24 June, 2025 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભાઈંદરમાં એક ટ્યુશન ક્લાસિસના ટીચરે કૉલેજના પહેલા વર્ષમાં ભણતી વિદ્યાર્થિની પર તેની કરીઅર વિશે ચર્ચા કરવાના બહાને ક્લાસિસમાં જ બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ એક વર્ષ સુધી ભણાવવાના બહાને ક્લાસિસમાં અને વિદ્યાર્થિનીના ઘરે તેનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો. છેવટે વિદ્યાર્થિનીએ પોલીસ-ફરિયાદ નોંધાવતાં ૫૦ વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ભાઈંદરના નવઘર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવવા મુજબ બૅચલર ઑફ આર્ટ્સ (BA)માં પહેલા વર્ષમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની સગીરાને તેની કરીઅર વિશે ચર્ચા કરવાના બહાને ક્લાસિસમાં જ બળાત્કાર કર્યા બાદ આરોપીએ ૨૦૨૩ના ઑક્ટોબર મહિનાથી ૨૦૨૪ના નવેમ્બર મહિના સુધી અનેક વખત તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે કોઈ હાજર ન હોય ત્યારે ક્લાસિસમાં કે વિદ્યાર્થિનીના ઘરમાં ભણાવવાના બહાને તેનું શારીરિક શોષણ કરતો હતો. આ વિશે વિદ્યાર્થિની કોઈને જાણ ન કરે એ માટે તેને ધમકી પણ આપી હતી. જોકે વિદ્યાર્થીએ કંટાળીને તેની મમ્મીને આ વિશે જણાવ્યું હતું. તેમણે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.