રાજા બન ગયા રંક

16 October, 2021 09:24 AM IST  |  Mumbai | Mehul Jethva

આર્યન ખાને બિસ્કિટ અને પાણી પર દિવસો કાઢવાનો સમય આવ્યો : આર્થર રોડ જેલના અધિકારીઓના કહેવા પ્રમાણે ખાવા-પીવા માટે તેને ઘણી વાર સમજાવવામાં આવવા છતાં તે કહેતો હોય છે કે તેને ભૂખ નથી

રાજા બન ગયા રંક

કિંગ ખાન શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ક્રૂઝ ડ્રગ પાર્ટીના કેસમાં ધરપકડ થયા બાદ તેને ૮ ઑક્ટોબરે જેલ-કસ્ટડી આપવામાં આવી હતી. રાજાની જિંદગી જીવેલા આર્યનને જેલનું ખાવાનું પસંદ ન આવતાં છેલ્લા કેટલાક દિવસથી તે જેલમાં માત્ર બિસ્કિટ અને પાણી પર દિવસો કાઢી રહ્યો છે. જેલના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર ખાવા-પીવા માટે ઘણી વાર તેને સમજાવવામાં આવે છે, પણ તેનું કહેવું હોય છે કે તેને ભૂખ નથી.
મુંબઈની આર્થર રોડ જેલના પહેલા માળે બૅરૅક એકમાં રાખેલા આરોપી બૅચ-નંબર એન-૪૯૬ આર્યન ખાનની ધરપકડ ૩ ઑક્ટોબરે ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં એનઆઇએએ કરી હતી. એનઆઇએની પ્રથમ પાંચ દિવસની તપાસ પૂરી થયા પછી કોર્ટે તેને જેલ-કસ્ટડી આપી હતી. આર્થર રોડ જેલમાં આવવાની સાથે આર્યનને ત્યાંનું વાતાવરણ સૂટ ન થતાં એક-બે દિવસ તે ચૂપચાપ રહ્યો હતો. ત્યારે તેને સવારે અને સાંજે જમવા માટે પૂછવામાં આવતાં તેણે જમવાની ના પાડી હતી અને પેટ ભરેલું હોવાનું અધિકારીઓને જણાવ્યું હતું. 
કિંગ ખાને પોતાના દીકરા માટે ૪,૫૦૦ રૂપિયાનું મની ઑર્ડર મોકલાવ્યું હતું. કોઈ પણ કાચા કેદીને વધુમાં વધુ આટલાં રૂપિયા જેલમાં આપી શકાય છે. આર્યને એ પૈસાથી બિસ્કિટનાં પૅકેટ અને પાણીની બૉટલ ખરીદી હતી. 
આર્થર રોડ જેલમાં કાર્યરત એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આર્યન જેલમાં એકદમ ચૂપ થઈ ગયેલો જોવા મળ્યો હતો. પહેલા ચાર દિવસ તેને જેલમાં કાઢવા મુશ્કેલ પડ્યા હતા. એ દિવસોમાં તેને જમવા માટે અનેક વાર અમારે સમજાવવો પડ્યો હતો. તેનું કહેવું એ જ હતું કે તેનું પેટ ભરેલું છે એટલે નથી જમવું. એ પછી તેને મળેલા ૪૫૦૦ રૂપિયામાંથી તેણે જેલની કૅન્ટીનમાંથી પાણીની બૉટલ અને બિસ્કિટ ખરીદ્યાં હતાં. નિયમ મુજબ જેલમાં રાખેલા મોબાઇલમાંથી તેણે એક વખતે તેનાં માતા-પિતા સાથે વિડિયો કૉલ પર વાત પણ કરી હતી.’
આર્થર રોડ જેલના સુપરિન્ટેન્ડેન્ટ નીતિન વાયચળે આર્યન ફક્ત પાણી અને બિસ્કિટ પર જ દિવસો કાઢે છે એ વાતી પુષ્ટિ કરવાને બદલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેલમાં ૩૩૦૦ કેદીઓ છે અને આર્યન પણ હાલમાં અમારા માટે સામાન્ય કેદી જ છે. એટલે દરેક કેદી શું ખાય છે અને શું પીએ છે એના પર નજર રાખવી મુશ્કેલ હોય છે.’

Mumbai mumbai news mehul jethva aryan khan