026 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મરીન ડ્રાઇવ નજીક રસ્તો ક્રૉસ કરતી વખતે અકસ્માતનો ભોગ બનનારા કાંદિવલીના યુવકને ૧.૧૬ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ મોટર ઍક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ (MACT)એ આપ્યો હતો. ૨૪ વર્ષના કાંદિવલીના યુવકને ટૅક્સી દ્વારા થયેલા અકસ્માત વખતે મગજમાં ઈજા થતાં તેને જીવનભરની ખોટ ઊભી થઈ છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે અકસ્માતનો ભોગ બનનારો ગૌતમ ઝા ૧૬ વર્ષનો કૉલેજ-સ્ટુડન્ટ હતો.
MACTએ ૨૦ નવેમ્બરે હાથ ધરેલી સુનાવણી દરમ્યાન ઇન્શ્યૉરન્સ કંપનીએ કરેલી દલીલોને ફગાવી દીધી હતી. ઇન્શ્યૉરન્સ કંપનીએ દલીલ કરી હતી કે અકસ્માત થયો એમાં ગૌતમ ઝાનો પણ વાંક હતો. જોકે MACTએ બધા જ પુરાવા અને વિગતોને ધ્યાનમાં લઈને આદેશ આપતાં કહ્યું હતું કે ગૌતમ ઝા સિગ્નલ ક્રૉસ કરી રહ્યો હતો ત્યારે સિગ્નલ રેડ હતું અને તે નિયમ મુજબ ઝીબ્રા ક્રૉસિંગ પરથી ચાલી રહ્યો હતો. ટૅક્સી-ડ્રાઇવરે રેડ સિગ્નલ તોડીને ગૌતમ ઝાનો અકસ્માત કર્યો હતો. અગાઉ ટેક્સી-ડ્રાઇવરની પૂછપરછ દરમ્યાન સ્પષ્ટ થયું હતું કે તેણે સિગ્નલની દરકાર ન કરીને રસ્તે ચાલનારાઓની પરવા કર્યા વિના ટૅક્સી ચલાવી હતી.