પ્રધાન નહીં બનાવો તો ચાલશે, પણ બીજેપી સાથે સરકાર બનાવો

22 June, 2022 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બળવો કરનારા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન વાત કરીને વચન આપવાનું કહ્યું

એકનાથ શિંદે


શિવસેનાના ૩૫ જેટલા વિધાનસભ્યો સાથે બળવો કરીને સુરતની હોટેલમાં પહોંચેલા કૅબિનેટ પ્રધાન એકનાથ શિંદેએ પહેલાં તેમના ત્રણ વિધાનસભ્યોને ઉદ્ધવ ઠાકરેના વર્ષા ખાતેના નિવાસસ્થાને મોકલ્યા હતા અને બીજેપી સાથે સરકાર બનાવો અને મને નાયબ મુખ્ય પ્રધાન બનાવો તો ‌‌મારા સહિત કોઈ શિવસેના નહીં છોડે એવો મેસેજ મોકલ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેનો આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો અને તેમની સાથે વાત કરવા માટે મિલ‌િંદ નાર્વેકર અને રવીન્દ્ર ફાટકને સુરત મોકલ્યા હતા. તેમની સાથેની વાતચીતમાં પણ એકનાથ શિંદેએ પોતાની વાત દોહરાવી હતી. આ સમયે ઉદ્ધવ ઠાકરે અને તેમનાં પત્ની રશ્મિ ઠાકરે સાથે એકનાથ શિંદેએ ફોન પર વાત કરી હતી અને પોતાને પ્રધાનપદ નહીં મળે તો ચાલશે, પણ બીજેપી સાથે સરકાર બનાવવાનું કહ્યું હતું. 
સુરતની લી મેરિડિયન હોટેલમાં પહોંચેલા શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકરના મોબાઇલ પરથી મુખ્ય પ્રધાન અને શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે એકનાથ શિંદેએ વાત કરી હતી, જેમાં તેમણે કહ્યું હોવાનું મનાય છે કે ‘સાહેબ, બીજેપી સાથે સરકાર બનાવો. ૨૪ કલાકમાં હું એટલો ખરાબ થઈ ગયો કે મારા વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને મારાં પૂતળાં સળગાવાઈ રહ્યાં છે. મેં કોઈને હજી સુધી વચન નથી આપ્યું. મેં કોઈ પેપર પર સહી નથી કરી. હું આ બધું પક્ષ માટે કરી રહ્યો છું. મને પ્રધાનપદ નહીં મળે તો ચાલશે, પણ બીજેપી સાથે યુતિ કરો.’
કહેવાય છે કે ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને કહ્યું હતું કે ‘આ વિશે આપણે ચર્ચા કરીશું. તમે પહેલાં મુંબઈ આવો. આપણે મળીને ચર્ચા કરીએ. જે કંઈ થયું એ ભૂલી જાઓ.’ 
આ સાંભળીને એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પાસેથી એક વચન માગ્યું હતું કે ‘તમે બીજેપી સાથે ફરી યુતિ કરો. મહાવિકાસ આઘાડી સાથે કોઈ તાલમેલ નથી. વિધાનસભ્યો અને પ્રધાનો પણ એવું જ કહી રહ્યા છે. પક્ષની વિચારધારા હિન્દુત્વની છે. આથી બીજેપી સાથેની યુતિ જ આજના સમયની માગ છે.’
મિલિંદ નાર્વેકર સાથેની ચર્ચા નિષ્ફળ
શિવસેનાએ સુરતની હોટેલમાં રોકાયેલા એકનાથ શિંદે સાથે ચર્ચા કરવા માટે મિલ‌િંદ નાર્વેકર અને રવીન્દ્ર ફાટકને મોકલ્યા હતા. તેમની સાથેની વાતચીતમાં પણ એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘હિન્દુત્વના મુદ્દે શિવસેનાએ બીજેપી સાથે યુતિ કરવી જોઈએ. પોતાની પાસે વધુ વિધાનસભ્યો હોવા છતાં ગટ નેતાના પદેથી શા માટે હટાવાયો? તમને તમારું નક્કી કરો, હું મારો નિર્ણય લઈશ. એક તરફ ચર્ચા, બીજી બાજુ વિરોધ-પ્રદર્શન, ત્રીજી તરફ વિધાનસભ્યોના અપહરણનો આરોપ. આમાં મારે સમજવું શું?’

mumbai news uddhav thackeray maharashtra