મને સુરતની હોટલમાં કેદ કરવામાં આવ્યો હતો: શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખનો આરોપ

22 June, 2022 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અગાઉ મંગળવારે નીતિન દેશમુખની પત્નીએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી

નીતિન દેશમુખ (તસવીર સૌજન્ય: ટ્વિટર)

સુરતથી નાગપુર પહોંચેલા શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખે આરોપ લગાવ્યો છે કે તેમને સુરતની હોટલમાં કેદ રાખવામાં આવ્યા હતા. અગાઉ શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યું હતું કે સુરતમાં શિવસેનાના ધારાસભ્યોને ગુજરાત પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે. તે મુંબઈ માગતા હતા, પરંતુ ગુજરાત પોલીસ તેમને પકડીને સુરત લઈ ગઈ હતી. એવું પણ લખવામાં આવ્યું હતું કે ધારાસભ્ય નીતિન દેશમુખને એટલો માર મારવામાં આવ્યો હતો કે તેમને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નીતિન દેશમુખે વધુમાં જણાવ્યું કે “પોલીસ બળપૂર્વક મને હોસ્પિટલ લઈ ગઈ. મને કોઈ પ્રકારનો હાર્ટ એટેક આવ્યો નથી. પોલીસ જવાનોએ મને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જે સમયે હું હોસ્પિટલ ગયો ત્યારે મને 20-25 લોકોએ પકડી લીધો હતો. મારું અપહરણ કરવામાં આવ્યું હતું. મને સુરતમાં કેદ કરવામાં આવ્યો. હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક છું. હું મારા ઘરે જાઉં છું. હું રાત્રે 12 વાગે નીકળ્યો હતો, રસ્તામાં ઊભો હતો. 100-200 પોલીસકર્મીઓ ઊભા હતા, જે બાદ પોલીસ મને હોસ્પિટલ લઈ ગઈ અને એવો ડ્રામા રચ્યો કે મને એટેક આવ્યો છે.”

પત્નીએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી

અગાઉ મંગળવારે નીતિન દેશમુખની પત્નીએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના બાલાપુરના શિવસેના ધારાસભ્ય દેશમુખની પત્ની પ્રાંજલિ દેશમુખે જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ધારાસભ્યની પત્નીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે સોમવાર રાતથી તેણી તેના પતિ સાથે કોઈ સંપર્ક કરી શકી નથી. પ્રાંજલિએ પોલીસને તેના પતિને ઝડપથી શોધી કાઢવા વિનંતી કરી હતી.

`ચૂંટણી યોજવાનો વિકલ્પ`

દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે મીડિયાને જણાવ્યું કે “તમામ ધારાસભ્યો પાછા આવશે. વિધાનસભા ભંગ કરીને ચૂંટણી કરાવવાનો પણ વિકલ્પ છે. અમે જોયું કે નીતિન દેશમુખ સાથે શું કરવામાં આવ્યું.” તેમણે દાવો કર્યો કે શિવસેના અગ્નિ પરીક્ષામાં પાસ થશે.

mumbai mumbai news surat maharashtra