નેટ બોલર તરીકે પસંદગીના નામે હરિયાણાના યુવાન સાથે મુંબઈમાં ૫૦,૦૦૦ની છેતરપિંડી

11 April, 2021 10:35 AM IST  |  Mumbai | Mehul Jethva

ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની તક મળતી હોવાથી આશિષનો પરિવાર નાણાં ખર્ચવા તૈયાર થયો હતો

પ્રતીકાત્મક તસવીર

હરિયાણામાં રહેતા એક ક્રિકેટપ્રેમીને આઇપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના નેટ બોલર તરીકે તેની પસંદગી થઈ છે એમ કહી મુંબઈની ફાઇવસ્ટાર હોટેલમાં બોલાવી તેની સાથે ૫૦,૦૦૦ રૂપિયાની છેતરપિંડી કરવાની ફરિયાદ મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવી છે. હરિયાણાના ફરીદાબાદમાં સ્થાનિક ક્રિકેટ રમતો આશિષ પાંડે ઇન્સ્ટાગ્રામ પર રાકેશ ગોસ્વામી નામની વ્યક્તિને મળ્યો હતો. રાકેશે કહ્યું કે તેને ચેન્નઈ સુપર કિંગ્સમાં નેટ બોલર તરીકે નિયુક્ત કરી શકાય એમ છે, પરંતુ એની કિંમત ૫૦,૦૦૦ રૂપિયા થશે. ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની તક મળતી હોવાથી આશિષનો પરિવાર નાણાં ખર્ચવા તૈયાર થયો હતો. રાકેશે આશિષને પૈસા લઈને મુંબઈની ફાઇવસ્ટાર હોટેલમાં બોલાવ્યો હતો આશિષ વિમાન દ્વારા મુંબઈ પહોંચ્યા પછી રાકેશ તેને ફાઇવસ્ટાર હોટેલના દરવાજે મળ્યો હતો. પછી રાકેશના બૅન્ક-અકાઉન્ટમાં દસ હજાર રૂપિયા અને અન્ય રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી. રાકેશ બે કલાકમાં ચેન્નઈ સુપર કિંગ્સનું ટી-શર્ટ અને આઇડેન્ટિટી કાર્ડ મેળવી લેશે એવો દાવો કર્યા પછી ગાયબ થઈ ગયો હતો. આશિષે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ સંપર્ક થઈ શક્યો નહોતો. તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો અહેસાસ થતાં જ તેણે મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નેટ બોલર એટલે શું?

ટીમના મેઇન બોલરો પર દબાણ ન આવે એ માટે ટીમની પસંદગી દરમિયાન નેટ બોલરને બોલિંગ નાખવા માટે રાખવામાં આવે છે. જો બોલિંગ સારી લાગે તો ભવિષ્યમાં તેમને ટીમમાં સામેલ કરવામાં આવે છે.

mumbai mumbai news Crime News mumbai crime news mehul jethva