પાકિસ્તાન વિહાર કરીને જૈનાચાર્યએ રચી દીધો ઇતિહાસ

22 May, 2023 08:10 AM IST  |  Mumbai | Alpa Nirmal

ગઈ કાલે આઝાદી બાદ પહેલવહેલી વાર કોઈ જૈન સાધુ પાડોશી દેશમાં ગયા. પંજાબ કેસરી તરીકે ઓળખાતા આચાર્ય શ્રી વલ્લભસૂરિ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ધર્મધુરંધરસૂરિ મહારાજ પોતાના ગુરુની સમાધિનાં વંદન-દર્શન કરવા ઉપરાંત જૈન મંદિરોની યાત્રા કરશે

શ્રી ધર્મધુરંધરસૂરિ મહારાજ

૪૦૦થી ૫૦૦ વર્ષ પહેલાં હાલના અફઘાનિસ્તાન સુધી જૈન ધર્મ ફેલાયેલો હતો એનો શાસ્ત્રોમાં ઉલ્લેખ તો છે જ, સાથે પુરાતત્ત્વ વિભાગે પણ ત્યાંથી સાંપડેલા અવશેષોથી પુષ્ટિ કરી છે કે એ વિસ્તારમાં પણ જૈન મંદિરો અને પાઠશાળાઓ હતાં. ખેર, પાંચ શતક પહેલાંની વાત જવા દઈએ, પરંતુ આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્વે પાકિસ્તાનમાં તો વ્યાપક રીતે જૈનધર્મીઓ વસતા હતા. ત્યાં અનેક જિનાલયો હતાં અને સેંકડો જિન પ્રતિમાઓ પણ હતી. આ ઉપરાંત એ વિસ્તારમાં જૈન સાધુ-સાધ્વીજીઓ પણ મોટા પ્રમાણમાં વિચરતાં હતાં. પાડોશી દેશના ગુજરાંવાલામાં આવેલી જૈન સાધુ આત્મારામજીની સમાધિ એની સાબિતી છે. એ સમાધિસ્થળનાં વંદન-દર્શન કરવા તેમ જ અન્ય જૈન મંદિરોની યાત્રા અર્થે પંજાબ કેસરી તરીકે ઓળખાતા આચાર્ય શ્રી વલ્લભસૂરિ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ધર્મધુરંધરસૂરિ મહારાજ અને અન્ય ત્રણ સાધુમહારાજ ગઈ કાલે પાકિસ્તાનના પંજાબની વાઘા બૉર્ડરથી પ્રવેશ કર્યો હતો. આ યાત્રામાં તેમની સાથે બીજા ૨૦ જૈન શ્રાવકો પણ જોડાયા હતા.

એ વિશે વિસ્તૃત માહિતી આપતાં અમ્રિતસરસ્થિત શ્રી આત્માનંદ જૈન સભાના સેક્રેટરી અજય જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આચાર્ય ધર્મધુરંધરસૂરિ મહારાજ મૂળ પંજાબના છે અને અહીં વિચરીને જૈન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે પાકિસ્તાનમાં આ જગ્યાએ હિન્દુ મંદિરને ધ્વસ્ત કરાયું ને પેલી જગ્યાએ હિન્દુ કુટુંબો પર સિતમ ગુજારાયો. એ સાંભળી-જાણીને આચાર્ય મહારાજને ખૂબ દુઃખ થતું. તેઓ કહેતા કે બે દેશ વચ્ચે જે તકલીફ હોય એ, પરંતુ પ્રાચીન ધરોહરને નાશ કરવાનો શું મતલબ? એ જ રીતે ગુજરાંવાલામાં તેમના ગુરુ આત્મારામજીની જ્યાં સમાધિ છે એ સ્થળ પણ ખસ્તા હાલતમાં હતું. ત્યાં પોલીસ-સ્ટેશન બનાવી દેવાયું હતું અને એને બીજા કોઈની સમાધિ જાહેર કરી દેવાઈ હતી એ જાણીને આચાર્ય મહારાજ દ્રવી ઊઠ્યા હતા અને તેમને એ સ્થળે દર્શન કરવા જવાની તલબ લાગી હતી. એક મહિનાના વિઝા વગેરેની કાર્યવાહી બાદ ગઈ કાલે સવારે તેઓ એક વ્હીલચૅર-ચાલક, ત્રણ સાધુમહારાજ અને ૨૦ જૈન શ્રાવકો સાથે અટારી બૉર્ડરથી પાકિસ્તાનમાં દાખલ થયા હતા.

પૂજ્ય ગુરુદેવે તેમની પાકિસ્તાન-યાત્રાની ખાસ જાહેરાત કરી નહોતી, કારણ કે બધો મદાર વિઝા તેમ જ અન્ય કાર્યવાહી પર હતો. આ પ્રોસેસ કરનાર ચુનંદા શ્રાવકો સિવાય શુક્રવારે સાંજે પંજાબના જૈન ભક્તોને પાડોશી મુલ્કની યાત્રાની જાણ થઈ હતી. અજય જૈન ‘મિડ-ડે’ને કહે છે, ‘શુક્રવારે તેઓ જાલંધર હતા અને તેમને વિઝાનું કન્ફર્મેશન આવતાં ઉગ્ર વિહાર કરીને શનિવારે સાંજે અમ્રિતસર પધાર્યા હતા. અહીં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શનાર્થે પધાર્યા હતા. કેટલાક શ્રેષ્ઠીઓએ તેમને કહ્યું પણ ખરું કે અત્યારે માહોલ સારો નથી એવામાં આપને તકલીફ થઈ શકે છે. જોકે ગુરુમહારાજ બહુ મક્કમ હતા અને ખુશ હતા. તેમણે કહ્યું કે મારા ગુરુદેવનું કહેણ આવ્યું છે. તેમની કૃપા અને આશીર્વાદ અમારી સાથે જ છે. અમને તેમના થકી જૈન શાસન મળ્યું, ધર્મનો આચાર મળ્યો એ કૃતજ્ઞતા વ્યક્ત કરવા અમારે ગુરુજીના સમાધિ સ્મારક પર જવું જ છે.’

પાકિસ્તાન સરકારે ગુરુદેવ અને અન્યોને ધાર્મિક વિઝિટ માટે એક મહિનાના વિઝા આપ્યા છે. જોકે એટલો સમય તેઓ ત્યાં રહી ન શકે, કારણ કે તેમનું ચાતુર્માસ દિલ્હીના રૂપનગર સંઘમાં છે અને એનો પ્રવેશ ૨૯ જૂને છે. અટારી બૉર્ડરથી ગુજરાંવાલા ૧૦૦ કિલોમીટર છે એટલે રિટર્ન ૨૦૦ કિલોમીટર અને અટારીથી દિલ્હી ૪૪૦ કિલોમીટર એટલે ૩૯ દિવસમાં તેઓ ૬૦૦ કિલોમીટરની પદયાત્રા કરશે.

૬૬ વર્ષની ઉંમર ધરાવતા ધર્મધુરંધરસૂરિ મહારાજસાહેબનો દીક્ષાપર્યાય પંચાવન વર્ષનો છે. મૂળ પંજાબના જીરા ગામના આ સાધુભગવંતે માતા, પિતા, કાકા અને બે મોટા ભાઈ સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. તેમના ભાઈ મહારાજ આચાર્ય નિત્યાનંદસૂરિ મહારાજ અને આચાર્ય જયાનંદસૂરિ મહારાજ ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં જૈન ધર્મની પ્રભાવના કરી રહ્યા છે.

ગચ્છાધિપતિએ પાકિસ્તાનમાં પગ મૂકતાં પહેલાં શું કહ્યું?

આચાર્ય ધર્મધુરંધરસૂરિ મહારાજે પાકિસ્તાન જતાં પહેલાં જણાવ્યું હતું કે ‘તમે એવું માની શકો છો કે શરીર મારું હશે, અવાજ મારો હશે, દિલ મારું હશે; પણ નહીં; આ શરીર, દિલ અને અવાજ તમારાં છે એવું માનીને હું ગુરુ મહારાજસાહેબને તમારા બધા તરફથી પણ વંદના કરીશ. હું ગુરુજીને વિશ્વાસ અપાવીશ કે તમે જે માર્ગ બતાવ્યો છે એના પર અમે સદાય ચાલતા રહેવાનો પ્રયાસ કરતા રહીશું.’ 

આત્મારામજી મહારાજ કોણ છે?

પાકિસ્તાન સરકારે ચાર વર્ષ પૂર્વે જેમની સમાધિના સ્થળને હેરિટેજ ડિક્લેર કર્યું છે એ આત્મારામજી મૂળ ફિરોઝપુર જિલ્લાના લાહરા ગામના બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં જન્મ્યા હતા. બાળપણથી જ જ્ઞાની અને હિન્દી ભાષા તેમ જ ગણિતના સ્કૉલર આત્મારામજીને જૈન સ્થાનકવાસી મહારાજનો પરિચય થયો અને દીક્ષા ગ્રહણ કરી. જૈન શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યા બાદ તેઓ શ્વેતાંબર પરંપરાના દેરાવાસી સાધુ બુદ્ધિવિજયજી બન્યા હતા. ત્યાર બાદ પાલિતાણા, ગુજરાત અને રાજસ્થાનનાં તીર્થોનાં દર્શન કર્યા બાદ પંજાબ આવ્યા હતા અને ત્યાં જૈન ધર્મનો વ્યાપક પ્રચાર કર્યો અને અનેક હસ્તપ્રતો રિવાઇવ કરી. ૧૮૯૨માં શિકાગોમાં ભરાયેલી વર્લ્ડ્સ પાર્લમેન્ટ ઑફ રિલિજિયન્સના સ્પીકર માટે આ સતાવધાનીસાહેબને આમંત્રણ અપાયું હતું, પરંતુ જૈન મુનિના આચારને કારણે તેમણે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે વીરચંદ રાઘવજી ગાંધીને શિકાગો મોકલ્યા હતા. પંજાબના વિવિધ પ્રાંતોમાં તેમણે મંદિર બનાવડાવ્યાં હતાં અને મોટા પ્રમાણમાં ધાર્મિક જ્ઞાન આપતી પાઠશાળાઓ શરૂ કરાવી હતી. ૧૮૯૬માં ગુજરાંવાલામાં તેઓ કાળધર્મ પામ્યા હતા અને ત્યાં જ તેમને અગ્નિદાહ અપાયો હતો. આ જગ્યાએ જૈન શ્રેષ્ઠીઓએ મંદિર, સમાધિસ્થળ અને ધર્મશાળા સહિત પાઠશાળા બનાવડાવી હતી.

mumbai mumbai news jain community pakistan alpa nirmal