કોરોનાની ટેસ્ટ કરતી લૅબોરેટરી માટે અત્યારે છે ટેસ્ટિંગ ટાઇમ

08 January, 2022 11:15 AM IST  |  Mumbai | Prajakta Kasale, Somita Pal

ઓછા સ્ટાફની વચ્ચે કામનું બર્ડન વધી ગયું હોવાથી આરટી-પીસીઆરનો રિપોર્ટ આપવામાં ૨૪ને બદલે ૪૮ કલાક થઈ જાય છે

એલટીટી, કુર્લા ખાતે કલેક્ટ કરવામાં આવી રહેલાં પ્રવાસીઓનાં સ્વેબ સૅમ્પલ્સ. (તસવીર : પ્રદીપ ધિવાર)

રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સે કોવિડની ત્રીજી લહેરના વધતા કેસને ધ્યાનમાં રાખીને શહેરમાં રોજનાં એક લાખ સૅમ્પલ ટેસ્ટિંગ કરવાની ભલામણ કરી છે, પરંતુ શહેરની ખાનગી લૅબોરેટરીઓ માટે આ કાર્ય કપરું સાબિત થઈ રહ્યું છે. લૅબોરેટરીઓ માટે ૨૪ કલાકમાં રિપોર્ટ આપવો બંધનકર્તા હોવા છતાં અનેક લૅબોરેટરીઓ રિપોર્ટ માટે ૪૮ કલાક રાહ જોવાની ફરજ પાડતી હોય છે. ટેસ્ટ માટેના કૉલમાં અચાનક થયેલા વધારાથી ખાનગી પ્રયોગશાળાઓએ ગંભીર પેશન્ટ્સ તથા વિદેશપ્રવાસ કરનારા લોકોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે. 
કોઈ પણ પ્રકારની તૈયારી વિના અચાનક જ અસંખ્ય કૉલ, સૅમ્પલ કલેક્શન અને ટેસ્ટિંગને કારણે લૅબોરેટરીને પર્યાપ્ત સમય મળ્યો ન હોવા છતાં તેઓ આ વધારાના કાર્યબોજને સંભાળવા બનતા પ્રયાસ કરી રહી છે. જોકે કેટલાક કેસમાં તૈયારીમાં લાગનારા સમયને કારણે વિલંબ થઈ શકે છે. સરકાર આ બાબતને સારી રીતે સમજે છે, એમ જણાવતાં મેટ્રોપોલિસ હેલ્થકૅરનાં પ્રમોટર અને મૅનેજિંગ ડિરેક્ટર અમીરા શાહે કહ્યું હતું કે અમે દરદીઓની કાળજી લેવા સાથે જ સરકારના નિયમોનું પાલન કરવા પ્રયત્નશીલ છીએ. 
સુધરાઈના વૉર્ડ લેવલના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘કેટલાક શહેરીજનોએ રિપોર્ટ મોડો મળવા બદલ ફરિયાદ કરી હતી, પરંતુ જો રિપોર્ટ પૉઝિટિવ આવે તો વ્યક્તિગત રીતે રિપોર્ટ પહોંચાડતાં પહેલાં લૅબોરેટરીએ બીએમસીને જાણ કરવી પડતી હોય છે જેમાં વિલંબ થાય છે.’ 
રોજનાં લગભગ લાખ સૅમ્પલ ટેસ્ટિંગ કરવાની સરકારની ભલામણને કારણે ઘણી વાર શહેરીજનોને સ્વેબ સૅમ્પલ્સના ટેસ્ટિંગ માટે અપૉઇન્ટમેન્ટ મેળવવી મુશ્કેલ બનતી હોય છે.  બીએમસીના જાહેર આરોગ્ય વિભાગનાં અધિકારી પ્રણિતા ટિપરેએ ખાનગી લૅબોરેટરી રિપોર્ટ આપવામાં ૨૪ કલાક કરતાં વધુ સમય લેતી હોવાની બાબત સાથે સહમત થતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાલમાં કોઈ પણ લૅબ તેમની બીએમસીમાં નોંધાવાયેલી ક્ષમતા કરતાં વધુ સ્વેબ સૅમ્પલ્સ નથી લેતી, પરંતુ જો અમને રિપોર્ટ મોડા મળતા હોવાની ફરિયાદ મળશે તો અમે ત્વરિત પગલાં લઈશું. સરકારી અને ખાનગી લૅબોરેટરી મળીને કુલ એક લાખ સૅમ્પલ-ટેસ્ટની ક્ષમતા છે. આ ઉપરાંત સ્ટાફ પણ સંક્રમિત હોવાથી ઓછા કર્મચારીઓ સાથે પૂર્ણ ક્ષમતાએ કામ કરવું અનેક લૅબોરેટરીઓ માટે મુશ્કેલ બની રહ્યું છે.’ 

coronavirus covid19 mumbai mumbai news prajakta kasale somita pal