આગ કલાક મોડી લાગી હોત તો...

20 November, 2021 09:48 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

આ વિચાર માત્રથી પ્રાઇમ મૉલમાં દુકાન ધરાવતા વેપારીઓ ગભરાઈ જાય છે : વિલે પાર્લેમાં આવેલા આ મૉલમાં ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે આગ લાગી ત્યારે મોટા ભાગની દુકાનો બંધ હોવાથી માત્ર માલને નુકસાન થયું હતું

વિલે પાર્લેના પ્રાઇમ મૉલમાં ગઈ કાલે આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડનાં ૧૩ ફાયર એન્જિન અને પાણીનાં ૧૧ ટૅન્કર આગ ઓલવવા પહોંચી ગયાં હતાં.   સતેજ શિંદે

વિલે પાર્લેના ચાર માળના પ્રાઇમ મૉલમાં ગઈ કાલે સવારે આગ લાગી હતી. સાડાત્રણ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગને બુઝાવી દીધી હતી. ગીચ વિસ્તારમાં આવેલા મૉલમાં આગ સવારના ૧૦ વાગ્યે લાગી હતી ત્યારે બહુ જ ઓછી દુકાનો ખૂલી હતી. આથી જાનહાનિ ટળી હતી. જોકે આ જ આગ કલાક-દોઢ કલાક પછી લાગી હોત તો એવો વિચાર ડરાવનારો છે કારણકે એ સમયે મોટા ભાગની દુકાનો ખૂલી જાય છે. ફાયર બ્રિગેડનાં ૧૩ ફાયર એન્જિન અને પાણીનાં ૧૧ ટૅન્કર સહિતનાં વાહનો મૉલની સામેના માર્ગ પર સાડાત્રણ કલાક સુધી આગ બુઝાવતાં હતાં એટલે ધસારાના સમયે ટ્રાફિક જૅમ થયો હતો. આગ બુઝાવવાના પ્રયાસમાં એક ફાયરમૅનને મામૂલી ઈજા થઈ હતી, જ્યારે ૨૦ વર્ષના એક યુવકના શ્વાસમાં ધુમાડો ભરાઈ ગયો હતો. 
મુંબઈ ફાયર બ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ સવારે ૧૦.૧૫ વાગ્યે આગ લાગ્યાનો કૉલ આવ્યા બાદ ૧૦.૨૭ વાગ્યે ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ મૉલના બેઝમેન્ટમાં અને પહેલા માળે લાગી હતી. ૫૪ વર્ષના ફાયરમૅન મંગેશ ગાંવકરને ઈજા થઈ હતી અને ૨૦ વર્ષના મુસાબીર મોહમ્મદ નામના યુવકના શ્વાસમાં આગનો ધુમાડો ભરાઈ ગયો હોવાથી તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયો હતો.
પ્રાઇમ મૉલની અંદર દુકાન ચલાવતા એક વેપારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારો હોલસેલનો ધંધો હોવાથી અમે રોજ સાડાઅગિયાર વાગ્યે દુકાન ખોલીએ છીએ. શુક્રવારે સવારે દસ વાગ્યાની આસપાસ આગ લાગી ત્યારે મને તરત જ ફોન આવી ગયો હતો એટલે હું સ્પૉટ પર પહોંચી ગયો હતો. અમુક દુકાનો ખૂલી ગઈ હતી. ચોક્કસ કેટલું નુકસાન થયું છે એની કંઈ ખબર પડી નથી, કેમ કે કોઈને પોલીસ અંદર જવા દેતી નથી. બધા બહાર જ હતા. એવું સાંભળ્યું હતું કે ધુમાડાને કારણે એક માણસને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. તેને હૉસ્પિટલમાં ખસેડાયો હતો. આગ લાગવાથી બહાર કાળા-કાળા ધુમાડા આવતા હતા જેને કારણે લોકો બહુ ડરી ગયા હતા. સદ્નસીબે હજી સુધી કોઈ જાનહાનિ થઈ હોય એવું સંભળાયું નથી.’

Mumbai mumbai news prakash bambhrolia