બોરીવલીની આ હૉસ્પિટલમાંથી જપ્ત કરાઈ ગેરકાયદે વેચાતી સેક્સ પાવર વધારવાની ગોળીઓ, જાણો વિગત

26 January, 2023 01:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના હેડક્વાર્ટર ખાતેના ઈન્ટેલિજન્સ ડિવિઝનને મુંબઈમાં બોડી બિલ્ડિંગ માટે સ્ટેરોઈડ ઈન્જેક્શન અને અન્ય દવાઓના ગેરકાયદે વેચાણ વિશે વિશ્વસનીય માહિતી મળી હતી

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (Food And Drug Administration) મુંબઈ સબર્બન ડિવિઝનમાં એક મોટા ઑપરેશનમાં રૂા. 52 લાખ 27 હજારની કિંમતની દવાઓ જપ્ત કરી છે. બોરીવલી (Borivali)ની ભગવતી હૉસ્પિટલ (Bhagwati Hospital)માં આ બોડી બિલ્ડિંગ અને સેક્સ પાવર પિલ્સ ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સ્થાનિક પોલીસની મદદથી આ કાર્યવાહી કરી હતી.

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના હેડક્વાર્ટર ખાતેના ઈન્ટેલિજન્સ ડિવિઝનને મુંબઈમાં બોડી બિલ્ડિંગ માટે સ્ટેરોઈડ ઈન્જેક્શન અને અન્ય દવાઓના ગેરકાયદે વેચાણ વિશે વિશ્વસનીય માહિતી મળી હતી. આ માહિતીના આધારે પ્રશાસનના ઈન્ટેલિજન્સ અને બૃહન્મુંબઈ ડિવિઝનના અધિકારીઓએ 24 જાન્યુઆરીએ સ્થાનિક પોલીસની મદદથી બોરીવલીની ભગવતી હૉસ્પિટલ પાસે જાળ બિછાવી હતી. નકલી ગ્રાહકો મોકલીને, તેમને સ્ટેરોઇડ્સ અને સેક્સ વર્ધક ગોળીઓ વેચતા એક વ્યક્તિને રંગે હાથે પકડ્યો હતો.

આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ ગેરકાયદેસર દવાઓ કોશર ફાર્માસ્યુટિકલ્સ નામની પેઢી દ્વારા સપ્લાય કરવામાં આવી રહી છે. ખાદ્ય અને ઔષધ વિભાગે બોરીવલીના એસવી રોડ સ્થિત આનંદ એપાર્ટમેન્ટમાં પેઢી પર દરોડા પાડીને કામોત્તેજક દવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.

આ ગેરકાયદેસર રીતે વેચાતી દવાઓમાં ટેસ્ટોસ્ટેરોન, ઓક્સેન્ડ્રોલોન, સ્ટેનોઝોલોલ, એસ્ટ્રાડીઓલ, મેસ્ટેરોલોન, બોલ્ડેનોન, નેન્ડ્રોલોન, એડેનોસિન મોનો ફોસ્ફેટ સહિત સિલ્ડેનાફિલ અને ટેડાલાફિલ ગોળીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ ફોર્મમાં આ દવાઓ રાખવા અને વેચવાનું પણ કોઈ લાઇસન્સ નથી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જણાવ્યા અનુસાર, આ દવાઓ માત્ર ડૉક્ટરની સલાહ પર જ લઈ શકાય છે.

આ પણ વાંચો: બોગસ પાસપોર્ટ-વિઝા બનાવવાના રૅકેટમાં બે જણની ધરપકડ

ઉલ્લેખનીય છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જપ્ત કરાયેલી આ ગેરકાયદેસર સેક્સ પાવર અને બોડી બિલ્ડિંગ ડ્રગ્સની બજાર કિંમત લગભગ 52 લાખ છે. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ આ રેકેટ કેટલું મોટું છે અને આ દવાઓ કેવી રીતે અને ક્યાં ગેરકાયદેસર રીતે વેચાઈ રહી છે તેની પણ તપાસ કરી રહી છે.

mumbai mumbai news borivali sex and relationships