ભૂલ કોઈની, સજા કોઈને

04 October, 2022 10:33 AM IST  |  Mumbai | Mehul Jethva

કલ્યાણમાં વગર વાંકે પચીસ વર્ષના યુવાનને ત્રણ લોકોએ ભેગા મળી ઢોરમાર માર્યો અને ૯૦૦૦ રૂપિયા ઑનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણમાં રહેતા અને લૅબ ટેક્નિશ્યન તરીકે કામ કરતા પચીસ વર્ષના યુવાનને ત્રણ લોકોએ જબરદસ્તી કેદ કરીને ઢોર માર માર્યો હતો. આરોપીઓએ તેની પાસેથી જબરદસ્તી તેના મોબાઇલમાંથી ૯૦૦૦ રૂપિયા ઑનલાઇન પોતાના મોબાઇલમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ઘટનાની ફરિયાદ કલ્યાણના કોળસેવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાતાં પોલીસે એને ગંભીરતાથી લઈને ત્રણે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ મિસગાઇડ થઈને ફરિયાદીને માર્યો હોવાનું તપાસ અધિકારીએ કહ્યું હતું.

કલ્યાણ-ઈસ્ટમાં મલંગગડ રોડ પર રહેતા પચીસ વર્ષના કુલદીપ મહેતાએ કરેલી ફરિયાદ અનુસાર ૨૮ સપ્ટેમ્બરે સવારે તે સાકેત કૉલેજ પાસેથી ઘરે આવી રહ્યો હતો ત્યારે ત્રણ જણે તેને પકડીને તેની મારઝૂડ કરી હતી. આ લોકોનું કહેવું હતું કે તેનો કોઈ પાંડે નામની મહિલા સાથે પ્રેમસંબંધ છે. જોકે આવું કંઈ ન હોવાથી કુલદીપે તેમને કહ્યું કે હું કોઈ યુવતીને ઓળખતો નથી. આથી તેઓ વધુ રોષે ભરાયા હતા અને સ્કૂટી પર બેસાડી ગૅસ કંપનીની બાજુમાં આવેલી ઝાડીમાં લઈ જઈને તેની મારઝૂડ કરી હતી. એ પછી ત્રણેએ પાંડે નામની યુવતીની વધુ માહિતી માગી હતી. ત્યારે કુલદીપે કોઈ સંબંધ ન હોવાની માહિતી ત્રણેને આપી હતી. એ પછી ત્રણે આરોપીઓએ તેને બાઇક પર બેસાડી શહાડ નજીક આવેલી એક લૉજમાં લઈ જઈ ત્યાં લાકડી અને લોખંડના સળિયાથી તેની મારઝૂડ કરી હતી. એ પછી પણ કુલદીપે કોઈ માહિતી પાંડે નામની મહિલાની ન આપતાં આરોપીઓને મિસગાઇડ થયા હોવાનું સમજાતાં અંતે તેમણે કુલદીપ પાસે પૈસાની માગણી કરી હતી. જોકે એ સમયે તેની પાસે કોઈ પૈસા ન હોવાથી આરોપીઓએ કુલદીપના ફોનપે અકાઉન્ટમાંથી ૯૦૦૦ રૂપિયા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા.

કોળસેવાડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ ત્યાંથી તેની મારઝૂડ કરીને નીકળી ગયા હતા. બીજા દિવસે ફરિયાદીને હોંશ આવતાં તેણે રોડ પર આવી બીજી વ્યક્તિના મોબાઇલથી પોતાના મિત્રને ફોન કરીને મદદ માટે બોલાવ્યો હતો. એ પછી તેણે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. અમે ઘટનાની તપાસ કરીને અંકિત સંતોષ યાદ, દિનેશ પોપટ લંકે અને હસન ખાન નામના આરોપીઓની ધરપકડ કરી હતી.’

કોળસેવાડી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી દત્તા ગોડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓએ મિસગાઇડ થઈને ફરિયાદીને માર માર્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે. જોકે ફરિયાદી હજી પણ હૉસ્પિટલમાં હોવાથી અમે તેનું સ્ટેટમેન્ટ લઈ શક્યા નથી.’ 

mumbai mumbai news kalyan Crime News mumbai crime news mehul jethva