હું મારું રાજીનામું તૈયાર રાખી રહ્યો છું: બળવા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મૌન તોડ્યું

22 June, 2022 07:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના રાજકીય સંકટ અંગે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મૌન તોડ્યું છે

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના રાજકીય સંકટ અંગે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મૌન તોડ્યું છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનામાં બળવાખોરીની તીવ્રતા વચ્ચે પોતાના ભાવનાત્મક સંદેશમાં કહ્યું છે કે તેઓ તેમનું પદ છોડવા માટે તૈયાર છે. બુધવારે ફેસબુક સંબોધનમાં તેમણે કહ્યું કે “હું મારું રાજીનામું તૈયાર રાખું છું. આવો અને મને કહો કે શું તમે ઈચ્છો છો કે હું પદ છોડું. હું ખુરશી પકડીને બેસી રહેનાર માણસ નથી.”

ઉદ્ધવે ભારપૂર્વક જણાવ્યું હતું કે “શિવસેના ક્યારેય હિન્દુત્વ છોડશે નહીં.” તેમણે કહ્યું કે “હિન્દુત્વ આપણી ઓળખ છે. હું આવો પહેલો સીએમ છું, તેથી હું હિન્દુત્વ પર વાત કરું છું.” તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર કોવિડ રોગચાળાના પ્રકોપ સામે લડી રહ્યું છે, જે રીતે હું સીએમ તરીકે કોવિડને નિયંત્રિત કરવામાં સક્ષમ હતો, તે તમારા સમર્થનથી શક્ય બન્યું છે.”

તેમણે કહ્યું કે “મારા પર લોકો/પક્ષના લોકોને ન મળવાનો આરોપ હતો. જ્યાં સુધી લોકોને ન મળવાની વાત છે, તો તેનું કારણ એ હતું કે હું બીમાર હતો અને લોકોને મળી શકતો ન હતો. મારી તબિયત દરમિયાન વહીવટી કામ થતું ન હતું, તે ચાલતું હતું.” ઉદ્ધવે કહ્યું કે “લોકો કહે છે કે આ બાળાસાહેબની શિવસેના નથી, હું પૂછું છું કે શું ફરક છે. આજે પણ એ જ શિવસેના છે.”

ઉદ્ધવે કહ્યું કે “2014માં જ્યારે અમે ચૂંટણી લડ્યા હતા અને જ્યારે 68 ધારાસભ્યો જીતીને આવ્યા ત્યારે તે બાળાસાહેબની શિવસેના હતી. હું પોતે અઢી વર્ષથી મુખ્યમંત્રી રહ્યો છું. હવે સવાલ એ છે કે રાજ્યમાં શું ચાલી રહ્યું છે? શિવસેનાના ધારાસભ્યો પહેલા પોતે સુરત ગયા, પછી ત્યાંથી ગુવાહાટી. કેટલાક જઈ રહ્યા છે, કેટલાક આવી રહ્યા છે. હું તેના વિશે વાત કરવા માગતો નથી. વિધાન પરિષદની ચૂંટણી પહેલા પણ અમારે અમારા ધારાસભ્યોને અમારી સાથે રાખવા પડશે? આ કઈ લોકશાહી છે?”

mumbai mumbai news uddhav thackeray maharashtra