17 August, 2025 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સ્વતંત્રતાદિને ચિકન-મટનની દુકાનો અને કતલખાનાં બંધ રાખવાના કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ના આદેશ બાદ ગઈ કાલે આ મુદ્દે કૉન્ગ્રેસ, NCP (શરદ પવાર-SP), શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો સાથે કસાઈ સમાજના લોકોએ KDMC હેડક્વૉર્ટર સામે જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. પોલીસે આ સંદર્ભે વિરોધ-પ્રદર્શન કરી રહેલા લોકોને તાબામાં લઈને તેમની સામે કાર્યવાહી કરી હતી.
ઉગ્ર વિરોધ-પ્રદર્શન થઈ શકે એવો અંદેશો આવી ગયો હોવાથી પહેલેથી જ ત્યાં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બપોરે ૧૨ વાગ્યે ભારે સંખ્યામાં કૉન્ગ્રેસ સહિત NCP, શિવસેના, MNSના કાર્યકરો અને કસાઈઓ KDMCના હેડક્વૉર્ટર પર ધસી આવ્યાં હતાં. તેમણે હાથમાં જીવતાં મરઘાં અને સુધરાઈના આ આદેશનો વિરોધ કરતાં બોર્ડ અને હાથમાં બૅનર પણ રાખ્યાં હતાં. વળી જય મલ્હારની જોરદાર નારાબાજી કરીને તેમણે વાતાવરણ ગજાવી મૂક્યું હતું. શંકર ભગવાનના એક સ્વરૂપ ખંડોબાને મહારાષ્ટ્રમાં પૂજવામાં આવે છે અને તેમને મલ્હારી ભૈરવ અથવા મલ્હારી માર્તંડ તરીકે પણ સંબોધવામાં આવે છે. તેમને માટે જય મલ્હારનો જયઘોષ કરવામાં આવે છે. આ શંકર માંસાહારી છે એવું કહેવાય છે.
હાથમાં જીવતી મરઘીઓ સાથે આંદોલનની આગેવાની લેનાર કલ્યાણ ડિસ્ટ્રિક્ટ કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ સચિન પોટેએ કહ્યું હતું કે ‘કૂકડો લોકોને રોજ સવારે બાંગ પોકારીને ઉઠાડે છે. આજે અમે KDMCને જગાડવા કૂકડો લઈને આવ્યા છીએ. KDMCનો આ આદેશ લોકોને તેમની પસંદગીનું ખાતાં રોકે છે એથી તેમના અધિકારનો ભંગ કરે છે. સુધરાઈની હદમાં એટલી બધી બીજી સમસ્યાઓ છે જેમ કે રસ્તામાં ખાડા પડી ગયા છે, ટ્રાફિક જૅમની સમસ્યા છે, હૉસ્પિટલની સ્થિતિ સારી નથી, કચરાની સમસ્યા છે, ફેરિયાઓની સમસ્યા છે એના પર કામ કરવાને બદલે બકવાસ આદેશ લાવીને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકી જાતિઓ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનો પ્રયાસ BJPની દોરવણી હેઠળ આ પ્રશાસન કરી રહ્યું છે અને અમે કૉન્ગ્રેસ વતી એનો બહિષ્કાર-ધિક્કાર કરીએ છીએ.’
સ્વતંત્રતાદિને નૉન-વેજ ન ખાવું એ નિર્દેશ નહીં, માત્ર સૂચન : જિતેન્દ્ર આવ્હાડ
સ્વતંત્રતાદિને ચિકન-મટનની દુકાનો અને કતલખાનાં બંધ રાખવાનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે ત્યારે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે ‘મારી પાસે ૧૯૮૭માં રાજ્ય સરકારે બહાર પાડેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR)ની કૉપી છે. કોઈ એ વાંચે અને અમને કહે કે એમાં ક્યાં એવું લખ્યું છે કે સ્વતંત્રતાદિને માંસનું વેચાણ ન કરવું? એ એક સૂચન હતું, નહીં કે નિર્ણય. સરકારનો આદેશ ફક્ત કતલખાનાંઓ બંધ રાખવા બાબતે હતો, અમે એ મંજૂર પણ કરીએ છીએ. પણ માંસના વેચાણ પર બંધી શા માટે? એવું લાગે છે કે ઍડ્મિનિસ્ટ્રેશન વેજિટેરિયન અને નૉન-વેજિટેરિયન વચ્ચે ભાગલા પડાવવા માગે છે. વળી GRમાં ઍનિમલ કહેવાયું છે, પણ મરઘી તો પક્ષી છે. હું એ માનવા તૈયાર નથી કે સરકારને પશુ અને પક્ષી વચ્ચેના ફરકની ખબર ન હોય.’