ગુજરાતીઓ બન્યા મદદગાર

27 September, 2022 10:31 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

જુહુ નાળાની દુર્ઘટનાના અસરગ્રસ્તોને અચાનક આવી પડેલી આપત્તિમાં ખાવા-પીવા અને રહેવાની સુવિધા પૂરી પાડી

જુહુ નાળાની દુર્ઘટનાથી અસરગ્રસ્ત મહિલાઓને ઉપાશ્રયમાં આશરો આપીને તેમના ખાવા-પીવાની અને રહેવાની વ્યવસ્થા કરાઈ હતી

વિલે પાર્લે-વેસ્ટમાં આવેલા રસરાજ નાળાની દીવાલમાં ઍન્ગલ લગાડી એના પર અતિક્રમણ કરીને ઊભાં કરી દેવાયેલાં સાત જેટલાં ઝૂંપડાં રવિવારે તૂટી પડ્યાં હતાં. એટલું જ નહીં, બીજાં ૨૫થી ૩૦ જેટલાં ઝૂંપડાં પણ જોખમી જણાતાં બીએમસી દ્વારા એ ખાલી કરાવાયાં હતાં. માથા પરનું છાપરું છીનવાઈ જતાં આ ગરીબ પરિવારોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી અને ઉપર આકાશ, નીચે ધરતી જેવી પરિસ્થિતિમાં તેઓ આવી ગયા હતા. જોકે આવી દુ:ખભરી પળમાં વિલે પાર્લેના ગુજરાતીઓ તેમની મદદ કરવા આગળ આવ્યા છે. એ લોકોને હાલ નજીકના જ શ્રી વિલેપારલા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘના ઉપાશ્રયમાં અને સંન્યાસ આશ્રમમાં આશરો આપવામાં આવ્યો છે અને તેમને ખાવા-પીવાની અને રહેવાની સુવિધા પૂરી પડાઈ છે. 

આ વિશે વધુ માહિતી આપતાં રસરાજની બાજુમાં જ આવેલા ખંડુભાઈ દેસાઈ રોડની સોસાયટીના મિત્રોના ગ્રુપના અર્નિક શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ રસરાજ નાળું મીઠીબાઈની પાછળથી લઈને ઇર્લા સુધી લંબાયેલું છે. એની પૅરૅલલ જ અમારો ખંડુભાઈ દેસાઈ રોડ (લેન) જાય છે. જેવી ખબર પડી કે નાળા પાસે રહેતા લોકોને જોખમ છે એટલે અમે ત્યાં પહોંચી ગયા હતા. અનેક લોકોને સાવચેતી માટે ઘર ખાલી કરવા કહેવાયું હતું એટલે એ લોકો તેમના થોડાઘણા સામાન સાથે બહાર નીકળી આવ્યા હતા. જોકે એ પછી કેટલાંક ઘર તૂટી પડ્યાં હતાં અને લોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી. અહીંનાં નગરસેવિકા સુનીતા મહેતા અને તેમના હસબન્ડ રાજેશ મહેતા પણ સવારથી જ ઘટનાસ્થળ પર હાજર હતાં. તરત જ એ લોકો માટે ચા, કૉફી, વડાપાંઉ, સમોસાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના માટે અમારી જ લેનમાં આવેલા શ્રી વિલેપારલા વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘના ઉપાશ્રયમાં મહિલાઓ માટે અને સંન્યાસ આશ્રમમાં પુરુષો માટે વ્યવસ્થા કરાઈ હતી. એ ઉપાશ્રય એકદમ ચોખ્ખો છે. અહીં લાઇટ, પંખા અને ટૉઇલેટની વ્યવસ્થા છે. તેમના માટે કાર્પેટની વ્યવસ્થા પણ કરાઈ હતી. અમારા વૉલન્ટિયર્સ તથા અમારા ગ્રુપના સભ્યો તરત જ કામ વહેંચીને તેમને મદદ કરવા માંડ્યા હતા. તેમણે પણ ઉદારતા બતાવીને તરત જ મદદના દરવાજા ખોલી નાખ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોરનો આખો હૉલ મહિલાઓ માટે ખોલી નખાયો હતો અને તેમને બની શકે એટલી સુવિધા આપવાના પ્રયાસ કરાયા હતા, જ્યારે પુરુષો માટે સંન્યાસ આશ્રમમાં ગોઠવણ કરાઈ હતી.’ 

mumbai mumbai news juhu bakulesh trivedi