વૉટ એ ટ્રેન્ડ: સંગીત સંધ્યાને બદલે નાટક સંધ્યા

22 January, 2020 07:36 AM IST  |  Mumbai

વૉટ એ ટ્રેન્ડ: સંગીત સંધ્યાને બદલે નાટક સંધ્યા

નાટક સંધ્યા

મુલુંડમાં રહેતા અને કન્સ્ટ્રક્શન લાઇન સાથે સંકળાયેલા કચ્છી કડવા પાટીદાર શાંતિભાઈ સેંધાણીના દીકરા હિરેનના ગયા વીકમાં મેરેજ થયા જેમાં સંગીત સંધ્યાના સ્થાને નાટ્ય સંધ્યા રાખીને મેરેજના પ્રસંગોમાં એક નવો ચિલો ચાતરવાનું શરૂ કર્યું. શાંતિભાઈ સેંધાણીને આ વિચાર તેમની દીકરી શ્રૃતિએ આપ્યો હતો. શાંતિભાઈએ કહ્યું હતું કે ‘સંગીત સંધ્યામાં કોઈને ગમે, કોઈને ન ગમે એવું બને તો સાથોસાથ એવું પણ થાય કે એનો ઘોંઘાટ બધાએ સહન કરવો પડે. બીજાને તકલીફ ન પડે એટલે કંઈક નવું કરવાનું વિચારતા હતા એમાં નાટકનો વિચાર આવ્યો. નવો વિચાર હતો અને નાટક ‘પપ્પા મારા પાવરબૅન્ક’ નાટક પણ સૌકોઈએ જોવાલાયક હતું એવું લાગતાં અમે નાટકનો શો રાખ્યો.’

લગ્નપ્રસંગે નાટક રાખવામાં આવ્યું હોય એવું ક્યારેય બનતું નથી એટલે કલાકારોને પણ જ્યારે ખબર પડી ત્યારે તેમને પણ આ વાતનું અચરજ થયું હતું. ‘પપ્પા મારા પાવરબૅન્ક’ના મુખ્ય કલાકાર મુની ઝાએ કહ્યું હતું, ‘અમે શો માટે ડોમ્બિવલી સાવિત્રીબાઈ ફુલે ઑડિટોરિયમ પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે આ લગ્નનો શો છે. ખરેખર અમારી માટે આનંદની વાત હતી કે કોઈ આવું વિચારી શકે.’

‘પપ્પા મારા પાવરબૅન્ક’ નાટક પસંદ કરવાનું કારણ સમજાવતાં નાટકના ઑર્ગેનાઇઝર રાજેન્દ્રભાઈ અગરબત્તીવાળાએ કહ્યું હતું કે ‘પપ્પા એ માત્ર નામના પપ્પા નથી, તે બધાની માટે પાવરબૅન્ક સમાન હોય છે. નાટકની વાર્તા જ એ પ્રકારની છે કે દરેક અપરીણિત સંતાનોએ અને ખાસ તો દીકરાએ જોવું જોઈએ.’

આ પણ વાંચો : પહેલાં ગુમ થયેલી મતા શોધે છે પછી તેના માલિકોને શોધે છે જીઆરપી

હિરેન અને દેવાંશીનાં લગ્નપ્રસંગે રાખવામાં આવેલા આ નાટકના શોમાં બન્ને પક્ષના સાતસોથી વધારે મહેમાનોએ નાટક જોયું હતું. નાટક પછી અનેક લોકોની આંખમાં આંસુ હતાં તો અનેક દીકરાઓએ જઈને પપ્પાને પોતાના બેજવાબદારીભર્યા વર્તન માટે ‘સૉરી’ પણ કહ્યું હતું.

mulund mumbai news mumbai