મુંબઈ: અસલામત બ્રિજ રાતોરાત સલામત

જયેશ શાહ | મુંબઈ | Apr 06, 2019, 12:26 IST

મલાડવાસીઓના જનાક્રોશથી BMC-રેલવે ફફડ્યાં : પહેલાં બ્રિજ ભયજનક હોવાનો અહેવાલ અને બીજા દિવસે અચાનક અમુક ભાગ સલામત થઈ ગયો

મલાડ બ્રિજ
મલાડ બ્રિજ

મલાડ ઈસ્ટ-વેસ્ટને જોડતો રેલવે પરના ફુટઓવર બ્રિજ(FOB)ને ૪ એપ્રિલે બપોરે ત્રણ વાગ્યે બંધ કર્યો અને ગઈ કાલે સાંજે ૬ વાગ્યે શરૂ કરી દેવાયો. આ FOBને કોઈ પણ જાતની આગોતરી જાણ કર્યા વિના જાહેર જનતા માટે એકાએક બંધ કરી દેવાતાં સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઊઠતાં બ્રિજના વેસ્ટ તરફ મલાડ પોલીસ અને ઈસ્ટ બાજુ દિંડોશી પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જોકે ગઈ કાલે ‘મિડ-ડે’એ આ બાબતનો અહેવાલ પ્રકાશિત કર્યા બાદ તંત્રની આંખ ખૂલી હતી અને ગઈ કાલ બપોર સુધીમાં આ બ્રિજ જર્જરિત અવસ્થામાં હોઈ બંધ કરી દેવામાં આવ્યો હોવાની સૂચના આપતાં લગભગ ૧૦ કરતાં વધુ બૅનરો ઈસ્ટ-વેસ્ટ તરફ સુધરાઈનો સ્ટાફ લગાડી રહ્યો હતો. પરંતુ ૬૦થી ૭૦ હજાર લોકો જે પુલનો ઉપયોગ કરે છે એ બંધ કરવાના નિર્ણય સામે પબ્લિકની નારાજગી જોતાં સ્થાનિક વિધાનસભ્યની દરમિયાનગીરીના કારણે BMC અને રેલવેએ FOBને થોડા સમય બાદ અંશત: ખોલી નાખવો પડ્યો હતો. જોકે ઈસ્ટ તરફ દાદરનો સ્લૅબ જર્જરિત અવસ્થામાં છે અને એની નીચેના ભાગે જાહેર શૌચાલયના કર્મચારીઓ એક રૂમમાં રહે છે. જ્યારે વેસ્ટ તરફનો બ્રિજનો સ્લૅબ પણ અત્યંત જર્જરીત અવસ્થામાં હોવાની જાણ તંત્રને હોવા છંતા હજુ સુધી આ મામલે અગાઉથી જ રિપેરિંગની કામગીરી હાથ ધરી નહોતી. અને જાણે મોટી દુર્ઘટનાની રાહ જોવાતી હોય તે રીતે ભરનિદ્રામાં હતા.

malad

ગઈ કાલે મલાડ (વેસ્ટ)માં બ્રિજ બંધ કરવાની નોટિસ લગાડતા BMCના કર્મચારીઓ.

શું છે મામલો?

મલાડ ઈસ્ટ-વેસ્ટને જોડતો રેલવે ટ્રૅક પરનો FOB રેલવેએ આશરે બે વર્ષ પહેલા નવો બનાવ્યો હતો. પરંતુ એને લગતા ફુટઓવર બ્રિજનો FOB અને પગથિયાં BMCની હદમાં હતાં અને તેથી એની જાળવણીની જવાબદારી એમની હતી. ત્યારે આ બ્રિજના ઇસ્ટ તરફના દાદરાના ભાગની ઉપરછલ્લી મરામત કરી અને ફક્ત નવી ટાઇલ્સ લગાડીને પબ્લિક માટે શરૂ કરી દીધો હતો અને બ્રિજના સ્લૅબનું સ્ટ્રક્ચર જર્જરિત અવસ્થામાં હતું તેમનું તેમ રહેવા દીધું હતું. તેમ જ વેસ્ટ તરફનો બ્રિજનો ભાગ જર્જરિત રહેવા દીધો હતો જેને પરિણામે આ બ્રિજ પરથી આવન-જાવન કરવાનું જાહેર જનતા માટે અસલામત થઈ ગયું હતું. જોકે તાજેતરમાં હિમાલય બ્રિજની દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ આ બ્રિજનું ચેકિંગ હાથ ધર્યું ત્યારે આ હકીકત સામે આવી હતી.

શું લખ્યું છે લેટરમાં?

BMCએ ૪ એપ્રિલે લખેલા લેટરમાં રાણી સતી માર્ગ પરના ઈસ્ટ-વેસ્ટને જોડતો FOB અસલામત હોવાનું ઑડિટરના અહેવાલના અનુસંધાનમાં જણાવી આ બ્રિજ જાહેર જનતા માટે તરત જ બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને આ આદેશ BMCની P-નૉર્થ વૉર્ડ કચેરીને અમલ કરવા મોકલી આપ્યો હતો. ગુરુવારે બપોરે આ આદેશનું અમલ કરવા P-નૉર્થ વૉર્ડ કચેરીના એન્જિનિયર સહિતનો સ્ટાફે અમલ કરીને FOBને બન્ને તરફ પતરાં મારીને સીલ કરી દીધો હતો.

પાંચમી એપ્રિલ, શુક્રવારના લેટરમાં એવું લખ્યું છે કે નવેસરથી ઇન્સ્પેકશન કરાતાં એવું ધ્યાનમાં આવ્યું છે કે ઉત્તર તરફના દાદરાનો કેટલોક ભાગ જર્જરિત અવસ્થામાં છે. અલબત ૪ એપ્રિલના મળેલા વેસ્ટર્ન રેલવે ડિવિઝનના સિનિયર એન્જિનિયરના પત્ર મુજબ પશ્ચિમ તરફના દાદરા જ્યાં સુધી સલામત ન ગણાય ત્યાં સુધી બંધ કરવામાં આવે. આ બાબતને ધ્યાનમાં રાખી ગઈ કાલના સુધરાઈના પત્રમાં FOBના બન્ને તરફના દાદરાનો અંશત: ભાગ લોકોના ઉપયોગ માટે ખુલ્લો કરવાનો નિર્ણય કરાયો હતો. આ મુજબ સુધરાઈની વરલી ઑફિસના અસિસ્ટન્ટ એન્જિનિયર શેખ સહિતનાએ ગઈ કાલે સાંજે આ બ્રિજના ઈસ્ટ તરફની એક સાઇડ જાહેર જનતા માટે ખુલ્લી કરી નાખી હતી.

સ્થાનિક લોકોએ શું કહ્યું?

મલાડ-ઈસ્ટમાં શૉપ ધરાવતા નીલેશ મારુએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે આ બ્રિજને આંશિક રૂપથી ખોલાવવા સ્થાનિક વિધાનસભ્ય અતુલ ભાતખળકરને વિનંતી કરી હતી. સ્થાનિક તમામ લોકોએ બે દિવસ પ્રશાસન સાથે સંધર્ષ કર્યો હતો. એના કારણે ગઈ કાલે સાંજે બ્રિજના દાદરની એક સાઇડ જાહેર જનતા માટે ખોલી નાખવામાં આવી હતી. અમે તમામ સ્થાનિક લોકો વિશેષ આભારી છીએ ગુજરાતી ‘મિડ-ડે’ના કે જેણે આ વિશે અહેવાલ પ્રગટ કરીને પ્રજાની સમસ્યા ઉકેલ કરવામાં મદદ કરી છે.’

BMCના અધિકારીઓએ શું કહ્યું?

BMCની વરલીસ્થિત કચેરીના ચીફ એન્જિનિયર સંજય દરાડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે મલાડના રાણી સતી માર્ગને સ્ટેશન સાથે અને ઈસ્ટ-વેસ્ટને જોડતા FOBનું રેલવે અને BMCના એન્જિનિયરોએ જૉઇન્ટ ઇન્સ્પેક્શન ગઈ કાલે કર્યું હતું અને આ તપાસના તારણમાં આ FOBનો અંશત: ભાગ હજારો લોકોની સમસ્યા ઉકેલવા બન્ને તરફથી ગઈ કાલે શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ વિશે મેં અસિસ્ટન્ટ એન્જિનિયરને સૂચના આપી છે.’

સ્થાનિક વિધાનસભ્યએ શું કહ્યું?

સ્થાનિક વિધાનસભ્ય અતુલ ભાતખળકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં સ્થાનિક લોકોની રજૂઆતની નોંધ લઈને રેલવે અને BMCના અધિકારીઓને ઘટતું કરવા સૂચના આપી હતી. જે ભાગ જર્જરિત અવસ્થામાં છે એને તરત રિપેરિંગ હાથ ધરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી છે. આ વિશે મેં રાજ્યના મુખ્ય પ્રધાનને ઝડપથી પગલાં લેવા માટે વિનંતી કરી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK