ગર્વ કરો આ જૈન શ્રાવક પર, બોરીવલીના પરેશભાઈ ધ્રુવના ૧૮૦ દિવસ ઉપવાસ

19 January, 2020 07:46 AM IST  |  Mumbai Desk

ગર્વ કરો આ જૈન શ્રાવક પર, બોરીવલીના પરેશભાઈ ધ્રુવના ૧૮૦ દિવસ ઉપવાસ

બોરીવલી-વેસ્ટમાં રહેતા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન પરેશભાઈ ધ્રુવ છેલ્લા ૬ મહિનાથી સતત માસક્ષમણ કરીને આકરી તપશ્ચર્યા કરી રહ્યા છે. હાલમાં તેઓ સાતમા માસક્ષમણના ચોથા ઉપવાસ પર છે. વળી તેઓ માસક્ષમણના પારણે આયંબિલ કરીને ફરી માસક્ષમણ કરે છે જે બહુ મુશ્કેલ તપ છે અને બહુ ઓછી વ્યક્તિ આવું કઠણ તપ કરી શકે છે.

જૈન ધર્મ અનુસાર માસક્ષમણ એટલે સળંગ ૩૦ દિવસના ઉપવાસ. સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીમાં માત્ર ગરમ કરેલું પાણી જ પી શકાય. સૂર્યાસ્ત પછી બીજા દિવસના સૂર્યોદય સુધી પાણી પણ વર્જ્ય હોય છે. પરેશભાઈ છેલ્લા ૬ મહિનાથી માસક્ષમણના પારણે માસક્ષમણ કરે છે. તેઓ ૩૦ દિવસના ઉપવાસ બાદના દિવસે આયંબિલ કરીને પારણા કરે છે, જેમાં બપોરના સમયે માત્ર બાફેલા ભાત જેમાં કોઈ પણ જાતનાં ઘી-તેલ કે મસાલા ન હોય એ વાપરીને ફરી પાછા બીજા માસક્ષમણ શરૂ કરી દે છે. સામાન્ય રીતે જૈનોમાં તપનો મહિમા હોવાથી બાળકોને પણ અઠ્ઠાઈ કરાવાતી હોય છે અને બાળકો કરે પણ છે. જેઓ વર્ષો સુધી તપ કરે છે તેમને માટે પણ આ રીતે સળંગ ૬ મહિના સુધી માસક્ષમણના પારણે માસક્ષમણ કરવું એ અઘરી અને કઠિન સાધના હોય છે. બહુ રેરલી આ તપ થાય છે.
હાલમાં સંસારી અને ગૃહસ્થ જીવનમાં રહીને પણ સંયમ સાથે તપ કરતા પરેશભાઈ શૅરબજારનું કામ કરતા હતા. ૩૬ વર્ષની ઉંમરે જ ધર્મમાં આસ્થા રાખીને તેઓ શૅરબજારમાંથી રિટાયર થઈ ગયા હતા. તેમનાં પત્ની કુંદનબહેન એચડીએફસીમાં જૉબ કરતાં હતાં અને ગયા ફેબ્રુઆરીમાં રિટાયર થયાં છે, જ્યારે દીકરી પ્રિયંકા ગ્રાફિક ડિઝાઇનિંગ ઍન્ડ ઍનિમેશન કરી ફોટોગ્રાફીમાં મહારત મેળવીને હાલમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર છે.

પરેશભાઈને જ્યારે તેમના આ તપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હું મારા ગુરુદેવ યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબની દોરવણીમાં આ કઠિન સાધના કરી રહ્યો છું. આત્માની ઉન્નતિ અને આત્મકલ્યાણનું લક્ષ્ય તો છે જ, પણ આગળ જતા સંસારી જીવન છોડીને દીક્ષા લેવાની પણ ભાવના તેઓ ધરાવે છે. ગુરુવર્ય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજસાહેબ હાલમાં ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા અલભ્ય પ્રાચીન જૈન ગ્રંથોના સંસ્કૃતના ગુજરાતીમાં સરળ અનુવાદનું ભગીરથ કાર્ય તેમની ટીમ સાથે કરી રહ્યા છે જેથી આવનારી પેઢી જે સંસ્કૃત ન સમજતી હોય એ પણ ગુજરાતીમાં એ ગ્રંથ વાંચી શકે. એ ગ્રંથોનું ડ‌િજિટાઇઝેશન થઈ રહ્યું છે એથી તેમનું એ કાર્ય નિર્વિઘ્ન પાર પડે અને લોકકલ્યાણના આ કાર્યમાં તેમને સફળતા મળે એવા ઉદ્દેશ સાથે પોતે તપ કરી રહ્યા હોવાનું પરેશભાઈએ ‘મિડ-ડે’ને જણવ્યું હતું.

borivali mumbai news mumbai