IPLમાં સટ્ટો લેતા સુરતના બે ગુજરાતી બુકી સહિત પાંચ પકડાયા

18 April, 2019 11:28 AM IST  |  મુંબઈ

IPLમાં સટ્ટો લેતા સુરતના બે ગુજરાતી બુકી સહિત પાંચ પકડાયા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (ત્ભ્ન્)ની મૅચ પર સટ્ટો લેવાના આરોપસર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે મોડી રાતે કાંદિવલીના એક ફ્લૅટ પર દરોડો પાડીને પાંચ બુકીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ ગઈ કાલે રમાયેલી રાજસ્થાન રૉયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મૅચ પર સટ્ટો લેતા હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ૨૬ મોબાઇલ, એક લૅપટૉપ, એક ટીવી, એક સેટટૉપ બૉક્સ, બે વાઇફાઇ રાઉટર, ૬ કાર્ડ સ્વેપિંગ યુનિટ, બે ડોંગલ, ત્રણ પેનડ્રાઇવ, એક નોટ ગણવાનું મશીન, કોડ-લૅન્ગ્વેજમાં લખાયેલી બેટિંગની નોંધવાળી ૧૦ નોટબુક અને ૯૧,૭૦૦ રૂપિયા કૅશ જપ્ત કયાર઼્ હતાં. પકડાયેલા બુકીઓમાં ત્રણ મુંબઈના અને બે સુરતના ગુજરાતીઓ હોવાનું જાણવા મળ્યું છે.

ઑનલાઇન સટ્ટાબજાર પર પોલીસનું નિયંત્રણ ન હોવાના ગઈ કાલના ‘મિડ-ડે’ના સમાચાર બાદ આ કાર્યવાહી પરથી કહી શકાય કે પોલીસ ધારે તો આ પ્રકારના ગેરકાયદે સટ્ટાબજાર સામે લાલ આંખ કરીને ગુનેગારોને જેલના સળિયા ગણતા કરી શકે છે.

ભારતમાં અત્યારે ત્ભ્ન્ની સીઝન-૧૨ ચાલી રહી છે ત્યારે મુંબઈ અને ઉપનગરમાં ક્રિકેટ મૅચો પર મોટા પ્રમાણમાં સટ્ટો લગાડીને કરોડો રૂપિયાનો ગેરકાયદે આર્થિક વ્યવહાર થવાની સાથોસાથ એમાં ઇન્ટરનૅશનલ બુકીઓનું નેટવર્ક કામ કરતું હોવાની આશંકાથી આ બેટિંગ અને સટ્ટો લેનારા બુકીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ ઉપરી પોલીસ અધિકારીઓએ આપ્યો હોવાથી ક્રાઇમ બ્રાન્ચ બુકીઓ પર બારીકાઈથી નજર રાખી રહી છે.

કાંદિવલીની ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૧ના સિનિયર ઇન્સ્પેક્ટર ચિમાજી આઢવને ગઈ કાલે આધારભૂત સૂત્રો પાસેથી બાતમી મળી હતી કે ચારકોપ પોલીસ-સ્ટેશનની હદમાં આવેલી ઑસ્કર હૉસ્પિટલ પાસેના એક બિલ્ડિંગના ફ્લૅટમાં સટ્ટો લેવાઈ રહ્યો છે. યુનિટ-૧૧ની ટીમે મળેલી બાતમીના સ્થળે દરોડો પાડ્યો હતો.
પોલીસે જણાવ્યા મુજબ જ્યારે પોલીસ ફ્લૅટ પર પહોંચી ત્યારે રાજસ્થાન રૉયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મૅચ ટીવી પર ચાલી રહી હતી અને ત્યાં હાજર બુકીઓ મોબાઇલ પર વેબસાઇટ્સ તેમ જ મોબાઇલ ઍપ પર ઑનલાઇન સટ્ટો લઈ રહ્યા હતા. પોલીસે આરોપી પાસેથી સટ્ટા સંબંધી વસ્તુઓ જપ્ત કરી હતી.

યુનિટ-૧૧ના સિનિયર ઇન્સ્પેક્ટર ચિમાજી આઢવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પકડાયેલા પાંચ બુકીઓમાં ત્રણ મુંબઈના અને બે સુરતના ગુજરાતીઓ છે. તેમની પૂછપરછમાંથી જણાઈ આવ્યું છે કે ‘ખ્ધ્’ નામથી ઓળખાતો મુખ્ય બુકી આ સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર છે. પાંચેય બુકીઓ મુંબઈ, રાજકોટ, દિલ્હી તેમ જ ઇન્ટરનૅશનલ ક્રિકેટ બુકીના સંપર્કમાં હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસે આરોપી બુકીઓની ડીસીબી, સીઆઇડી તથા ગુનો નોંધ-નંબર ૩૭/૨૦૧૯ (ચારકોપ પોલીસ-સ્ટેશન, ગુનો નોંધ-નંબર ૧૧૫/૧૯) કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૩૪ તેમ જ જુગાર પ્રતિબંધક કાયદા મુજબ ધરપકડ કરી છે. કોર્ટે તેમને ૧૮ એપ્રિલ સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ મુંબઈ: 100 કરતાં વધુને ઠગનારા હૈદરાબાદની ટ્રાવેલિંગ કંપનીના માલિકની ધરપકડ

આ સફળ કાર્યવાહી ડેપ્યુટી પોલીસ કમિશનર (ડિટેક્શન-૧) અકબર પઠાણ, અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર ‘ડી’ (નૉર્થ) અભય શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ યુનિટ-૧૧ના સિનિયર ઇન્સ્પેક્ટર ચિમાજી આઢવે તેમની ટીમની મદદથી કરી હતી.

surat gujarat Ipl 2019 sports news mumbai news Crime News