જીદ ઝેર બની

22 June, 2022 07:47 AM IST  |  Mumbai | Viral Shah

રાજ્યસભાની ચૂંટણીમાં સંભાજી રાજે ભોસલેને ટેકો નહીં આપવાની કારણ વિનાની જીદને લીધે ઉદ્ધવ ઠાકરેએ આ દિવસ જોવો પડ્યો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી

બત્તી ગુલ : શિવસેનાના નેતા એકનાથ શિંદેએ અનેક વિધાનસભ્યો સાથે બળવો કર્યા બાદ શિવસેનાની જેમ જ શિવસેનાભવનની જાણે બત્તી ગુલ થઈ ગઈ હતી અને અનિશ્ચિતતાનાં કાળાં વાદળ છવાઈ ગયાં હતાં. અતુલ કાંબળે


મુંબઈ ઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં ગઈ કાલે જે ભૂકંપ આવ્યો છે એના ઝાટકાઓ છેલ્લાં અઢી વર્ષમાં ઘણી વાર આવ્યા હતા, પણ એની તીવ્રતા ઓછી હોવાથી એ નુકસાન કરે એ પહેલાં જ બધંં સંભાળી લેવામાં આવતું હતું. આ વખતે તો ઝાટકા પણ ન આવ્યા હોત જો રાજ્યના મુખ્ય પ્રધાને રાજ્યસભાની ચૂંટણી લડવાની જીદ ન કરી હોત તો. સામાન્ય રીતે ઇલેક્શન જીતવાના વિશ્વાસ સાથે લડવામાં આવતું હોય છે, પણ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યસભાની ચૂંટણીમાં એની ખાતરી ન હોવા છતાં ધરાર સંજય પવારને ઉમેદવારી આપી હતી અને બીજેપીને રાજ્યના અપક્ષો અને વિધાનસભ્યોનો મૂડ શું છે એ જાણવાનો મોકો મળી ગયો. જો શિવસેનાએ કારણ વગરની હઠ કરવાને બદલે રાજ્યસભાની ચૂંટણીમાં સંભાજી રાજે ભોસલેને ટેકો આપ્યો હોત તો બીજેપીએ પણ મહારાજાને ટેકો આપવો પડ્યો હોત અને રાજ્યસભાની ચૂંટણી નિવારી શકાઈ હોત અને જો એવું થયું હોત તો વિધાન પરિષદની ચૂંટણી યોજવાની નોબત આવી ન હોત. જોકે શિવસેનાએ કદાચ આ દિશામાં વિચારવાનું ટાળ્યું હોવું જોઈએ. રાજ્યસભામાં શિવસેનાની જીદ બાદ વિધાન પરિષદમાં કૉન્ગ્રેસે ચૂંટણીની જીદ કરી જેને લીધે આજે રાજ્યની રાજનીતિમાં આ ભૂકંપ આવ્યો. ટૂંકમાં કહીએ તો રાજ્યસભાની એક અને વિધાન પરિષદની એક એમ ફક્ત બે બેઠક (એ પણ જીતવાની કોઈ ગૅરન્ટી નહોતી) માટે મહાવિકાસ આઘાડીએ સરકારને દાવ પર લગાવી દીધી. 
અત્યારની આ પરિસ્થિતિ માટે લીડરશિપ ક્રાઇસિસને જવાબદાર ઠેરવતાં એક રાજકીય ઍનલિસ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકાર પાડવાની શરૂઆત તો એ બની ત્યારથી થઈ ગઈ હતી અને આ વાત નાનું બાળક પણ જાણતું હોવા છતાં શિવસેનાએ કેમ એની નોંધ ન લીધી એ નથી સમજાતું. બીજેપી છેલ્લાં અઢી વર્ષથી સરકાર પાડવાની સતત કોશિશ કરતી હતી, પણ એમાં એને સફળતા નહોતી મળી. મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષના એક-એક નેતાને તેઓ ટાર્ગેટ કરીને બેઠા હતા જેમાં ફાઇનલી એમને સફળતા મળી. કોવિડ પહેલાં આ ત્રણેય પક્ષના નેતાઓને સાથે લઈને સરકારને પાડવાની કોશિશ કરવામાં આવી હતી, પણ ત્યારે શિવસેનાના નેતા પાસે ૧૨, કૉન્ગ્રેસના નેતા પાસે પાંચ અને રાષ્ટ્રવાદીના નેતા પાસે આઠ જ વિધાનસભ્યો હોવાથી સંખ્યાબળના અભાવે આ ઑપરેશન પાર નહોતું પડ્યું. ત્યાર બાદ કોરોના આવી ગયું અને એના પછી મહાવિકાસ આઘાડીએ સાથે મળીને બીજેપીને અમુક ચૂંટણીમાં માત આપી હોવાથી સરકારને આંચ નહોતી આવી.’

એકનાથ શિંદેની નારાજગીનાં કારણો શું છે?
મહાવિકાસ આઘાડીની સરકાર બનવાની હતી ત્યારે એકનાથ શિંદે મુખ્ય પ્રધાનની રેસમાં હતા, પણ એક વખત આ સરકાર બન્યા બાદ ધીમે-ધીમે તેમનું કદ ઘટાડવાની દિશામાં નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું અર્બન ડેવલપમેન્ટ ખાતાના પ્રધાનના ટેકેદારોનું કહેવું છે. તેમની નારાજગીનાં કારણોમાં સૌથી મોટું કારણ હતું કામ કરવા માટે છૂટો દોર ન મળવો. એવું કહેવાય છે કે તેમની મિનિસ્ટ્રીની ફાઇલ પર ઠાકરે ફૅમિલીના ગ્રીન સિગ્નલ બાદ જ તેઓ સહી કરી શકતા હતા. આદિત્ય ઠાકરેની ટીમને એટલું મહત્ત્વ આપવામાં આવે છે કે તેમને નિર્ણય પ્રક્રિયામાંથી પણ દૂર કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ છે. આ સિવાય તેમના અત્યંત વિશ્વાસુ વનપ્રધાન સંજય રાઠોડ પર પૂજા ચવાણની આત્મહત્યાના કેસમાં આરોપ મૂકવામાં આવ્યો ત્યારે તેમને એકલા પાડી દેવામાં આવ્યા હતા અને સંજય રાઠોડ પાસેથી રાજીનામું માગી લેવામાં આવ્યું હતું. જોકે સૌથી મોટું કારણ છે કમ્યુનિકેશન ગૅપ અને સંજય રાઉતની ભૂમિકા. છેલ્લા ઘણા સમયથી સીએમની સાથે તેમનો ડાયરેક્ટ સંપર્ક થતો નહોતો.

હવે શું?
અત્યારના સંજોગોમાં ઉદ્ધવ ઠાકરે બાળ ઠાકરેના એક શિવસૈનિકને મુખ્ય પ્રધાન બનાવવાના સપનાને સાકાર કરવાનું વિચારી શકે છે. જો ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપીને એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવે તો ઘીના ઠામમાં ઘી પડી શકે છે. જોકે એના માટે કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસને તેમણે તૈયાર કરવી પડે, કારણ કે આ જ મુદ્દા પર અઢી વર્ષ પહેલાં સહમતી નહોતી થઈ. બીજો વિકલ્પ છે બીજેપી સાથે યુતિ કરીને દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન અને એકનાથ શિંદેને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાનો. આ સિવાય શિવસેનાના બળવાખોર વિધાનસભ્યો પાર્ટીમાંથી રાજીનામાં આપી દે તો સરકાર અલ્પમતમાં આવી શકે છે અને આવા સંજોગોમાં રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન આવી શકે છે અને બીજેપી આનો ફાયદો લઈને બીએમસીની ચૂંટણી બાદ રાજ્યમાં નવેસરથી ઇલેક્શન લાવે તો નવાઈ નહીં.

maharashtra mumbai news uddhav thackeray shiv sena