કોરોનાનો બનાવટી રિપોર્ટ આપતો ટેક્નિશિયન પકડાયો

12 April, 2021 10:52 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

દરદીને બનાવટી રિપોર્ટ આપી ફીના રૂપિયા ચાંઉ કરી જનાર જાણીતી લૅબના ટેક્નિશિયનને ચારકોપ પોલીસે ઝડપી લીધો છે

પ્રતીકાત્મક તસવીર

દરદીનું કોરોનાનું સૅમ્પલ લેવા છતાં એ લૅબમાં ટેસ્ટિંગ માટે ન મોકલીને દરદીને બનાવટી રિપોર્ટ આપી ફીના રૂપિયા ચાંઉ કરી જનાર જાણીતી લૅબના ટેક્નિશિયનને ચારકોપ પોલીસે ઝડપી લીધો છે અને જેલ-કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

ચારકોપ પોલીસે આ કેસમાં ૨૯ વર્ષના મોહમ્મદ સલીમ મોહમ્મદ ઉમરની ધરપકડ કરી છે. છેતરપિંડીના આ કેસ વિશે માહિતી આપતાં ચારકોપ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર મનોહર શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં ચારુ અમિત ચૌહાણ નામની મહિલાને તેના રિપોર્ટ વિશે શંકા જતાં અમને ફરિયાદ કરી હતી. એના આધારે તપાસ ચલાવીને અમે આરોપી મોહમ્મદ સલીમને ઝડપી લીધો હતો. સલીમ જે વ્યક્તિ કોરોનાની ટેસ્ટ કરાવવા આવે તે શા માટે આવે છે, તેને એ સર્ટિફિકેટ ઑફિસમાં આપવું છે, બહારગામ જવું છે વગેરે ઉપરાંત તેનામાં એવાં કોઈ લક્ષણો દેખાય છે કે કેમ એનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી લેતો. તેને અંદાજ આવી જતો કે અહીં બનાવટી સર્ટિફિકેટ ચાલશે કે નહીં. તે દરદી પાસેથી ફીના (અંદાજે 1000 રૂપિયા) પૈસા પડાવી લેતો. તે દરદીનું સૅમ્પલ કલેક્ટ કરતો, પણ આગળ લૅબને ટેસ્ટિંગ માટે મોકલતો જ નહીં. આ પહેલાંના દરદીઓના જે રિપોર્ટ હોય એમાં જ તે નામ, ઉંમર, ઍડ્રેસ, ફોન-નંબર જેવી માહિતી ચેન્જ કરી નાખતો અને અન્ય દરદીના જૂના રિપોર્ટ પર નવી માહિતી મૂકીને એ રિપોર્ટ આપી દેતો. આમ તે લૅબને અને દરદીઓને છેતરતો અને તેમની ફીના પૈસા ખિસ્સામાં નાખતો હતો. અમે તેની તપાસ કરી હતી. તેણે ૩૭ જણને આ રીતે બનાવટી રિપોર્ટ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. તેણે આપેલા બનાવટી રિપોર્ટના ક્યુઆર કોડનું લૅબના ઓરિજિનલ સ્કૅનર દ્વારા સ્કૅનિંગ કરવામાં આવ્યું ત્યારે તેનો ભાંડો ફૂટી ગયો હતો. અમે છેતરપિંડીની અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી અને વધુ કાર્યવાહી કરી હતી.’

coronavirus covid19 mumbai mumbai news kandivli bakulesh trivedi