મુંબઈમાં છે ૮૯ ટકા દરદી ઓમાઇક્રોનના

25 January, 2022 07:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ મહાનગરપાલિકાએ કરેલા ૮મા સીરો સર્વેમાં ત્રણ ટકા જ ડેલ્ટા વેરિઅન્ટ અને આઠ ટકા ડેલ્ટા ડેરીવેટિવ્ઝ મળી આવ્યા

મુંબઈમાં છે ૮૯ ટકા દરદી ઓમાઇક્રોનના

કોવિડ-19ના કયા વેરિઅન્ટનું ઇન્ફેક્શન દરદીને થયું છે એ ચકાસવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અમુક સમયના અંતરે સીરો સર્વેક્ષણ કરવામાં આવે છે. લૅટેસ્ટ સીરો સર્વેમાં મુંબઈમાં ૮૯ ટકા દરદીને ઓમાઇક્રોન વાઇરસનું ઈન્ફેક્શન થયું હોવાનું જણાઈ આવ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં ૩૭૩ કોવિડના દરદીઓના લોહીનાં સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાંથી ૨૮૦ દરદી મુંબઈ સુધરાઈની હદમાં રહે છે. બાકીના દરદી મુંબઈની આસપાસના હતા. ઓમાઇક્રોન ઉપરાંત ૮ ટકા દરદીને ડેલ્ટા ડેરીવેટિવ્ઝ તો ૩ ટકા ડેલ્ટા વેરિઅન્ટના જણાયા હતા, જ્યારે ૧૧ દરદીને કોરોનાના બીજા વાઇરસનું સંક્રમણ થયું હોવાનું સર્વેમાં જણાઈ આવ્યું હતું.
મુંબઈ શહેરના ૨૮૦ દરદીમાંથી ૩૪ ટકા એટલે કે ૯૬ દરદી ૨૧થી ૪૦ વર્ષની વયના હતા. ૨૮ ટકા એટલે કે ૭૯ દરદી ૪૧થી ૬૦ વર્ષના તો ૨૫ ટકા એટલે કે ૬૯ દરદી ૬૧થી ૮૦ વર્ષના, ૮ ટકા એટલે કે ૨૨ દરદી નવજાત બાળકથી ૨૦ વર્ષની વયના, ૫ ટકા એટલે કે ૧૪ દરદી ૮૧થી ૧૦૦ વર્ષની ઉંમરના હતા.
૨૮૦ કોવિડ દરદીમાંથી ૯૯ દરદીએ કોવિડની રસીનો એક પણ ડોઝ નહોતો લીધો, જેમાંથી ૭૬ દરદીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા હતા. ૧૨ દરદીને ઑક્સિજનની અને પાંચ દરદીને આઇસીયુની જરૂર પડી હતી. ૭ દરદીએ રસીનો એક ડોઝ લીધો હતો, જેમાંથી ૬ દરદીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા હતા. ૧૭૪ દરદીએ વૅક્સિનના બંને ડોઝ લીધા હોવા છતાં એમાંથી ૮૯ દરદીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા હતા. આમાંથી બે દરદીને ઑક્સિજનની જરૂર પડી હતી તો ૧૫ દરદીને આઇસીયુમાં રાખવા પડ્યા હતા.
ઑગસ્ટ ૨૦૨૧થી સીરો સર્વે કરવામાં આવી રહ્યો છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ કરાયેલા સર્વેમાં ૫૫ ટકા કોવિડના દરદીમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમાઇક્રોન જોવા મળ્યો હતો. ૩૨ ટકા દરદીમાં ડેલ્ટા ડેરીવેટિવ્ઝ અને ૧૩ ટકા દરદીમાં ડેલ્ટા વેરિઅન્ટ જોવા મળ્યો હતો. 

ઓમાઇક્રોને કેવી રીતે ડેલ્ટાને રિપ્લેસ કર્યો

ઑગસ્ટ ૨૦૨૧ : ૬૮ ટકા સૅમ્પલ ડેલ્ટાના તો ૧૩ ટકા કપ્પા વેરિઅન્ટ
સપ્ટેમ્બર ૨૦૨૧ : ૮૧ ટકા ડેલ્ટા
ઑક્ટોબર ૨૦૨૧ : ૮૮ ટકા ડેલ્ટા વેરિઅન્ટ અને ડેરીવેટિવ્ઝ
નવેમ્બર ૨૦૨૧ : ૯૯ ટકા ડેલ્ટા વેરિઅન્ટ અને ડેરીવેટિવ્ઝ
ડિસેમ્બર ૨૦૨૧ : ૯૯ ટકા ડેલ્ટા વેરિઅન્ટ અને ડેરીવેટિવ્ઝ
ડિસેમ્બર ૧૫, ૨૦૨૧ : ૯૭ ટકા ડેલ્ટા વેરિઅન્ટ અને ડેરીવેટિવ્ઝ, ૨ ટકા ઓમાઇક્રોન
ડિસેમ્બર ૩૧, ૨૦૨૧ : ૫૫ ટકા ઓમાઇક્રોન, ૪૫ ટકા ડેલ્ટા ડેરીવેટિવ્ઝ અને વેરિઅન્ટ
જાન્યુઆરી ૨૦૨૨ : ૮૯ ટકા ઓમાઇક્રોન, ૮ ટકા ડેલ્ટા ડેરીવેટિવ્ઝ 

Mumbai mumbai news coronavirus covid19 Omicron Variant