નેવું વર્ષે નવજીવન

14 December, 2020 07:51 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

નેવું વર્ષે નવજીવન

૯૦ વર્ષનાં કુસુમબહેન રતિલાલ ચોવટિયા હૉસ્પિટલની બહાર.

કોરોનાને પાંચ દિવસમાં હરાવવાની સાથે હૉસ્પિટલમાં ઍડ્મિટ દરદીઓ અને સ્ટાફને યુટ્યુબમાં સૉન્ગ્સ દ્વારા એન્ટરટેઇન કર્યા : મોટી ઉંમરે પણ ધર્મધ્યાનની સાથે બાળપણના શોખ જીવનભર માણી શકવાનું દૃષ્ટાંત પૂરું પાડ્યું

કોરોનાએ ભલભલા લોકોને નિશાન બનાવીને મોતના મુખમાં પહોંચાડી દીધા છે ત્યારે દાદરમાં રહેતાં ૯૦ વર્ષનાં જૈન વૃદ્ધાએ પોતાની પૉઝિટિવિટી અને જીવનના છેલ્લા શ્વાસ સુધી ઍક્ટિવ રહેવાના અડગ વિલ-પાવરથી કોરોનાને પાંચ દિવસમાં માત કર્યો છે. હૉસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ ૧૦ ડિસેમ્બરે હોમ-ક્વૉરન્ટીનના ૧૪ દિવસ પૂરા થયા હતા. ૮ ડિસેમ્બરે તેમનો ૯૦મો જન્મદિવસ હતો. તેમણે પોતાની સાથે હૉસ્પિટલમાં ઍડ્મિટ બીજા દરદીઓ અને સ્ટાફને પોતાના જીવંત અભિગમથી એન્ટરટેઇન કરીને પૉઝિટિવ રહીને ગંભીરથી ગંભીર પરિસ્થિતિમાંથી પણ બહાર આવી શકાય છે એવું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે.
દાદર-ઈસ્ટમાં મૂળ રાજકોટના ઘોઘારી જૈન એવાં ૯૦ વર્ષનાં કુસુમબહેન રતિલાલ ચોવટિયા તેમનાં દીકરી સોનલ ધામી સાથે રહે છે. પગમાં ફ્રૅક્ચર આવ્યું હોવાથી દોઢ વર્ષથી ઘરમાંથી બહાર ન નીકળ્યાં હોવા છતાં આજથી ૨૦ દિવસ પહેલાં બ્લડ-પ્રેશર ખૂબ અપડાઉન થતું હોવાથી તેમણે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવ્યું ત્યારે તેમની કોવિડ-ટેસ્ટ કરાઈ હતી, જે પૉઝિટિવ આવતાં તેમને સેવન હિલ્સ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયાં હતાં.
સોનલ ધામીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમારા પરિવારમાં કોરોનાને લીધે મૃત્યુ થયાં હોવાથી મમ્મીને ૯૦ વર્ષની ઉંમરે જ્યારે કોવિડ
થયાનું જાણ્યું ત્યારે મનમાં ધ્રાસ્કો પડ્યો હતો. ઘરમાં જ તેમની સારવાર કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ ડૉક્ટરોએ તેમને ઍડ્મિટ
કરવાં પડશે એમ કહેતાં સેવન હિલ્સ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યાં હતાં. પાંચ જ દિવસમાં તેમનું બ્લડ-પ્રેશર ઠીક થવાની સાથે કોવિડનો રિપોર્ટ પણ સામાન્ય આવ્યો હતો. તેઓ ખૂબ જ મક્કમ મનોબળ ધરાવે છે. ૭૫ વર્ષની ઉંમર સુધી ટીચર રહ્યાં છે એટલે તેઓ મોબાઇલમાં સોશ્યલ મીડિયામાં પૉઝિટિવ વિડિયો શોધીને બધાને બતાવતાં હતાં. આટલી ઉંમરે આટલી પૉઝિટિવિટી જોઈને હૉસ્પિટલનો સ્ટાફ અને દરદીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.’

દરરોજ એક ફિલ્મ જુએ છે
કુસુમબહેનને બાળપણથી ફિલ્મ જોવાનો જબરો શોખ, જે આજે ૯૦ વર્ષની ઉંમરે પણ જળવાઈ રહ્યો છે. આજે તેમને ઓછું સંભળાતું હોવા છતાં દરરોજ એક ફિલ્મ તો અચુક જુએ જ છે. સંભળાતું ન હોવા છતાં સબ-ટાઇટલ વાંચીને હિન્દી, મરાઠી કે અંગ્રેજી ફિલ્મ યુટ્યુબમાં શોધીને તેઓ માણે છે. સામાન્ય રીતે મોટી ઉંમરે ધર્મધ્યાન કરાતું હોય છે. કુસુમબહેન પણ ધાર્મિક છે, પણ તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી જીવનને માણવા માગે છે એટલે ફિલ્મની સાથે બીજા શોખ પણ પૂરા કરી રહ્યાં છે.

prakash bambhrolia mumbai mumbai news coronavirus covid19