બીજેપી જો શિવસેનાના રસ્તે ચાલી હોત તો સેના મહારાષ્ટ્રમાં બચી ન હોત

08 February, 2021 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપી જો શિવસેનાના રસ્તે ચાલી હોત તો સેના મહારાષ્ટ્રમાં બચી ન હોત

સિંધુદુર્ગમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે મેડિકલ કૉલેજનું ઉદ્ઘાટન કર્યું હતું. (તસવીરઃ પી.ટી.આઇ.)

બીજેપી જો શિવસેનાના રસ્તે ચાલી હોત તો શિવસેના મહારાષ્ટ્રમાં બચી ન હોત એમ કહીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે શિવસેના પર નિશાન તાક્યું હતું. મહારાષ્ટ્રમાં ત્રણ ટાયરની ઑટોરિક્ષાની સરકાર બનાવાઈ છે અને આવી સરકાર ત્રણ દિશામાં ચાલી રહી હોવાનું તેમણે કહ્યું હતું. સિંધુદુર્ગમાં નારાયણ રાણેની મેડિકલ કૉલેજનું ઉદ્ઘાટન કરવા મુખ્ય મહેમાન તરીકે અમિત શાહ આવ્યા હતા.

અમિત શાહે શિવસેના પર નિશાન તાકતાં કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરેના તમામ સિદ્ધાંતોને તાપી નદીમાં પધરાવીને સત્તા સ્થાપવામાં આવી છે. બંધ દરવાજે શિવસેના સાથે ક્યારેય ચર્ચા થઈ નહોતી એવું જણાવીને તેમણે કહ્યું હતું કે ‘હું આજે મહારાષ્ટ્રની જનતાને કહેવા માગું છું કે તમે જે જનાદેશ આપ્યો હતો એનો અનાદર કરીને સત્તા મેળવવા માટે જનાદેશના વિરોધમાં સરકાર બનાવાઈ છે. લોકોએ દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં સરકારો બને એ માટે મત આપ્યા હતા. શિવસેના કહે છે કે અમે વચન ન પાળ્યું. અમે વચન પાળનારા છીએ. એવું ખોટું ક્યારેય બોલતા નથી.’

શિવસેનાને આડે હાથ લેતી વખતે અમિત શાહે ઉમેર્યું હતું કે ‘શિવસેનાએ નરેન્દ્ર મોદીના નામે ચૂંટણીપ્રચાર કરવાની સાથે તેમના મોટા-મોટા ફોટો છાપ્યા હતા. નરેન્દ્ર મોદીના નામે શા માટે મત માગવામાં આવ્યા? દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બનાવાયા હતા ત્યારે તમે કેમ કંઈ બોલ્યા નહીં?’

mumbai mumbai news shiv sena bharatiya janata party amit shah