19 July, 2024 06:50 AM IST | Mumbai | Prakash Bambhroliya
કુંભે વૉટરફૉલની સામેના આ પૉપ્યુલર સ્પૉટ પરથી આન્વી કામદાર જમણી બાજુએ ખીણમાં પડી ગઈ હતી.
રાયગડના માણગાવ ખાતેના કુંભે વૉટરફૉલ પાસે મંગળવારે ખીણમાં પડી જવાથી જીવ ગુમાવનારી માટુંગાની ગુજરાતી રીલ-સ્ટાર તથા સોશ્યલ મીડિયા પર ટ્રાવેલ અને લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુઅન્સર આન્વીના પિતા સંજય કામદારનું ગયા વર્ષે જુલાઈ મહિનામાં જ હાર્ટ-અટૅક આવવાથી અવસાન થયું હતું. મંગળવારે આન્વી માણગાવ જવા માટે નીકળતી હતી ત્યારે તેની મમ્મીએ જુલાઈ મહિનો ભારે છે એટલે ન જવાનું કહ્યું હતું. જોકે આન્વીએ તેના ઇન્ફ્લુઅન્સર અને વ્લૉગર ગ્રુપ સાથે માણગાવની મીટ પ્લાન કરી લીધી હતી એટલે તે ગઈ હતી.
જીવલેણ જુલાઈ
આન્વી કામદારના મામા અમિત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે જુલાઈ મહિનામાં જ આન્વીના પિતાનું હાર્ટ-અટૅક આવવાથી અચાનક અવસાન થયું હતું. મારી બહેન નંદિની, ભાણેજ આન્વી અને તેની નાની બહેન સહિત અમે બધા આઘાતમાંથી બહાર નથી આવ્યા ત્યાં આન્વીએ પણ અમારી વચ્ચેથી વિદાય લીધી છે. અમારા માનવામાં નથી આવતું કે આન્વી હવે અમારી વચ્ચે હયાત નથી. જુલાઈ મહિનામાં જ પિતાનું અવસાન થયું હતું એટલે આન્વીને તેની મમ્મીએ કહ્યું હતું કે તું આ મહિનામાં ક્યાંય નહીં જતી. જોકે આન્વી મંગળવારે ઇન્ફ્લુઅન્સર અને બ્લૉગર ગ્રુપ સાથે માણગાવ ગઈ હતી. આ ગ્રુપ સાથે આન્વી અવારનવાર આવી રીતે જતી હતી. અહીં તેઓ શૂટ કરવાના હતા ત્યાં આ ઘટના બની હતી.’
ડ્રોનની મદદથી શોધ ચલાવી
ગ્રુપ કુંભે વૉટરફૉલ પાસેની ટેકરી પર હતું ત્યારે આન્વીનો પગ લપસતાં તે ખીણમાં પડી ગઈ હતી. તે એવી જગ્યાએ પડી હતી કે તેને શોધવી મુશ્કેલ બની ગયું હતું. આ વિશે અમિત શાહે કહ્યું હતું કે ‘ગ્રુપ તેમની સાથે ડ્રોન લઈ ગયું હતું, પણ એનો ઉપયોગ કરે એ પહેલાં જ આન્વી ખીણમાં પડી ગઈ હતી. સ્થાનિક પોલીસને જાણ કરાયા બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ડ્રોનથી તેને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તે ખીણમાં પડી હોવાનું જણાયું હતું. તેણે હાથ પણ ઉપર કર્યો હતો. આથી બાદમાં રેસ્ક્યુ ટીમ નીચે પહોંચી હતી.’
પ્રોફેશનલ ઇન્ફ્લુઅન્સર બની
આન્વીને ઘણા સમયથી કુદરતી સ્થળોએ ટ્રાવેલિંગ કરવાનો શોખ હતો એટલે તે અવારનવાર ફરવા ઊપડી જતી. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની સાથે ત્રણેક વર્ષ પહેલાં તે પ્રોફેશનલ ઇન્ફ્લુઅન્સર બની હતી. તેના મામા અમિત શાહે આ વિશે કહ્યું હતું કે ‘પ્રોફેશનલી કામ કરવાની શરૂઆત કર્યા બાદ આન્વી ટૂંક સમયમાં જ ફેમસ બની ગઈ હતી. તે ગ્રુપ સાથે મીટ ગોઠવતી અને જુદાં-જુદાં સ્થળોનું શૂટિંગ કરીને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતી. રિસૉર્ટના સ્ટાફ, ઑટો-ટૅક્સીવાળાઓને પણ આન્વી જીવનમાં આગળ આવવા માટેની પ્રેરણા આપીને તેમને જરૂરી મદદ પણ કરતી હતી.’