રસ્તા પર મળતી તળેલી આઇટમો ખાવાનો ચટાકો હોય તો સાવધ થઈ જજો

24 September, 2021 08:06 AM IST  |  Mumbai | Mehul Jethva

... કારણ કે ફેરિયાઓ એ બનાવવા માટે અનેક વાર ઉપયોગમાં લેવાયેલા તેલ પર કેમિકલ પ્રક્રિયા કરીને એને વાપરતા હોય છે અને આનું પ્રમાણ બહુ જ વધી ગયું છે : તેમના પર ઠેકઠકાણે રેઇડ પાડવાનું શરૂ થઈ ગયું છે

રસ્તા પર મળતી તળેલી આઇટમો ખાવાનો ચટાકો હોય તો સાવધ થઈ જજો

મુંબઈમાં બ્લીચિંગ તેલ (એટલે કે અનેક વાર ફ્રાય કરવા માટે વપરાયેલા તેલ પર કેમિકલ પ્રક્રિયા કરેલું તેલ) વેચતા લોકો પર મુંબઈ વિભાગના ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)એ કાર્યવાહી કરી છે. આ બ્લીચિંગ તેલનો ઉપયોગ મુંબઈના નાના હોટેલિયરો અને રોડસાઇડ બેસતા ફેરિયાઓ ખાદ્ય પદાર્થો બનાવવા માટે કરતા હોવાનું જાણવા મળ્યું છે. એ ખાવાથી તમારી હેલ્થને નુકસાન થઈ શકે છે.
આજકાલની ભાગદોડની લાઇફમાં મોટા ભાગના લોકો રોડસાઇડ ફાસ્ટ ફૂડ ખાવાનું પસંદ કરતા હોય છે. એમાં પણ મોટા ભાગના મુંબઈગરાઓને વડાપાઉં, સમોસા, ચાઇનીઝ જેવી વાનગીઓ ખાવી પસંદ હોય છે. રોડ પર બેસતા આ ફેરિયાઓ કે પછી નાના હોટેલિયરો આ વાનગીઓ બનાવવા માટે કયું તેલ વાપરતા હોય છે અને એ ક્યાંથી આવતું હોય છે એ વિશે તમે ક્યારેય વિચાર કર્યો છે? એફએસએસએઆઇના અધિકારીઓએ મુંબઈના કેટલાક વિસ્તારોમાં ‘રુકો મિશન’ અંતર્ગત રેઇડ પાડી હતી. એમાં તેમણે વપરાયેલા તેલ પર કેમિકલ પ્રક્રિયા એટલે કે બ્લીચિંગ કરીને એને ફરી ઉપયોગમાં લેતા બે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેઓ મુંબઈની મોટી ફાસ્ટ ફૂડ કંપનીઓ પાસેથી એમનું અનેક વાર ઉપયોગમાં લેવાયેલું તેલ લઈ એના પર બ્લીચિંગ કરીને એને ફરી નાના સ્ટૉલવાળાઓને વેચતા હતા.
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બ્લીચિંગ કરેલું તેલ શરીર માટે ઘાતક ગણાય છે. જોકે નાના સ્ટૉલધારકોને આ તેલ માત્ર ૫૦થી ૬૦ રૂપિયે લિટર મળતું હોવાથી તેઓ એનો વપરાશ કરતા હોય છે. ફૂડ સેફ્ટીના કાયદા પ્રમાણે ફ્રેશ તેલનો ત્રણ વખત ઉપયોગ કરવામાં આવે એ પછી એનો ઉપયોગ ખાવાની કોઈ પણ વસ્તુ માટે કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ફૂડ સેફ્ટીના કાયદા પ્રમાણે આ તેલ સાબુ અથવા તો બાયો-ડીઝલ બનાવવાના ઉપયોગમાં લઈ શકાય. જોકે કેટલાક લોકો એને રોડસાઇડ ફેરિયાઓને વેચતા હોય છે અને એ જ તેલમાંથી ફૂડ-સ્ટૉલવાળાઓ આઇટમો બનાવીને તમને આપતા હોય છે. એ ખાવાથી હાઇપરટેન્શન, હાર્ટ રિલેટેડ બીમારી,  લિવરને લગતી બીમારીઓ, લોહી જાડું થવું, ખૂજલીને લગતી બીમારી, પાચનને લગતી બીમારીઓ થઈ શકે છે.
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાનાં વેસ્ટ રીજનનાં ડિરેક્ટર (આઇઆરએસ) પ્રીતિ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખાદ્ય પદાર્થો માટે વપરાતા તેલ પર પ્રક્રિયા કરીને ફરી એને ઉપયોગમાં લેવામાં ન આવે એ માટે અમે વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે. એ અંતર્ગત અમે ૩૦ કાર્યવાહી પણ કરી છે. મુંબઈના ધારાવીમાં અમે નૂર શૉપ અને કેજીએન ઑઇલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. એની સાથે તેઓ પર વૉચ રાખીને તેઓ ક્યાંથી તેલ લેતા હતા અને કોને વેચતા હતા એના પર અમારી તપાસ ચાલુ છે.’

Mumbai mumbai news mehul jethva