થાણેમાં ૯૧ ટકા લોકોમાં કોરોના સામે લડવા ઍન્ટિ-બૉડીઝ મળ્યાં

27 November, 2021 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે સુધરાઈના કમિશનર ડૉ. વિપિન શર્માએ લોકોને આહવાન કર્યું છે કે નાગરિકોમાં સંતોષકારક ઍન્ટિ-બૉડીઝ તૈયાર થયાં છે, પરંતુ નાગરિકોએ માસ્ક અને સૅનિટાઇઝરના ઉપયોગની સાથે સતત હાથ ધોતા રહેવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.

થાણેમાં ૯૧ ટકા લોકોમાં કોરોના સામે લડવા ઍન્ટિ-બૉડીઝ મળ્યાં

કોવિડ-19 વૅક્સિનેશન શરૂ કરાયા બાદ કેટલા લોકોમાં ઍન્ટિ-બૉડીઝ તૈયાર થયાં છે એ જાણવા માટે થાણે મહાનગરપાલિકા દ્વારા સીરો સર્વિલન્સ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં જણાઈ આવ્યું છે કે ૯૧ ટકા થાણેવાસીઓમાં ઍન્ટિ-બૉડીઝ તૈયાર થયાં છે. થાણે સુધરાઈના કમિશનર ડૉ. વિપિન શર્માએ લોકોને આહવાન કર્યું છે કે નાગરિકોમાં સંતોષકારક ઍન્ટિ-બૉડીઝ તૈયાર થયાં છે, પરંતુ નાગરિકોએ માસ્ક અને સૅનિટાઇઝરના ઉપયોગની સાથે સતત હાથ ધોતા રહેવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. એટલું જ નહીં ઑફિસ, ઘર અને કામકાજના સ્થળે હવાની અવરજવર બરાબર થાય એનું ધ્યાન રાખવાનું પાલન કરવું જોઈએ.
થાણે સુધરાઈના કમિશનરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘થાણેમાં ૧૨થી ૩૦ ઑક્ટોબર દરમ્યાન સીરો સર્વિલન્સ એટલે કે સીરો સર્વે કરવામાં આવ્યો હતો. ૬થી ૧૭ વર્ષ, ૧૮થી ૩૦ વર્ષ, ૩૦થી ૪૫ વર્ષ અને ૪૫થી ૬૦ વર્ષ અને ૬૦ વર્ષથી મોટી ઉંમરના મળીને કુલ ૧૫૭૧ લોકોના બ્લડના નમૂના લેવામાં આવ્યા હતા. ૮૬૬ પુરુષ અને ૭૦૮ મહિલાઓનો આમાં સમાવેશ હતો.’ ‍

ઇમારતોમાં રહેતા નાગરિકોમાં ૯૩.૩૨ ટકા તો ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોમાં ૮૮.૧૨ ટકા મળીને કુલ ૯૧ ટકા નાગરિકોમાં ઍન્ટિ-બૉડીઝ મળી આવ્યાં હતાં. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના સીરો સર્વે દરમ્યાન માત્ર ૪૮ ટકા લોકોનું વૅક્સિનેશન થયું હતું. આથી તેમનામાં ઓછાં ઍન્ટિ-બૉડીઝ મળી આવ્યાં છે. થાણેમાં આ સર્વે દરમ્યાન ૬૪ ટકા લોકોએ પહેલો અને ૩૭ ટકા લોકોએ વૅક્સિનનો બીજો ડોઝ લીધો હતો. પુરુષોમાં ૮૯.૬૧ ટકા તો સ્ત્રીઓમાં ૯૧.૯૧ ટકા ઍન્ટિ-બૉડીઝ મળી આવ્યાં છે.

યુરોપ, અમેરિકા, રશિયાના પ્રવાસીઓ માટે જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ ફરજિયાત બનશે

પશ્ચિમી દેશોમાં કોવિડના કેસમાં ઉછાળો આવતાં બીએમસીએ રાજ્યના ટાસ્ક ફોર્સના સભ્યોને યુરોપ, અમેરિકા અને રશિયાથી આવતા પ્રવાસીઓ માટે જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ ફરજિયાત બનાવવાની માગણી કરી હતી. ક્રિસમસને અનુલક્ષીને દેશમાં વિદેશી પ્રવાસીઓનો ધસારો વધવાની સંભાવનાને લઈને તેમ જ પશ્ચિમી દેશોમાં કોવિડના કેસમાં નોંધાયેલા ઉછાળાને પગલે દેશમાં મહામારી ફેલાવાના ભયને ધ્યાનમાં લેતાં આ પગલું લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘બીએમસી શહેરમાં કોવિડનો પ્રસાર રોકવા તમામ આવશ્યક પગલાં લઈ રહ્યું છે. કોવિડથી અસરગ્રસ્ત દેશોમાંથી મુંબઈ આવનારા પ્રવાસીઓનાં સૅમ્પલ્સ લેવાઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય દેશોમાં કોવિડના કેસ વધવા માટે જવાબદાર મનાતા કોવિડ વેરિઅન્ટ વિશે પણ માહિતી મગાવી છે.’
દરમ્યાન, શહેરમાં ગઈ કાલે ૩૪,૬૯૦ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાં ૦.૬૬ ટકા પૉઝિટિવિટી સાથે ૨૩૦ કેસ નોંધાયા હતા. ગઈ કાલે મુંબઈમાં ૩ દરદીનાં મૃત્યુ થયાં હતાં, જેમાં એક દરદી ૪૦થી ૬૦ વર્ષની વયનો હતો તો બાકીના બે દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૩૨૨ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે ૨૪૮ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૬૨,૧૮૫ કેસમાંથી ૭,૪૦,૯૫૭ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો સહેજ ઘટીને ૨,૩૪૩ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ ટકા યથાવત્‌ રહી છે. કેસ ડબલિંગનો દર વધારા સાથે ૨,૬૮૨ દિવસ થયો છે. ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ૧૫ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૯૯૨ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૩૧ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

Mumbai mumbai news coronavirus covid vaccine covid19