સવારે ‌રિક્ષા ચલાવીને રાતે ચોરી કરનારની રેલવે પોલીસે કરી ધરપકડ

06 December, 2019 10:34 AM IST  |  Mumbai

સવારે ‌રિક્ષા ચલાવીને રાતે ચોરી કરનારની રેલવે પોલીસે કરી ધરપકડ

રાતે ઉજાગરો કરીને લાખો રૂ‌પિયા કમાવાનો પ્લાન ‌નિષ્ફળ

સવારે ‌રિક્ષા ચલાવીને રાતે ભાઈંદર રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ પર સૂતેલા પ્રવાસીઓની વસ્તુઓની ચોરી કરવા બદલ ‌રિક્ષા-ડ્રાઇવરની રેલવે સુરક્ષા દળે ધરપકડ કરી છે એથી રાતે જાગીને લાખો રૂ‌પિયા કમાવાનો તેનો પ્લાન ‌‌નિષ્ફળ ગયો હતો.

નાલાસોપારામાં રહેતો જ્ઞાનદીપ પાંડે ભાઈંદરની હૉસ્પિટલમાં સર્જિકલ સામાન સપ્લાય કરવાનું કામ કરે છે. સપ્લાય કરવા માટે તે ૨૬ નવેમ્બરે રાબેતા મુજબ હૉસ્પિટલ પહોંચ્યો હતો. કામ પૂરું થયા બાદ તે પ્લૅટફૉર્મ પર આવ્યો હતો, પરંતુ વિરાર તરફ જતી લોકલ ટ્રેન જતી રહી હતી.

ત્યાર બાદ સવાર ‌સિવાય કોઈ લોકલ ટ્રેન ન હોવાથી તે પ્લૅટફૉર્મ નંબર-પાંચ પરના બાંકડા પર બેઠો રહ્યો હતો અને થોડા સમયમાં જ તેની આંખ લાગી ગઈ હતી. સવારે લગભગ ચારથી પાંચ વાગ્યા દરમ્યાન એક અન્ય વ્ય‌ક્તિ તેની પાસે આવીને બેસી ગઈ હતી અને ચાન્સ મળતાં જ્ઞાનદીપનો સ્માર્ટફોન તફડાવવામાં તે સફળ રહ્યો હતો. જોકે મોબાઇલચોરી ‌વિશે જાણ થતાં જ્ઞાનદીપે વસઈ રેલવે પોલીસ સ્ટેશને ફ‌રિયાદ નોંધાવી હતી.

ફ‌રિયાદ અનુસાર રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર ‌વિનાયક ‌શિંદેએ પ્લૅટફૉર્મ પર રાઉન્ડ કરવાનો આદેશ ટીમને આપ્યો હતો. રાઉન્ડ દરમ્યાન સવારે ભાઈંદરના પ્લૅટફૉર્મ નંબર-૬ પર એક વ્ય‌ક્તિ પોલીસને શંકાસ્પદ જણાઈ હતી એટલે પોલીસે અટકાવીને તેની સઘન પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો : લોકલ હો ના હો: હાર્બર લાઇનમાં ચાલતી ટ્રેનમાંથી પ્રવાસીને ફેંકી દીધો

તપાસમાં જાણવા મળ્યું કે તે ‌દિવસે ‌રિક્ષા ચલાવતો હતો અને રાતે પ્લૅટફૉર્મ પર સૂતેલા પ્રવાસીઓની વસ્તુઓ ચોરતો હતો. પોલીસ-તપાસમાં ‌રિક્ષા-ડ્રાઇવરે જ્ઞાનદીપનો મોબાઇલ ચોર્યો હોવાની પણ કબૂલાત કરી હતી. ત્યાર બાદ પોલીસે રામપુ‌નિત ઝા નામના રિક્ષા-ડ્રાઇવરની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

nalasopara bhayander mumbai news mumbai