ગુજરાતમાં બીજેપીની જીતની મુંબઈમાં જોરદાર ઉજવણી

09 December, 2022 09:54 AM IST  |  Mumbai | Rohit Parikh

એપીએમસીના દાણાબજારના વેપારીઓ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં સતત છઠ્ઠી વારની જીતનો ઊજવાયો વિજયોત્સવ : બજારમાં ઢોલ અને શરણાઈના સૂરો સાથે ફાફડા અને જલેબી વહેંચાયાં

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ સતત છઠ્ઠી વાર જીત મેળવતાં ઢોલ અને શરણાઈના સૂરો સાથે વિજયોત્સવની ઉજવણી કરી રહેલા એપીએમસીના દાણાબજારના વેપારીઓ.

મુંબઈ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગઈ કાલે ૧૫૭ સીટ પર જંગી બહુમતી મેળવીને સતત છઠ્ઠી વાર વિજયી થઈ હતી. આ વિજયથી નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસી માર્કેટના દાણાબજારમાં હર્ષોલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જીતની દાણાબજારના વેપારીઓ દ્વારા ઢોલ અને શરણાઈ વગાડીને તેમ જ વેપારીઓ, ગુમાસ્તાઓ, દલાલો, માથાડી કામદારોને જલેબી-ફાફડા વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. આ બાબતની માહિતી આપતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારથી જેમ-જેમ ગુજરાત અને કચ્છનાં ચૂંટણીનાં પરિણામો આવતાં ગયાં હતાં તેમ-તેમ અમારી બજારના વેપારીઓની છાતી ગજગજ ફૂલી રહી હતી. અમારા બજારની મિહિર ટ્રેડિંગ (પી-૩૦)ના મહેન્દ્રભાઈએ ઢોલ અને શરણાઈની વ્યવસ્થા કરીને વિજયોત્સવ ઊજવવાની તૈયારી કરી લીધી હતી. બજારના વેપારીઓ, ગુમાસ્તાઓ, દલાલો, માથાડી કામદારોમાં વેપારી સંસ્થાઓ તરફથી જલેબી અને ફાફડા વહેંચવામાં આવ્યાં હતાં. ગુજરાત અને કચ્છમાં ભારતીય જનતા પાર્ટીની જીતથી ગુજરાતની જનતાએ અને વેપારીઓએ સાબિત કરી બતાવ્યું કે ગુજરાતીઓને મફતની વસ્તુઓમાં બિલકુલ રસ નથી. તેમને ફક્ત વિકાસશીલ ગુજરાતમાં જ રસ છે. ગુજરાતમાં છેલ્લાં ૨૭ વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી રહી છે, જેમાં હવે બીજાં પાંચ વર્ષનો ઉમેરો થયો છે. કચ્છમાં છમાંથી છ સીટ પર ભારતીય જનતા પાર્ટીને જિતાડીને કચ્છના લોકોએ ડંકો વગાડ્યો છે. આનાથી એપીએમસીના દાણાબજારના કચ્છી વેપારીઓમાં ઉત્સવ જેવો માહોલ નિર્માણ થયો હતો.’

દાણાબજારમાં ભારતીય જનતા પાર્ટીના ગઈ કાલના વિજયોત્સવમાં ગ્રોમા સંસ્થાના પ્રમુખ શરદ મારુ, માનદ મંત્રી ભીમજી ભાનુશાલી તેમ જ એપીએમસીના સદસ્ય નીલેશ વીરા તથા મનીષ દાવડા, દિનેશ ભાનુશાલી, અરવિંદ લોડાયા, ગાંગજી મંગે,  હંસરાજ ખીચડા, દેવેન્દ્ર વોરા હાજર રહ્યા હતા. 

mumbai mumbai news rohit parikh