જોગેશ્વરીથી કાંદિવલીના પ્રવાસીઓની વાત ક્યારે સાંભળશે રેલવે-અધિકારીઓ

31 December, 2018 09:36 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

જોગેશ્વરીથી કાંદિવલીના પ્રવાસીઓની વાત ક્યારે સાંભળશે રેલવે-અધિકારીઓ

અમારી ફરિયાદ સાંભળો : અમિત સોઢા.

વેસ્ટર્ન રેલવે દ્વારા પહેલી નવેમ્બરથી ટ્રેનોના ટાઇમટેબલમાં કરવામાં આવેલા ફેરફારને કારણે કાંદિવલીથી જોગેશ્વરી સુધી રહેતા પ્રવાસીઓને ખાસ્સી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી તેમણે પોતાની નારાજગી અને સમસ્યાઓ વેસ્ટર્ન રેલવેને લખીને મોકલી છે અને ફરી આ પ્રવાસીઓને યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગણી કરી છે. પ્રવાસીઓના વિરોધને પગલે રદ કરેલી ભાઈંદરથી છૂટતી લેડીઝ સ્પેશ્યલને ફરી પચીસ ડિસેમ્બરથી ચાલુ કરી દેવામાં આવી છે. આવી જ રીતે કાંદિવલીથી જોગેશ્વરીના પૅસેન્જરોની સમસ્યા પર ધ્યાન આપીને યોગ્ય પગલાં લેવાની માગણી કરતું આવેદનપત્ર 310 રેલવે-પ્રવાસીઓની સાઇન સાથે રેલવે-અધિકારીને આપવામાં આવ્યું છે. એથી આ વિશે રેલવે-પ્રશાસન ચર્ચા કરશે અને 15 દિવસમાં પ્રવાસીઓને જાણ કરવાનું આશ્વાસન આપ્યું છે.

આ વિશે માહિતી આપતાં કાંદિવલીમાં રહેતાં રેલવે-પ્રવાસી અમી ત્રિવેદીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રેલવે-પ્રશાસન દ્વારા આ વખતે ટ્રેનના ટાઇમમાં ફેરફાર કર્યો છે એ સર્વે લીધા વગર કર્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે ટ્રેનોનો સમય બદલાયો છે એમાં મોટા ભાગની ટ્રેનોના રેગ્યુલર પ્રવાસીઓ હેરાન થઈ રહેલા જોવા મળે છે. એમાં ખાસ કરીને કાંદિવલીથી ગોરેગામના સ્લો ટ્રેનોના પ્રવાસીઓ વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે. બોરીવલીથી ચર્ચગેટ સવારે પીક અવર્સમાં જતી ટ્રેનોને મોટા ભાગે એકદમ સ્લો કરી દેવામાં આવી છે એથી જે ટ્રેન અંધેરીથી ફાસ્ટ થતી હતી હવે એ ચર્ચગેટ સુધી સ્લો જતી હોવાથી સવારે મુંબઈ તરફ જતા પ્રવાસીઓને પીક અવર્સમાં વધુ પડતો સમય પ્રવાસમાં વેડફવો પડતો હોય છે. બોરીવલીથી ફાસ્ટ ટ્રેન પકડવા માટે અડધો કલાકનો ગૅપ થઈ ગયો છે, જ્યારે આ સમયે વિરારથી આવતી ચર્ચગેટ ટ્રેનમાં ચડવું તો શક્ય જ નથી હોતું. એવી જ હાલત સાંજે ચર્ચગેટથી આવતી વખતે પીક અવર્સમાં પણ થઈ રહી છે. સાંજે ચર્ચગેટથી બોરીવલી આવતી અનેક ટ્રેનોને નાલાસોપારા અથવા ભાઈંદર સુધી લંબાવવામાં આવી છે તેમ જ જે બોરીવલી ટ્રેન છે એને ફાસ્ટ કરી દેવામાં આવી છે એથી અંધેરી બાદ ટ્રેન સીધી બોરીવલી ઊભી રહે છે. પીક અવર્સની ઘણી ટ્રેનોમાં આ ફેરફારને કારણે ગોરેગામથી કાંદિવલીના પ્રવાસીઓને મુશ્કેલી થઈ ગઈ છે. બોરીવલીથી ફરી પાછું કાંદિવલી કે ગોરેગામ જવું એ એનર્જી વેસ્ટ કરવાની સાથે સમયનો પણ વેડફાડ કરાવે છે. એથી રેલવે-પ્રશાસને સર્વે કરીને બદલાવ કરવો જોઈએ જેથી રેલવે-સર્વિસનો ઉપયોગ કરતા હજારો પ્રવાસીઓને દરરોજ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.’

મરીન લાઇન્સ જતા અને કાંદિવલીમાં રહેતા રેલવે-પ્રવાસી અમિત સોઢાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘણી ટ્રેનોના સમયમાં બદલાવ થતાં મહિલાઓ અને ખાસ કરીને સિનિયર સિટિઝન પ્રવાસીઓ ખૂબ હેરાન થઈ રહ્યાં છે.

આ પણ વાંચો : ઇન્ટરસિટી ટ્રેનમાં પાસહોલ્ડરોની દાદાગીરી

ટ્રેનમાં ભીડ પણ વધી ગઈ છે અને પ્રવાસીઓને ચડવા પણ મળતું નથી. રેલવે-પ્રશાસને વિરાર અને ભાઈંદરના પ્રવાસીઓને વધુ ટ્રેનોની સુવિધા આપી છે એમ સ્લો સ્ટેશનના પ્રવાસીઓ વિશે પણ ધ્યાન આપવું જોઈએ. મારા પિતા ઉંમરલાયક છે અને તેઓ મુંબઈ માર્કેટમાં કામસર જતા હોય છે તો તેમના જેવા અનેક સિનિયર સિટિઝનો કાંદિવલી કે મલાડથી ચડીને બોરીવલી જતા હોય છે અને ત્યાંથી રિટર્ન બોરીવલીથી ચર્ચગેટ આવતા હોય છે જેથી બેસીને પ્રવાસ કરી શકે, પરંતુ ટ્રેનના સમયના બદલાવને કારણે આવી રીતે પ્રવાસ કરીને જવાતું નથી. સવારના પીક અવર્સમાં સ્લો સ્ટેશનથી જતી અમુક ટ્રેનો બોરીવલીથી ચર્ચગેટ થઈ જતી હોય છે, પરંતુ આ ટ્રેનોનાં પ્લૅટફૉર્મ પણ બદલી નાખ્યાં હોવાથી સિનિયર સિટિઝન પ્રવાસીઓએ બ્રિજ ચડીને ટ્રેન પકડવી પડે છે. આવી સમસ્યાઓ રેલવે-પ્રવાસીઓને ખૂબ હેરાન કરી રહી હોવાથી અમે રેલવે-પ્રશાસનને આ બદલાવ વિશે ધ્યાન આપીને યોગ્ય પગલાં લેવા નિવેદન આપ્યું છે. આ નિવેદન સાથે કાંદિવલીથી લઈને ગોરેગામ સુધીના 310 રેલવે-પ્રવાસીઓની સાઇન પણ અમે સાથે આપી છે. એથી રેલવે-પ્રશાસન હવે શું પગલાં લે છે એની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. અમારી માગણી પર ધ્યાન નહીં અપાય તો અમે પ્રવાસીઓ એક થઈને વિરોધ પણ કરવા તૈયારી કરી રહ્યા છીએ.’

mumbai news kandivli jogeshwari indian railways western railway