બાય રોડ ગુજરાત જવાના હો તો ફરી વિચાર કરજો

23 September, 2021 08:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

...કારણ કે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ફાઉન્ટન હોટેલ નજીકનો જૂનો વર્સોવા બ્રિજ ૨૬થી ૨૮ સપ્ટેમ્બર સુધી આંશિક બંધ રહેવાનો હોવાથી ટ્રાફિક જૅમની ભારોભાર શક્યતા

બે વર્ષ પહેલાં જૂના વર્સોવા બ્રિજના સમારકામ વખતે થયેલા ભયંકર ટ્રાફિક જૅમની ફાઇલ તસવીર.

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે નંબર ૮ પર કાશીમીરાથી આગળ ફાઉન્ટન હોટેલ પાસેના જૂના વર્સોવા બ્રિજને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવી રહ્યો હોવાથી ૨૬થી ૨૮ સપ્ટેમ્બર દરમ્યાન આ પુલ પર ગુજરાત તરફ જવાની બે લાઇનમાંથી અડધા ભાગમાં બૅરિકેડ્સ મૂકવામાં આવશે. આથી આ ત્રણ દિવસ ભારે ટ્રાફિક જૅમ થવાની શક્યતા હોવાથી મુંબઈથી વાહનમાર્ગે ગુજરાત તરફ જવાનો પ્લાન કરતા હો તો માંડી વાળજો અથવા બીજો રસ્તો લેજો. ત્રણ વર્ષથી આ બ્રિજનું સમયાંતરે રિપેરિંગ કરાતું હોવાથી ભારે હેરાનગતિનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે.
હાઇવેની સારસંભાળની કામગીરી જે કંપનીને સોંપવામાં આવી છે એ આઇઆરબી સુરત અને દહિસર દ્વારા મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસને એક પત્ર દ્વારા જૂના વર્સોવા બ્રિજનું સમારકામ ૨૧થી ૨૫ સપ્ટેમ્બર દરમ્યાન હાથ ધરવાનું અને એ પછીના ત્રણ દિવસ બ્રિજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિંગલ લાઇન પર જ ગુજરાત તરફ વાહનોની અવરજવર કરવા દેવાની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે.
આઇઆરબીનો પત્ર મળ્યા બાદ મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ દ્વારા મુંબઈ કે થાણેથી વાયા ફાઉન્ટન હોટેલ નજીકના વર્સોવા બ્રિજ પર ભારે વાહનોને ૨૧ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર સુધી પ્રવેશ નહીં કરવા દેવાય. જોકે પ્રાઇવેટ કે સરકારી બસોની અવરજવર કાયમ રાખવામાં આવી છે.
થાણેથી ગુજરાત તરફ જતાં ભારે અને મલ્ટિ-એક્સેલ વાહનો મુમ્બ્રા-ખારેગમ ટોલનાકા, માનકોલી, ભિવંડી, વાડા, મનોર, પાલઘર માર્ગથી જઈ શકશે. 
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર (હેડક્વૉર્ટર) વિજય સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૂના વર્સોવા બ્રિજનું સમારકામ ૨૧ સપ્ટેમ્બરથી ચાલુ થઈ ગયું છે અને ૨૫ સપ્ટેમ્બર સુધી ચાલશે. જોકે એ પછીના ત્રણ દિવસ સુધી અહીં ગુજરાત તરફની બેમાંથી એક લાઇન જ બ્રિજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચાલુ રખાશે. ટ્રાફિકની સમસ્યા ન થાય એ માટે ૨૬થી ૨૮ સપ્ટેમ્બર સુધી ભારે વાહનો અહીંથી નહીં જઈ શકે. જોકે ગુજરાત તરફથી આવવા માટેનો નવો બ્રિજ રાબેતા મુજબ ચાલુ રહેશે એટલે ટ્રાફિકની કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય.’

Mumbai mumbai news gujarat