બીજેપીથી અલગ થયો છું, હિન્દુત્વથી નહીં

08 March, 2020 07:55 AM IST  |  Ayodhya

બીજેપીથી અલગ થયો છું, હિન્દુત્વથી નહીં

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થવા નિમિતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સપરિવાર ભગવાન રામની નગરી અયોધ્યાની મુલાકાત લીધી છે જ્યાં તેમણે રામમંદિરના નિર્માણ માટે એક કરોડના દાનની જાહેરાત કરી છે. બપોરે લખનઉના ઍરપોર્ટ પર ઊતરાણ કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે રોડ માર્ગે અયોધ્યા આવી પહોંચ્યા હતા જ્યાં ઉપસ્થિત શિવસૈનિકો તેમ જ તેમના સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેને ગાર્ડ ઑફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
અયોધ્યાની મુલાકાત દરમ્યાન ઉદ્ધવ ઠાકરેનો સરયુ આરતી તેમ જ જનસભાનો પણ કાર્યક્રમ હતો, પરંતુ કોરોના વાઇરસને લઈને ગૃહ મંત્રાલય તેમ જ આરોગ્ય મંત્રાલયની ઍડ્વાઇઝરી બાદ આ બન્ને કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કૉન્ફરન્સ સંબોધી જણાવ્યું કે હું અહીં રામલલ્લાના આશીર્વાદ લેવા આવ્યો છું. છેલ્લાં દોઢ વર્ષમાં આ મારી ત્રીજી અયોધ્યા મુલાકાત છે. હું વારંવાર અયોધ્યા આવતો રહીશ. તેમણે કહ્યું કે અહીં ભગવાન રામનું મંદિર બનાવવાની જવાબદારી આપણા સૌની છે. મંદિર એવું ભવ્ય બનવું જોઈએ કે એ સમગ્ર દુનિયા જુએ.

ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોના સવાલનો જવાબ આપતાં કહ્યું કે હું બીજેપીથી અલગ થયો છું, હિન્દુત્વથી નહીં. બીજેપીનો મતલબ હિન્દુત્વ નથી. હિન્દુત્વ અલગ છે, બીજેપી અલગ છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સીએમ યોગીને અપીલ છે કે અમને અયોધ્યામાં થોડી જમીન આપે. અમે અયોધ્યામાં એ જમીન પર મહારાષ્ટ્ર ભવન બનાવીશું. મહત્ત્વનું છે કે ઉદ્ધવ ઠાકરેની આ ત્રીજી અયોધ્યા મુલાકાત છે. આ પહેલાં ઉદ્ધવ ઠાકરે લોકસભા ચૂંટણી પહેલાં અને ચૂંટણી બાદ અયોધ્યાની મુલાકાત લઈ રામલલ્લાનાં દર્શન કર્યાં હતાં.

શ્રીરામ જન્મભૂમિ મંદિરના સંત આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે રામલલ્લાનાં દર્શન કરી ઉદ્ધવ ઠાકરે તેમને મહારાષ્ટ્રની પ્રજાએ જે જવાબદારી સોંપી છે એ સુપેરે નિભાવે તેમ જ હિન્દુત્વની વિચારધારાને આગળ ધપાવે. બીજી તરફ તપસ્વી છાવણીના આચાર્ય પરમહંસ દાસે મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ સાથે ગઠબંધન કરવા મુદ્દે ઉદ્ધવ પર નિશાન સાધ્યું હતું. પરમહંસ દાસે કહ્યું કે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ કંડારેલી હિન્દુત્વની વિચારધારાને કોરાણે મૂકી ફક્ત સત્તા માટે ઉદ્ધવ ઠાકરેએ કૉન્ગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. રામલલ્લાનાં દર્શન બાદ ઉદ્ધવ ફરી હિન્દુત્વની વિચારધારા પર પરત ફરે એવી સૌ સંતોને આશા છે એમ પરમહંસ દાસે કહ્યું હતું.

ayodhya shiv sena bharatiya janata party uddhav thackeray national news ram mandir