શું તમારો પાસપોર્ટ પણ પોલીસ વેરિફિકેશનને કારણે અટક્યો છે?

03 March, 2023 09:11 AM IST  |  Mumbai | Rohit Parikh

તો તમારે પણ આ ઉપાય અજમાવવા જેવો છે : બે મહિનાથી વિલંબિત થયેલો લોઅર પરેલના રહેવાસીનો પાસપોર્ટ માટેનો પોલીસ વેરિફિકેશન રિપોર્ટ મહારાષ્ટ્ર સરકારની તકરાર નિવારણ પ્રણાલી પર ફરિયાદ કર્યા પછી ચાર જ દિવસમાં પાસપોર્ટ ઑફિસમાં આગળની કાર્યવાહી કરવા માટે પહોંચ્યા

પ્રતીકાત્મક તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી સરકાર સરકારી ઑફિસોમાં જનતાનાં કામ જલદી થાય એ માટે ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે. સરકાર લોકોને તેમના પાસપોર્ટ પણ અરજી કર્યા પછી જલદી મળી શકે એ માટે એની પ્રોસીજરમાં સમયે-સમયે નવાં પરિવર્તનો લાવી રહી છે. જોકે મુંબઈમાં આજે પણ લોકોએ પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા પછી પાસપોર્ટ મેળવવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે. મુંબઈમાં સીએસએમટી પાસે આવેલી પોલીસની સ્પેશ્યલ બ્રાન્ચ પર કામનો એટલો બધો બોજો છે કે તેમની પાસે બે મહિના સુધી પાસપોર્ટ વેરિફિકેશનનો રિપોર્ટ સબમિટ કરવાનો સમય નથી હોતો. 

આ સવાલ લોઅર પરેલના રહેવાસી અને કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના અગ્રણી અને સામાજિક કાર્યકર સંદીપ ગાલાના પરિવારનો છે. તેમણે આ માટે અનેક વિભાગોમાં ફરિયાદ કર્યા પછી પણ તેઓ એમાં નિષ્ફળ ગયા હતા. આખરે મહારાષ્ટ્ર સરકારની તકરાર નિવારણ પ્રણાલી પર ફરિયાદ કર્યા પછી ચાર જ દિવસમાં પોલીસ કમિશનર ઍક્શનમાં આવી ગયા હતા અને બે મહિનાથી વિલંબિત થયેલો પાસપોર્ટ માટેનો પોલીસ વેરિફિકેશન રિપોર્ટ પાસપોર્ટ ઑફિસ સુધી પહોંચી ગયો હતો.  વાત એમ હતી કે સંદીપ ગાલાએ તેમના પત્નીના પાસપોર્ટ માટે ૨૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ અરજી કરી હતી. ૨૦૨૩ની બીજી જાન્યુઆરીએ પાસપોર્ટ ઑફિસમાં તેમની બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ હતી. પાસપોર્ટ ઑફિસમાંથી છઠ્ઠી જાન્યુઆરીએ પોલીસ વેરિફિકેશન માટે તેમના પત્નીની ફાઇલ એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં આવી હતી. ત્યાંથી સંદીપ ગાલા અને તેમના પત્નીએ પોલીસ સ્ટેશનમાં અનેક ધક્કા ખાધા પછી એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનના બીટ માર્શલે ફિઝિકલ વેરિફિકેશન કરીને વેરિફિકેશન રિપોર્ટને પોલીસની છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર આવેલી પાસપોર્ટ માટેની સ્પેશ્યલ બ્રાન્ચમાં આગળની કાર્યવાહી માટે મોકલ્યો હતો. આ માહિતી આપતાં નેહલ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશન - લોઅર પરેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર આવેલી પાસપોર્ટ માટેની સ્પેશ્યલ બ્રાન્ચમાં બે મહિના સુધી મારા પત્નીનો પોલીસ વેરિફિકેશન રિપોર્ટ તૈયાર થયો નહોતો. આથી અમે પાસપોર્ટ ગ્રીવન્સિસ ડિપાર્ટમેન્ટથી લઈને ભારત સરકારના નાગરિક ગ્રીવન્સિસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી સુધી ફરિયાદો કરી, પણ અમને સકારાત્મક જવાબ ક્યાંયથી નહોતો મળ્યો.’

આખરે અમે ટ્વિટરના માધ્યમથી મુંબઈના પોલીસ કમિશનરને પોલીસ વેરિફિકેશન રિપોર્ટની કાર્યવાહી જલદી કરવા અરજ કરી હતી. આ જાણકારી આપતાં નેહલ ગાલાએ કહ્યું હતું કે ‘અમને ત્યારે ખબર પડી કે અમારી જેમ સેંકડો લોકોની ફાઇલ મુંબઈ પોલીસની સ્પેશ્યલ બ્રાન્ચમાં વેરિફિકેશન રિપોર્ટ માટે પે​ન્ડિંગ પડી છે. બે મહિના પછી પણ પાસપોર્ટ સ્ટેટસ એમ જ દર્શાવતું હતું કે ફાઇલ પોલીસની સ્પેશ્યલ બ્રાન્ચ ઑફિસમાં કાર્યવાહી માટે પડી છે. અમે સતત ફરિયાદ કરતા હતા, પરંતુ અમને અંદરખાને એવો ડર પણ હતો કે આટલી બધી અમારી ફરિયાદો ક્યાંક નેગેટિવ પરિણામ ન લાવે અને પોલીસ અમારો રિપોર્ટ નેગેટિવ ન કરી નાખે. પોલીસ વિભાગ સાથે કોઈ પણ વિવાદમાં પડવું એટલે આવનારા ભવિષ્યમાં પોતાને એક ગુનેગાર તરીકે પ્રસ્થાપિત થવા જેવું છે.’
આમ છતાં અમે હિંમત રાખીને ૨૩ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર સરકારની તકરાર નિવારણ પ્રણાલી પર ઑનલાઇન ફરિયાદ કરી હતી એમ જણાવીને નેહલ ગાલાએ કહ્યું હતું કે ‘આ ફરિયાદે અમને સુખદ આંચકો આપ્યો હતો. અમારી ફરિયાદના ચાર જ દિવસમાં પોલીસ કમિશનર તાબડતોબ ઍક્શનમાં આવી ગયા હતા. અમારી બે મહિનાથી અટકેલી ફાઇલ તરત જ પાસપોર્ટ ઑફિસમાં આગળની કાર્યવાહી કરવા માટે આગળ વધી ગઈ હતી.’

mumbai mumbai news maharashtra mumbai police rohit parikh