૩૧ મે સુધીમાં મરાઠીમાં બોર્ડ નહીં હોય તો ઍક્શન માટે રહેજો તૈયાર

14 May, 2022 08:54 AM IST  |  Mumbai | Rohit Parikh

જોકે જે રેસ્ટોરાં-બાર અને હોટેલોનાં નામ મહાનુભાવોના નામ પર છે તેમણે તેમનાં નામ ૩૦ જૂન સુધીમાં બદલી નાખવાનાં રહેશે, પરંતુ અન્ય હોટેલો અને બારનાં નામ આ મહિનાના અંત સુધીમાં મરાઠીમાં લખવાનાં રહેશે

૩૧ મે સુધીમાં મરાઠીમાં બોર્ડ નહીં હોય તો ઍક્શન માટે રહેજો તૈયાર

મહારાષ્ટ્ર સરકારના માર્ચ મહિનાના આદેશ પછી બીએમસીએ મુંબઈની તમામ દુકાનો અને સંસ્થાઓને એમના નામનું બોર્ડ કોઈ પણ જાતની છૂટછાટ વગર દેવનાગરી લિપિમાં લખવાની અંતિમ તારીખ ૩૧ મે જાહેર કરી દીધી છે. આ સિવાય જે કોઈ રેસ્ટોરાં અને બારનાં નામો કોઈ મહાનુભાવો કે કિલ્લાઓનાં નામ પર હોય તો તેમને પણ તેમનાં નામો ૩૧ મે પહેલાં બદલી નાખવાનો ગઈ કાલે બીએમસીએ આદેશ આપી દીધો છે. આમાં નિષ્ફળ જનારા દુકાનદારો અને રેસ્ટોરાં-બારના માલિકો પર ઍક્શન લેવા માટે બીએમસી સજ્જ થઈ ગઈ છે. બીએમસીના શૉપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટમાં પાંચ લાખ આઠ હજાર દુકાનો અત્યારે  રજિસ્ટર્ડ છે.
રાજ્ય સરકારના આદેશ પછી પણ બીએમસીએ ગઈ કાલ સુધી મરાઠી બોર્ડની બાબતમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી. જોકે હવે બીએમસીએ મરાઠીમાં બોર્ડ લખવા બાબતની અંતિમ તારીખ ૩૧ મે જાહેર કરી દીધી છે.  
રાજ્ય સરકારના માર્ચ મહિનાના આદેશ પછી મુંબઈની નાની-મોટી બધી જ દુકાનો અને સંસ્થાઓ માટે તેમના નામનું બોર્ડ દેવનાગિરી લિપિમાં લખવાનું ફરજિયાત બની ગયું છે. દુકાનદારો અને સંસ્થાઓએ તેમના નામનાં બોર્ડ પર મોટા અક્ષરે મરાઠીમાં નામ લખવાનાં રહેશે. ત્યાર પછી અન્ય ભાષામાં તેઓ મરાઠી ભાષાથી નાના અક્ષરોમાં તેમનાં નામ લખી શકશે. જે દુકાનદારોએ તેમના નામનાં બોર્ડ મરાઠીમાં લખ્યાં નહીં હોય તેમના પર પહેલી જૂનથી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. આ દુકાનદારો અને સંસ્થાઓને તરત બીએમસીના શૉપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ મોકલવાની શરૂઆત થઈ જશે. આવી જ રીતે જે હોટેલો અને રેસ્ટોરાં-બારનાં નામો મહાનુભાવોનાં નામ પર હશે તેમને પણ નોટિસ મોકલવામાં આવશે. 
જે રેસ્ટોરાં અને બારનાં નામ મહાનુભાવો કે કિલ્લાઓનાં નામ પરથી છે તેમણે સરકારના નિર્ણય મુજબ ૭ એપ્રિલ ૨૦૨૨થી ૩૦ જૂન ૨૦૨૨ સુધીમાં તેમનાં નામ બદલી નાખવાનો સમય આપવામાં આવ્યો છે. જે હોટેલો, રેસ્ટોરાં અને બાર કે દારૂની દુકાનોનાં નામ કોઈ મહાનુભાવો કે કિલ્લાઓનાં નામ પરથી નથી તેમણે તેમની દુકાનો અને રેસ્ટોરાં નામ ૩૧ મે સુધીમાં જ બદલી નાખવાનાં રહેશે. 
આ બાબતમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજોગ કાબરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીએમસીએ રાજ્ય સરકારના આદેશ પછી પહેલી એપ્રિલે જ એક પરિપત્ર પ્રસિદ્ધ કરીને દુકાનદારો અને સંસ્થાઓને તેમના નામનાં બોર્ડ મરાઠી લખવાનો આદેશ આપી દીધો હતો. હવે અમે તેમને પહેલી જૂનથી નોટિસ મોકલવાની શરૂઆત કરીશું.’
જે દુકાનદારો અને સંસ્થાઓના નામનાં બોર્ડ નોટિસ આપ્યા પછી પણ મરાઠીમાં લખવામાં આવ્યાં નહીં હોય તેમના પર આ આદેશના ઉલ્લંઘન કિસ્સામાં શૉપ્સ ઍક્ટ ૨૦૧૭ની જોગવાઈ મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
અમે મરાઠી બોર્ડ બાબતમાં વિવિધ તબક્કામાં કાર્યવાહી શરૂ કરીશું એમ જણાવીને શૉપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટના અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ફાઇનલ આદેશ મળ્યા પછી પહેલા તબક્કામાં અમે બધી દુકાનો અને સંસ્થાઓનો સર્વે કરીને તેમને માર્ગદર્શન પૂરું પાડીશું. ત્યાર પછી પોલીસ અને દુકાનદારો સાથે મીટિંગ કરવામાં આવશે. આમ છતાં તેઓ આદેશનું પાલન નહીં કરે તો તેમના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અમારી કાર્યવાહીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.’
આદેશનું પાલન નહીં કરનારા પર વૉર્ડ લેવલે કાર્યવાહી કરવાની સત્તા લાઇસન્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવી છે એમ જણાવતાં આ અધિકારીએ કહ્યું હતું કે ‘વૉર્ડ લેવલ પર લાઇસન્સ ડિપાર્ટમેન્ટ વૉર્ડની સાઇઝ પ્રમાણે ટીમો બનાવશે. એમાં કેટલા અધિકારીઓ હશે એની સંખ્યા હજી નક્કી કરવામાં આવ્યું નથી. જે લોકો આદેશનું પાલન કરતા નથી તેમને શું સજા કરવી એનો નિર્ણય કોર્ટ લેશે. દુકાનદારોની જેમ જ દારૂની દુકાનો અને બાર પણ ઍક્શન લેવામાં આવશે.’

Mumbai mumbai news rohit parikh