શિક્ષણને સમર્પિત આવા શિક્ષકોને છે સો સલામ

15 September, 2021 08:36 AM IST  |  Mumbai | Mehul Jethva

ઘાટકોપરની બીએમસી સ્કૂલના ટીચર્સ વિદ્યાર્થીઓ ઑનલાઇન ભણતા ન હોવાથી એક પણ સ્ટુડન્ટ એજ્યુકેશન વગર ન રહી જાય એ માટે તેમના ઘરે જઈને ૧૫-૨૦ બાળકોને ભેગાં કરીને તેમને ગાર્ડન કે ખુલ્લા મેદાનમાં ભણાવે છે

વિદ્યાર્થીઓને ગાર્ડનમાં અભ્યાસ કરાવી રહેલા શિક્ષક. એની પાછળનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે એ છે.

કોરોનાને કારણે રાજ્ય સરકારે સ્કૂલોને ખોલવાની પરવાનગી આપી ન હોવાથી ઘાટકોપર-વેસ્ટમાં આવેલી બર્વેનગર સરકારી સ્કૂલના શિક્ષકોએ વિદ્યાર્થીઓને તેઓ જ્યાં રહેતા હોય એ વિસ્તારમાં જઈ ભણાવવાનું ચાલુ કરી દીધું છે. 
ઘાટકોપર-વેસ્ટમાં ભટવાડી વિસ્તારમાં આવેલી એસ. જી. બર્વેનગર માધ્યમિક સ્કૂલ સુધરાઈ હસ્તગત ચાલે છે. એમાં ભણતા મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્લમ વિસ્તારમાંથી આવે છે હાલમાં બધી સ્કૂલોમાં ઑનલાઇન ભણતર આપવામાં આવી રહ્યું છે. જોકે અહીં સ્લમમાં રહેતા લોકો પાસે સ્માર્ટફોનની સુવિધા ન હોવાથી તેઓ ભણતર લઈ શકે એમ નથી. આ વાત સ્કૂલના આચાર્ય સામે આવતાં તેમણે શિક્ષકો સાથે મળીને ટીમ તૈયાર કરી હતી, જેમણે બાળકો જ્યાં રહેતાં હતાં એ વિસ્તારમાં જઈ તેમને ભણતર આપવાનું નક્કી કર્યું હતું. શિક્ષકોની ટીમ અઠવાડિયામાં ત્રણ દિવસ ભટવાડી, સંઘર્ષનગર, રામનગર અને ઘાટકોપર ટેકરી જેવી ઝૂંપડપટ્ટીઓમાં વિદ્યાર્થીઓની મુલાકાત લઈને તેમને અભ્યાસ કરાવે છે.
બર્વે સ્કૂલના એક શિક્ષકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આચાર્ય અંબરસિંહ મગરના માર્ગદર્શનમાં અમે ૧૨ શિક્ષકોની ટીમ તૈયાર કરી છે. અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ સંઘર્ષનગર અને ભટવાડી વિસ્તારમાં રહે છે. અમે તેમના ઘરે જઈ ૧૫-૨૦ બાળકોને ભેગાં કરીને આસપાસમાં આવેલા ગાર્ડનમાં અથવા તો ખુલ્લા મેદાનમાં લઈ જઈએ છીએ. ત્યાં તેમની અભ્યાસ અંગેની શંકાઓનું નિરાકરણ કરવામાં આવે છે અને સાથે મુશ્કેલ અભ્યાસ સમજાવવામાં આવે છે.’
આચાર્ય અંબરસિંહ મગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્લમમાં રહેતાં બાળકોનું આર્થિક પરેશાનીને કારણે શિક્ષણ અધૂરું ન રહી જાય એ ઉદ્દેશથી અમે આ કાર્ય ચાલુ 
કર્યું છે. અહીં સૌથી મહત્ત્વની વાત સામે આવે છે વિદ્યાર્થીઓના વાલીઓને શિક્ષણનું મહત્ત્વ સમજાવવું. આર્થિક પરેશાનીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ પોતાના વાલીઓની મદદ કરવા માટે કામ પર લાગી ગયા છે. અમે તેમને સમજાવીએ છીએ કે શિક્ષણ જ તમારાં બાળકોનું જીવન બદલી શકે છે.’ 

mumbai news Mumbai mehul jethva