ગુજરાતીઓના આ ગ્રુપ માટે ટટ્ટુવાળાની આડોડાઈ નસીબવંતી પુરવાર થઈ

24 April, 2025 10:15 AM IST  |  Mumbai | Darshini Vashi

કાંદિવલીનાં વિધિ દોશી અને તેમના ગ્રુપને બૈસરન વૅલીમાં વધુ રોકાવું હતું, પણ ટટ્ટુવાળાએ કહ્યું કે સમય પૂરો થઈ ગયો છે એટલે પાછા જવું પડશે : આતંકવાદીઓએ જે ટેબલ પર ગોળીઓ વરસાવી ત્યાં અટૅકના અડધા કલાક પહેલાં તેમણે નાસ્તોપાણી કર્યાં હતાં

વિધિ દોશી અને તેમના પરિવારજનો અને મિત્રો.

કાંદિવલીના મહાવીરનગરમાં રહેતાં વિધિ દોશી પોતાની ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે કાશ્મીરમાં હતાં. મંગળવારે પહલગામમાં જ્યાં આતંકવાદી હુમલો થયો એની થોડી મિનિટો પહેલાં જ તેઓ ત્યાંથી બહાર આવ્યાં હતાં. આ વિશે વધુ જાણકારી આપતાં વિધિ દોશી કહે છે, ‘પહલગામની મુલાકાત યાદ કરતાંની સાથે અત્યારે પણ ધ્રુજારી છૂટી જાય છે. પહલગામની જે જગ્યાએ આતંકવાદી હુમલો થયો ત્યાં અમે ૩૦ મિનિટ પહેલાં જ હાજર હતા. કોઈને સપનામાં પણ ખ્યાલ નહોતો કે અડધો કલાક પછી અહીં લાશોના ઢેર પથરાયેલા હશે. હમણાં આતંકવાદી હુમલા સમયના જે વિડિયો ફરી રહ્યા છે એમાં એક ટેબલ પર બેસેલા લોકો જોવા મળે છે જેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. એ જ ટેબલ પર અમે ૩૦ મિનિટ પહેલાં નાસ્તોપાણી કર્યાં હતાં. વિચારો કે હમણાં અમારી મનોદશા કેવી હશે? મંગળવારે બપોરે અમે જસ્ટ ઘોડા પરથી નીચે ઊતરીને આવ્યા ત્યાં સમાચાર આવ્યા કે પહલગામમાં ગોળીબાર થયો છે, પણ અમને ત્યારે ખબર નહોતી કે આટલી ગંભીર બીના બની ગઈ હશે. અમને એમ કે કંઈક નાનું-મોટું થયું હશે. અમને તરત ઘોડા પરથી ઉતારીને કારમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને તરત હોટેલ જવા રવાના કરી દેવામાં આવ્યા હતા.’

હકીકતમાં વિધિ દોશી અને તેમની સાથેના લોકો આતંકવાદીઓના ગોળીબાર વખતે ત્યાં જ હોત જો તેમનો ટટ્ટુવાળો તેમની વાત માની ગયો હોત. બધાને બૈસરન વૅલીમાં હજી રોકાવું હતું, પણ ટટ્ટુવાળો આડો ફાટ્યો હતો. તેણે કહ્યું હતું કે બે કલાક રોકાવાની વાત થઈ હતી એ મુજબ સમય પૂરો થઈ ગયો છે અને નીચેથી મને મારા શેઠનો ફોન આવે છે એટલે આપણે પાછા ફરવું પડશે. અજાણી જગ્યાએ કોણ માથાકૂટ કરે એમ વિચારીને બધા કમને ત્યાંથી રવાના થયા ત્યારે તેમને ખબર નહોતી કે આ ઘટનાક્રમ તેમના માટે કેવો નસીબવંતો પુરવાર થયો હતો.

પહલગામની હોટેલનો ખૂબ સપોર્ટ મળ્યો

હોટેલ પર આવ્યા બાદ અમને બધી સવિસ્તર માહિતી મળી ત્યારે અમે ચોંકી ગયા હતા એમ જણાવતાં વિધિ દોશી કહે છે, ‘અમે હોટેલ પર પહોંચ્યા અને ટીવી ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે આ તો બહુ મોટું થયું છે. અમે તો બધા ખૂબ જ ગભરાઈ ગયા હતા. જ્યાં અમે થોડા સમય પહેલાં જ હતા ત્યાં આવી ઘટના જાણવા મળી એટલે અમે લોકો તો એકદમ જ સ્તબ્ધ બની ગયા હતા. જોકે હોટેલવાળાઓનો અમને ખૂબ જ સહકાર મળી રહ્યો હતો. તેમણે અમને તેમની હોટેલમાં સેફ હોવાની ખાતરી આપી હતી એટલું જ નહીં, બહાર સિચુએશન નૉર્મલ અને સેફ ન થઈ જાય ત્યાં સુધી તેમની હોટેલમાં જ રહેવા માટે કહ્યું હતું. ચેકઇન-ચેકઆઉટનું કોઈ ટેન્શન લેવાની જરૂર ન હોવાનું પણ કહ્યું હતું. જોકે બુધવારે અહીં ઘણા મિનિસ્ટર્સ આવવાના હોવાથી સિક્યૉરિટી એકદમ ટાઇટ હતી તેમ જ રસ્તા પણ ક્લિયર હતા એટલે અમને હોટેલવાળાએ આવીને કહ્યું કે જો તમારે જવું હોય તો તમે અત્યારે અહીંથી નીકળી શકો છો, પછી તમને નીકળવામાં તકલીફ થઈ શકે છે. અમે હા પાડી એટલે તેમણે ઍડ્‍મિનિસ્ટ્રેશન અને પોલીસની પરવાનગી લઈને અમને નીકળવા માટે વ્યવસ્થા કરી આપી. એટલે અમે બધા ફટાફટ અમારો સામાન પૅક કરીને શ્રીનગર આવવા માટે નીકળી ગયા હતા, જ્યાંથી બુધવારની અમારી રિટર્ન થવાની ફ્લાઇટ હતી. બુધવારે વહેલી સવારે અમે હોટેલ છોડીને નીકળી ગયા હતા. અમને હોટેલમાંથી વિશેષ સૂચના પણ આપવામાં આવી હતી કે શ્રીનગર સુધી રસ્તામાં કોઈ પણ ઠેકાણે ગાડી રોકતા નહીં, કંઈ પણ થઈ જાય તો પણ ગાડી સ્ટૉપ કરતા નહીં. બુધવારે પહલગામથી બહાર જવાના રસ્તા પણ બદલી નાખવામાં આવ્યા હતા. અમને પણ ખૂબ જ સુરક્ષા સાથે પહલગામથી બહાર લઈ જવામાં આવ્યા હતા. અમે ઍરફોર્સના રોડથી શ્રીનગર પહોંચ્યા હતા. શ્રીનગરમાં બધું નૉર્મલ છે. દરેક જગ્યાએ ચુસ્તપણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પહલગામમાં દર થોડા-થોડા મીટરે પોલીસનો બંદોબસ્ત છે અને અમે બધા સેફ છીએ.’

kandivli jammu and kashmir kashmir Pahalgam Terror Attack terror attack mumbai news mumbai news darshini vashi gujarati community news gujaratis of mumbai