મુંબઈ: હેવાનિયતની વટાવી હદ: 9 વર્ષની બાળકી પર બળાત્કાર કરી તેની હત્યા

07 April, 2019 08:35 AM IST  |  મુંબઈ | જયેશ શાહ/અનુરાગ કાંબળે

મુંબઈ: હેવાનિયતની વટાવી હદ: 9 વર્ષની બાળકી પર બળાત્કાર કરી તેની હત્યા

જુહુ પોલીસ-સ્ટેશન પાસે ઉશ્કેરાયેલા ટોળાને સમજાવી રહેલી પોલીસ. તસવીર : સ્નેહા ખરાબે

શહેરમાં એક આઘાતજનક ઘટનામાં વિલે પાર્લેમાં રહેતી ૯ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને તેની હત્યા કરવાના આરોપસર એક ૩૬ વર્ષના આરોપીની જુહુ પોલીસે ધરપકડ કરી છે. આ બાળકી છેલ્લા બે દિવસથી મિસિંગ હતી અને ૧૦૦થી વધુ પોલીસ તેને શોધી રહી હતી. પોલીસ-અધિકારીઓને આ કેસમાં CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ કરતી વખતે જોવા મળ્યું કે છોકરીને એક માણસ લઈ જઈ રહ્યો હતો. જ્યારે પોલીસે આ વ્યક્તિની અટક કરી ત્યારે તેણે જાહેર કર્યું કે તેણે છોકરીનું અપહરણ કરીને તેની સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી અને છોકરીના મૃતદેહને નજીકના ટૉઇલેટની ગટરની ટાંકીમાં ફેંકી દીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને ગઈ કાલે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.

બાળકીની હત્યા થઈ હોવાની વાત સ્થાનિક રહેવાસીઓમાં ફેલાતાં ૧૦૦૦થી વધુ ઉશ્કેરાયેલા માણસોના ટોળાએ જુહુ પોલીસ-સ્ટેશનમાં પ્લૅકાર્ડ સાથે ઉગ્ર દેખાવ કરીને આરોપીને ફાંસીની સજા મળે એવા સૂત્રોચાર કર્યા હતા. વેસ્ટર્ન રીજનના ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ ડૉ. મનોજકુમાર શર્માએ જુહુ પોલીસ સ્ટેશનમાં એકઠા થયેલા લોકોને પોલીસ જીપના માઇક દ્વારા સંબોધન કરીને લોકોને શાંત રહેવા અપીલ કરી હતી અને આરોપીને દાખલારૂપ સજા મળે એવા તમામ પ્રયાસ કરવાની ખાતરી આપતાં લોકો શાંત થયા હતા.

શું છે મામલો?

વિલે પાર્લે (વેસ્ટ)ના નેહરુનગરમાં નવ વર્ષની પીડિતા રહેતી હતી. ગુરુવારે સાંજે ૬.૧૫ વાગ્યે જ્યારે છોકરી સ્કૂલમાંથી ઘરે પરત ફરી હતી ત્યારે છોકરીએ તેની મમ્મી પાસે ચા માગી. મમ્મીએ નજીકની હોટેલમાંથી ચા ખરીદી લાવવા કહ્યું અને ત્યાર બાદ તે એક કલાક બાદ પણ ઘરે પરત ફરી નહોતી. ચિંતિત માતાએ તેની શોધ કરવાનું શરૂ કર્યું અને ઘટના વિશે પતિ અને આડોશપાડોશમાં જાણ કરી. ચાર કલાક શોધ્યા બાદ છોકરી ન મળતાં આસપાસમાં રહેતા સમગ્ર ચાલના પાડશીઓએ છોકરીની શોધ શરૂ કરી અને આ વિશે જુહુ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૬૩ હેઠળ અપહરણની ફરિયાદ નોંધી અને છોકરીની શોધ શરૂ કરી હતી.

શું કહ્યું પોલીસે?

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ‘૪ એપ્રિલની સાંજથી પાંચ ઍપ્રિલની સાંજ સુધી પોલીસની અનેક ટીમે છોકરીની શોધખોળ શરૂ કરી હતી અને આસપાસના વિસ્તારના તમામ CCTV કૅમેરાનાં ફુટેજ ભેગાં કર્યાં હતાં અને આ ફુટેજમાં જોયું કે છોકરી હોટેલની નજીક જોવા મળી હતી અને તેને એક માણસ લઈ ગયો હતો. પોલીસે આ માણસ વિશે જાણકારી મેળવી હતી અને છોકરી જ્યાંથી ગુમ થઈ હતી ત્યાં નજીકમાં જ રહેતા અને ફુટેજમાં જોવા મળેલા એક માણસની પોલીસે અટક કરી હતી.’

પોલીસની લાંબા સમયની પૂછપરછ દરમ્યાન ૩૬ વર્ષના વેડીવેલ દેવેન્દ્ર ઉર્ફે ગુંડપ્પાએ કબૂલાત કરી હતી કે તેણે છોકરીનું અપહરણ કરી ગઈ કાલે સવારે નેહરુનગરના શૌચાલયની ગટરમાં ફેંકી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને છોકરીની ડેડ બૉડી રિકવર કરી હતી. તરત જ ગુમ થયેલી છોકરીની હત્યાના સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં સ્થાનિક નિવાસીઓ એકઠા થયા હતા અને જુહુ પોલીસ-સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ-સ્ટેશનમાં એકઠા થયેલા લોકોમાંથી મુથ્થુકુમાર દેવેન્દ્રએ જણાવ્યું હતું કે ‘ઉશ્કારાયેલા ૧૦૦૦થી વધુ લોકો જુહુ પોલીસ-સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીને ટોળાને સોંપી દેવાની માગણી કરી રહ્યા હતા. એક કલાકથી વધુ સમય સુધી વિરોધ કરી રહેલા સ્થાનિક નાગરિકોની સંખ્યા વધુ હોવાથી પોલીસે અગમચેતીના પગલારૂપે કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં એ માટે પોલીસ ફોર્સ વધારી દીધી હતી.’

પોલીસ-અધિકારીએ ટોળાને ખાતરી આપી

વેસ્ટર્ન રીજનના ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ મનોજકુમાર શર્માએ જુહુ પોલીસ-સ્ટેશનમાં એકઠા થયેલા લોકોને પોલીસ જીપના માઇક દ્વારા સંબોધન કરીને લોકોને શાંત રહેવા અપીલ કરી હતી. છંછેડાયેલા ટોળાની એક જ માગ હતી કે આરોપીને ફાંસીની સજા મળવી જોઈએ અથવા આરોપીને અમારા હવાલે કરી આપો. શર્માએ સ્થાનિક લોકોને ખાતરી આપી હતી કે પોલીસે ગુનેગારને ઝડપી લીધો છે અને તેની સામે સખતમાં સખત સજા મળે એ પ્રકારનો કેસ દાખલ કરાશે. એથી આરોપી કરેલા ગુનામાંથી છટકી શકશે નહીં. આરોપીની સામે ઇન્ડિયન પીનલ કોડની ૩૦૨ (હત્યા), ૩૭૬ (બળાત્કાર), ૨૦૧ (પુરાવાનો નાશ કરવો) અને બાળકોના જાતીય ગુનાઓના નિવારણ સંબધિત ઍક્ટ (POSCO) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

લેબરનું કામ કરતાં મમ્મી-પપ્પા સાથે ભોગ બનેલી છેાકરી અને તેનો યુવાન ભાઈ રહેતાં હતાં. તે મ્યુનિસિપલ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.

આ પણ વાંચો : મુંબઈ: અસલામત બ્રિજ રાતોરાત સલામત

આઠ વર્ષ પહેલાં પણ આચર્યો હતો આવો જ ગુનો

આ પહેલાં પણ વેડીવેલ એક હત્યા તેમ જ અન્ય એક બાળા પર બળાત્કારના કેસમાં સંડોવાયેલો હતો. લગભગ આઠ વર્ષ પહેલાં વેડીવેલે છ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કર્યું હતું અને બાળકી ઘરે રડતી ગઈ ત્યારે તેણે ઘટનાની વાત કરી હતી. એના પરિણામે પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં વેડીવેલને સાત વર્ષની જેલની સજા થઈ હતી અને તે ૨૦૧૭માં બહાર આવ્યા પછી તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં તે સામેલ હતો.

vile parle sexual crime Crime News mumbai crime news juhu mumbai police