મુખ્ય પ્રધાનની હાજરીમાં પચીસ જણને ૫૦ લાખની ચોરાઈ ગયેલી માલમતા પાછી મળી

03 January, 2021 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાનની હાજરીમાં પચીસ જણને ૫૦ લાખની ચોરાઈ ગયેલી માલમતા પાછી મળી

પ્રતીકાત્મક તસવીર

ચેઇન-સ્નૅચિંગ, મોબાઇલ-સ્નૅચિંગ, ઘરનોકર દ્વારા થયેલી ચોરીઓમાં પોતાના સોનાના દાગીના અને મોબાઇલ ગુમાવનાર કેટલાક મુંબઈગરાઓને ૧ જાન્યુઆરીએ નવા વર્ષની ગિફ્ટ મળી હતી. મુંબઈ પોલીસે તેમના ચોરાયેલા દાગીના, મોબાઇલ ફોન જેવી કીમતી જણસો તેમને પાછી આપી હતી. ૧ જાન્યુઆરીએ સીપી કમ્પાઉન્ડમાં આયોજિત કરાયેલા એક ખાસ ફન્ક્શનમાં રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને મુંબઈના પોલીસ કમિશનર પરમબીર સિંહે તેમને એ મતા પાછી આપતાં તેમના મો પર ખુશી છવાઈ ગઈ હતી.

મુંબઈ પોલીસના સાઉથ રિજનનાં પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કેસ અને ત્યાર બાદ એને ઉકેલી આરોપી પાસેથી પાછી મેળવાયેલી મતા પાછી આપવામાં આવી હતી. આ વિશે માહિતી આપતાં ડીસીપી (પીઆરઓ) ચૈતન્ય એસ.એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પચીસ જેટલા લોકોને તેમની મતા પાછી આપવામાં આવી હતી. કુલ ૫૦ લાખની મતા હતી, જેમાં સોનાનાં ઘરેણાં, મોબાઇલ ફોન અને રોકડનો પણ સમાવેશ થતો હતો. ૮ જણને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એ મતા પાછી સોંપી હતી, જ્યારે અન્યોને કમિશનર પરમબીર સિંહે મતા આપી હતી.’

કોલાબા પોલીસ સ્ટેશનનો એક કેસ ૨૦૦૯નો એવો હતો જેમાં ઘરનોકરે ચોરી કરી હતી સોનાની ચેઇન અને બંગડીઓ જેવી વસ્તુઓ હતી. જોકે ફરિયાદી મહિલાનું મૃત્યુ થયું હોવાથી તેની બહેને એ મતાનો સ્વીકાર કર્યો હતો. બીજા વીપી રોડ પોલીસ સ્ટેશનના એક કેસમાં ગુજરાતી સિનિયર સિટિઝન મહિલાના ઘરમાંથી ૨૦૧૯માં પણ દાગીના ચોરાયા હતા, જે પાછા આપવામાં આવ્યા હતા. મરિન ડ્રાઇવ પોલીસ સ્ટેશનના અને પાયધુની પોલીસ સ્ટેશનના પણ ૪-૪ કેસ હતા.

mumbai mumbai news maharashtra