દાદરમાં કૉન્સ્ટેબલે રજાને લઈને કર્યો ભારે હંગામો

14 June, 2020 12:35 PM IST  |  Mumbai Desk | anurag kamble

દાદરમાં કૉન્સ્ટેબલે રજાને લઈને કર્યો ભારે હંગામો

ત્રણ કલાકની જહેમત બાદ આખરે કૉન્સ્ટેબલ અગાસી પરથી નીચે આવ્યો.

મુંબઈ પોલીસની તાડદેવની હથિયાર બ્રાન્ચ સાથે સંકળાયેલા ૨૯ વર્ષના પોલીસ કૉન્સ્ટેબલ સુશાંત પવારને ગામ જવા માટે રજા મંજૂર થતી ન હોવાથી અકળાઈને તે દાદર-ઈસ્ટમાં આવેલા ગ્રાઉન્ડ+૪ માળના શિંદેવાડી બિલ્ડિંગના છજા પર આત્મહત્યા કરવાના ઇરાદાથી ચડી ગયો હતો અને ઝંપલાવી દેવાની ધમકી આપી રહ્યો હતો. ૧૨.૧૫ વાગ્યે આ બાબતની જાણ ફાયરબ્રિગેડ અને પોલીસને કરાઈ હતી. ત્રણ કલાકની ભારે સમજાવટના અંતે અને તેની રજા મંજૂર કરાશે એની ખાતરી આપ્યા બાદ તે નીચે ઊતર્યો હતો અને આમ તેને ઉગારી લેવામાં આવ્યો હતો. 

કોઈકે તેને છજા પર બેસેલો જોયો એટલે‍ તરત અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર રાહુલ લોખંડેનો સંપર્ક કરીને કહ્યું હતું કે એક વ્યક્તિ બ્લૅક શૂઝ અને ખાખી પેન્ટ પહેરીને શિંદેવાડી બિલ્ડિંગના છજા પર બબડતો-બબડતો આંટા મારી રહ્યો છે. એથી લોખંડે તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે લોકલ ભોઈવાડા પોલીસ-સ્ટેશનને અને ફાયરબ્રિગેડને આ વિશે જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં તરત ફાયરબ્રિગેડના જવાનો પહોંચી ગયા હતા અને તેને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

એ જે રીતે બિન્દાસ છજા પર આંટા મારી રહ્યો હતો એ જોતાં તે ગમે ત્યારે ઝંપલાવી દે અથવા ત્યાંથી પડી જાય એવી શક્યતા હતી એથી સાવચેતી ખાતર જમીન પર એટલા ભાગમાં જમ્પિંગ શીટ અને ગાદલાં પણ પાથરવામાં આવ્યાં હતાં.
ફાયરબ્રિગેડ કન્ટ્રોલે જણાવ્યા અનુસાર એ પછી ફાયરબ્રિગેડના જવાનોએ તેની સાથે વાતચીત કરતાં તેણે કહ્યું કે ‘મારે ગામ જવું હતું, પણ મારા સિનિયર્સ મને રજા નહોતા આપી રહ્યા.’ એ પછી તેને બહુ સમજાવવામાં આવ્યો અને ખાતરી અપાઈ કે તને ગામ જવાની રજા અપાશે ત્યારે તે આખરે નીચે ઊતર્યો હતો. ત્યાર બાદ તેની સોંપણી સ્થાનિક ભોઈવાડા પોલીસને કરાઈ હતી જેમણે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું.

dadar mumbai mumbai news anurag kamble