કલ્યાણ, ઉલ્હાસનગર, બદલાપુરમાં જનજીવન થાળે પડી રહ્યું છે

29 July, 2019 10:46 AM IST  |  મુંબઈ | અનામિકા ઘરત

કલ્યાણ, ઉલ્હાસનગર, બદલાપુરમાં જનજીવન થાળે પડી રહ્યું છે

થાણે જિલ્લાના કલ્યાણ, બદલાપુર, અંબરનાથ અને ઉલ્હાસનગરના રહેવાસીઓ શુક્રવાર અને શનિવારે અતિવર્ષાનો આતંક ભોગવ્યા પછી હવે રાહત અનુભવી રહ્યા છે. પૂરગ્રસ્તોની સંખ્યા અંબરનાથમાં ૨૫,૦૦૦ અને કલ્યાણમાં ૧૫,૦૦૦ સહિત લગભગ ૫૦,૦૦૦ હોવાનો અંદાજ છે. ૪૮ કલાકથી વધારે વાદળછાયા આકાશના અંધારિયા વાતાવરણ પછી ગઈ કાલે એ સમગ્ર વિસ્તારના લોકોએ ઉઘાડનો અનુભવ કર્યો હતો. શુક્રવાર અને શનિવારના ગાળામાં કલ્યાણ-ઉલ્હાસનગર-બદલાપુરના પટ્ટામાં લગભગ ૧૧થી ૧૩ ઇંચ વરસાદ પડવાને કારણે ઉલ્હાસ નદી કાંઠા તોડીને વહેતી હતી.

થાણે જિલ્લામાં ક્યાંક સાથળ સમાણાં, ક્યાંક છાતી સમાણાં અને ક્યાંક પહેલા માળ સુધીના જળપ્રવાહના ભયાવહ અનુભવનો ગઈ કાલે અંત આવ્યો હતો. બે દિવસોમાં કેટલાક વિસ્તારોમાં પીવાનાં પાણીની તકલીફ હતી. કેટલાક વિસ્તારોમાં શાકભાજી અને કરિયાણાની પણ મુશ્કેલી હતી. કલ્યાણના મ્હારલ, વરપ અને કામ્બા, કલ્યાણ-બદલાપુર રોડ પર સર્વોદય નગર, બદલાપુરમાં હેન્દ્રે પાડા, માનવ પાર્ક, બી-કૅબિન રોડ, રમેશ વાડી, શનિ નગર અને સિદ્ધિ સોસાયટી વિસ્તારોમાં સ્થિતિ ગંભીર હતી.

આ પણ વાંચોઃ બોલબાલા ટ્રસ્ટઃ 28 વર્ષથી રાજકોટની સેવા કરે છે આ સંસ્થા

સમગ્ર ક્ષેત્રના મોટા ભાગના વિસ્તારોમાં ૪૮ કલાક વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. લોકોની મોંઘી વસ્તુઓ પૂરનાં પાણીમાં વહી ગઈ હતી. હેન્દ્રે પાડામાં રહેતા અક્ષત મરાઠેએ જણાવ્યું હતું કે ‘મેં ત્રણ મહિના પહેલાં ખરીદેલી કાર શુક્રવારે ધસમસતાં પાણીમાં તણાઈને અદૃશ્ય થઈ ગઈ હતી. ઇલેક્ટ્રિસીટીના અભાવે લોકોનો સંદેશવ્યવહાર કપાઈ ગયો હતો. મોબાઇલ ફોન ચાર્જ નહીં કરી શકાતાં ચિંતાતુર સગાં-સંબંધીઓના ફોન રિસિવ કરવાનું અશક્ય બન્યું હતું. કોઈની મદદ માગવા માટે પણ ફોન કરી શકાતો નહોતો.’

mumbai rains mumbai monsoon badlapur kalyan